અમેરિકાની મિડટર્મ ચૂંટણી પહેલાં તમામ મુશ્કેલીઓ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ મજબૂત થઈને ઊભરી રહ્યા છે. કેપિટલ હિંસા મામલામાં ચાલતી કોંગ્રેસ સમિતિની સુનાવણીમાં એવું જાણવા મળ્યું છે કે, ટ્રમ્પે ફરી સત્તા જાળવી રાખવા સમર્થકોને હિંસા માટે ઉશ્કેર્યા હતા. જોકે, ટ્રમ્પ આ સુનાવણીનો ઉપયોગ પણ પોતાની તરફેણમાં કરી રહ્યા છે. ટ્રમ્પ પોતાના સમર્થકો વધારવા અને ફંડ ભેગું કરવા તેનો ઉપયોગ કરી રહ્યા છે. વિશ્વસનીય સરવે જણાવે છે કે 55% અમેરિકનો માને છે કે ટ્રમ્પ આ હિંસા માટે જવાબદાર ન હતા. આ સ્થિતિમાં અમેરિકન મિડટર્મ ચૂંટણીમાં ભારે રસાકસીની આશા છે. ગઈ વખતે પ્રમુખપદની ચૂંટણીમાં કિંગ મેકર બનીને ઊભરેલા ભારતીયોને પોતાના પક્ષમાં કરવા ડેમોક્રેટિક અને રિપબ્લિક બંને કરોડો રૂપિયા ખર્ચી ચૂક્યા છે. તેઓ નવેમ્બરમાં ચૂંટણી સુધી 50 મિલિયન ડૉલર (આશરે રૂ. 390 કરોડ)નો ખર્ચ કરશે. ચૂંટણીમાં ભારતીયોએ મોટા પાયે બાઈડેનને મત આપ્યા હતા. એટલે ડેમોક્રેટ્સ પણ ટ્રમ્પની વધતી લોકપ્રિયતા જોતા કોઈ જોખમ ખેડવા નથી માંગતા. ડેમોક્રેટિક પાર્ટીએ સ્વિંગ સ્ટેટ્સ એટલે કે જ્યાં ચૂંટણીમાં ભારે રસાકસી હોય છે એવા એરિઝોના, જ્યોર્જિયા, નેવાડા, પેન્સિલ્વેનિયામાં ભારતીયોને પોતાની તરફેણમાં કરવાની જવાબદારી સિનસિનાટીના મેયર આફતાબ પોરુવલને આપી છે. તેમણે મલ્ટિ મિલિયન ડૉલરનું કેમ્પેન ‘જસ્ટિસ યુનાઈટેડ અસ’ લૉન્ચ કર્યું છે. તેઓ કહે છે કે અમે ઘરે ઘરે જઈ રહ્યા છીએ. ભારતીય વસતીની આસપાસની રેસ્ટોરન્ટ, સ્ટોર્સ વગેરે નાના બિઝનેસ હાઉસમાં પણ અમે કાર્યક્રમો રાખ્યા છે. કેમ્પેન કન્ટેન્ટ હિન્દી, પંજાબી, તેલુગુ અને ઉર્દૂમાં રખાયું છે.
એવી જ રીતે, રિપબ્લિક પાર્ટીએ પણ ટીવી, અખબારો અને રેડિયો પર જાહેરાતો કરવા હજારો ડૉલર્સ ખર્ચ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે વસતીમાં એક ટકો એટલે કે 44 લાખ હિસ્સો હોવા છતાં સૌથી સંપન્ન માઈગ્રન્ટ્સ ભારતીયો છે. તેઓ અમેરિકામાં એ રીતે ફેલાયેલા છે કે છ રાજ્યના દસ જિલ્લામાં ભારતીય અમેરિકનોની વસતી છથી 18% જેટલી છે. જ્યાં ભારતીયો 5%થી વધુ છે, ત્યાં તેઓ કિંગમેકર છે. ચૂંટણીઓમાં નજીકના મુકાબલામાં 2% મતોનો એક સ્વિંગ પરિણામ બદલી શકે છે. જો પ્રમુખ બાઈડેન મિડટર્મ ચૂંટણીમાં બહુમતી ગુમાવશે, તો તેમનું રાજકીય કદ ઘટી જશે. જોકે, તેઓ સરળતાથી મોટા નિર્ણયો નહીં લઈ શકે.
કિંગમેકરઃ ભારતીયો છ રાજ્યમાં ગવર્નર અને સેનેટર ચૂંટવામાં નિર્ણાયક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.