UNમાં ગુજરાતીનો ડંકો:ભારતના બિમલ પટેલ ઈન્ટરનેશનલ લો કમિશનમાં 5 વર્ષના કાર્યકાળ માટે ચૂંટાયા, ઈન્ડિયા 163 વોટ સાથે ટોચ પર રહ્યું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને નેશનલ સિક્યોરિટી એડવાઈઝરી બોર્ડ ઓફ ઈન્ડિયાના પ્રોફેસર બિમલ પટેલ, સંયુક્ત રાષ્ટ્રમાં 1 જાન્યુઆરી 2023થી શરૂ થતાં પાંચ વર્ષના કાર્યકાળ માટે ઈન્ટરનેશનલ લો કમિશન માટે ચૂંટાયા છે. ઉલ્લેખનીય છે કે બિમલ પટેલની ભવ્ય જીત બાદ તેમને સન્માનિત કરવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

બિમલ પટેલને ભારતના કાયમી પ્રતિનિધિ UN એમ્બેસેડર T.S.તિરુમૂર્તિએ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે પ્રોફેસર બિમલ પટેલ @RakshaUniને ગ્રૂપમાં ટોચ પર રહીને ઇન્ટરનેશનલ લો કમિશનમાં ચૂંટવા બદલ હાર્દિક અભિનંદન.

ચૂંટણીમાં 11 મજબૂત ઉમેદવાર, ભારત ટોચ પર
આ ચૂંટણી ઘણી સ્પર્ધાત્મક રહી હતી. એશિયા-પેસિફિક જૂથની 8 બેઠકો માટે 11 મજબૂત ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી બિમલ પટેલે UN જનરલ એસેમ્બલીમાં હાજર અને મતદાન કરતા 192 સભ્યોમાંથી 163ના મત મેળવ્યા હતા, જે એશિયા-પેસિફિક જૂથમાં ટોચ પર છે. ઉલ્લેખનીય છે કે આ એસેમ્બલીમાં ચીન, દક્ષિણ કોરિયા અને જાપાનના ઉમેદવારો પણ હાજર હતા.

ભારતના કાયમી મિશને આભાર માન્યો
UNમાં ભારતના કાયમી મિશને શુક્રવારે ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી ગણતરીની મિનિટોમાં ટ્વીટ કર્યું હતું કે ભારતના પ્રોફેસર બિમલ પટેલ 5 વર્ષની મુદતથી #ILC માટે ચૂંટાયા છે. #ILCમાં અમારું યોગદાન #RuleOfLaw આધારિત તથા નિયમો-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને જાળવી રાખવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરશે, મિશને વધુમાં કહ્યું હતું કે એશિયા-પેસિફિક ગ્રૂપમાં સૌથી વધુ મતો સાથે ભારતના ઉમેદવાર પર વિશ્વાસ દર્શાવનારા તમામ દેશોનો હૃદયપૂર્વક આભાર.

ઈન્ડિયા 163 વોટ સાથે ટોચ પર રહ્યું છે. ત્યારબાદ થાઈલેન્ડને 162, જાપાનને 154 અને વિયેતનામને 145 વોટ મળ્યા છે. આની સાથે ચીનની વાત કરીએ તો તેણે 142 વોટ મેળવ્યા હતા, જ્યારે 140 દક્ષિણ કોરિયા, 139 સાયપ્રસ અને મંગોલિયાને 123 વોટ મળ્યા હતા.

બિમલ પટેલ દેશ-વિદેશમાં 15 વર્ષથી કાર્યરત
બિમલ પટેલ એક પ્રતિષ્ઠિત શિક્ષણશાસ્ત્રી, ન્યાયશાસ્ત્રી અને વહીવટકર્તા છે અને તેમની ત્રણ દાયકાથી વધુની વ્યાવસાયિક કારકિર્દી દરમિયાન, તેમણે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં નિયામક અને ભારતના 21મા કાયદા પંચના સભ્ય જેવી વિવિધ ભૂમિકાઓ ભજવી સેવા આપી છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની વેબસાઈટ પરની તેમની પ્રોફાઈલ અનુસાર, તેમણે હેગ, નેધરલેન્ડ ખાતે યુનાઈટેડ નેશન્સ ઓફ યુથ અને ઓર્ગેનાઈઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન્સ (OPCW) જેવી વૈશ્વિક સંસ્થાઓમાં 15 વર્ષ સુધી કામ કર્યું છે.

આંતરરાષ્ટ્રીય કાયદા પંચની સ્થાપના જનરલ એસેમ્બલી દ્વારા 1947માં આંતરરાષ્ટ્રીય કાયદાના પ્રગતિશીલ વિકાસ અને તેના સંહિતાકરણને પ્રોત્સાહિત કરવાના હેતુસર અભ્યાસ શરૂ કરવા અને ભલામણો તથા એસેમ્બલીના આદેશને હાથ ધરવા માટે કરાઈ હતી. યુનાઇટેડ નેશન્સનાં રાજ્યોના સભ્યોની સરકારો દ્વારા નામાંકિત ઉમેદવારોની યાદીમાંથી સામાન્ય સભા દ્વારા કમિશનના સભ્યોની પસંદગી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...