અમેરિકી અર્થતંત્રમાં ભારતીય મૂળના લોકોનું યોગદાન જગજાહેર છે. અમેરિકી સંસદે ગુરુવારે ફરી એકવાર ભારતીયોની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. મધ્યસત્રની ચૂંટણીમાં જ્યોર્જિયાથી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ચૂંટાઈ આવેલા રિચ મેક્કોર્મિકે ભારતીયોની પ્રશંસા કરતા કહ્યું કે અમેરિકી વસતીમાં ભારતીયોની વસતી ફક્ત 1% છે પણ ટેક્સમાં તેમનું યોગદાન 6% છે. અમેરિકામાં 42 લાખ ભારતીય અમેરિકી રહે છે. આ ત્રીજી સૌથી મોટી એશિયન વસતી છે. તેમણે કહ્યું કે જ્યોર્જિયામાં આશરે એક લાખ ભારતીયો છે. દર પાંચમાંથી એક ડૉક્ટર ભારતીય છે. તે કાયદાનું પાલન કરે છે અને ટેક્સ પણ ચૂકવે છે. ભારતીય સમુદાયના લોકો પ્રોડક્ટિવ છે અને સમસ્યાઓ પેદા કરતા નથી. તેઓ પરિવાર કેન્દ્રિત અને દેશભક્ત હોય છે.
રિપબ્લિકન સાંસદ અને વ્યવસાયે ડૉક્ટર મેક્કોર્મિકે કહ્યું કે આવા લોકો માટે ઈમિગ્રેશનની પ્રક્રિયાને ઝડપી અને વ્યવસ્થિત કરવી જોઈએ. અમેરિકાના પ્રવાસ દરમિયાન વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલે બાઈડેન સરકારને બિઝનેસ વિઝા જારી કરવાની પ્રક્રિયા ઝડપી કરવા આગ્રહ કર્યો હતો કે જેથી બિઝનેસ પર્પઝથી ભારતીય લોકો અમેરિકા આવી શકે.
અમેરિકી ચૂંટણીમાં નિર્ણાયક
અમેરિકી ચૂંટણીનાં પરિણામોમાં ભારતીયોની ભૂમિકા નિર્ણાયક થતી જઈ રહી છે. રાજનેતા ભારતીયોને ધ્યાનમાં રાખી ચૂંટણી અભિયાન બનાવે છે. તાજેતરમાં 5 ભારતીય અમેરિકી શ્રી થાનેદાર, રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના, પ્રમિલા જયપાલ અને અમી બેરા ચૂંટણી જીત્યાં હતાં.
90 યુનિકોર્ન સંસ્થાપક ભારતીય
અમેરિકામાં 500 યુનિકોર્નના 1078 સંસ્થાપકોમાંથી 90થી વધુ ભારતીય મૂળના છે. પ્રવાસી ભારતીયોએ સ્પષ્ટ રીતે સ્વાસ્થ્ય દેખરેખ, આવભગત, પત્રકારત્વ, ટેક્નોલોજી, મેનેજમેન્ટના વિભિન્ન ક્ષેત્રોમાં પોતાના કામના માધ્યમથી જોરદાર ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે.
કોરોનાકાળમાં સેવાની પ્રશંસા
બાઈડેને અમેરિકામાં ભારતીયોના યોગદાનની પ્રશંસા કરી હતી. કોરોનાકાળમાં ભારતીયોની સેવાને મહત્ત્વપૂર્ણ ગણાવી હતી. પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટને પણ ભારતવંશીઓની પ્રશંસા કરતા ભારતીયં ડૉક્ટરોની અમેરિકામાં સેવાઓનો અનેકવાર ઉલ્લેખ કર્યો છે.
ITમાં 203 અબજ ડૉલર રેવન્યૂ
નેસ્કોમ અનુસાર 2021માં ભારતીય આઈટી કંપનીઓએ અમેરિકામાં 203 અબજ ડૉલરની રેવન્યૂ અને 2,07,000 લોકોને સીધી રોજગારી આપી. જ્યારે ઓપરેશનલ અને રોકાણ ખર્ચથી જીડીપીમાં યોગદાન 80 અબજ ડૉલર રહ્યું જે 2017થી 40% વધુ છે.
ભારતીયોને ઈગલ એક્ટનો લાભ
અમેરિકી ઈગલ એક્ટથી ગ્રીનકાર્ડ મેળવવાની પ્રક્રિયા સરળ બનશે. તેને લાગુ કરાતા હજારો ભારતીયોને તેનો લાભ થશે. તે લાગુ થશે તેવી આશા છે કેમ કે અમેરિકી રાષ્ટ્રપતિ નિવાસ વ્હાઈટ હાઉસે કોંગ્રેસ(સંસદ)ને સમર્થન આપ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.