દુનિયાભરના શ્રીમંતોમાં દુબઈમાં પ્રોપર્ટી ખરીદવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. ભારતીયો પણ પાછળ નથી. સરકારી આંકડા મુજબ, દુબઈમાં એપ્રિલ-2015થી માર્ચ 2022 વચ્ચે રૂ.1.86 લાખ કરોડની અચલ સંપત્તિ માત્ર ભારતીય નાગરિકોએ ખરીદી છે. રેકોર્ડમાં એ પણ જાણવા મળ્યું કે, દુબઈમાં પ્રોપર્ટી ખરીદવાનો શોખ ભારતીયોમાં 2004 પછી ઝડપથી વધ્યો છે.
અહીં પ્રોપર્ટી ખરીદનારા અન્ય દેશોના નાગિરકોની સંખ્યા બાબતે ભારતીયો બ્રિટન અને રશિયા પછી ત્રીજા સ્થાને છે. જેનું કારણ એક ખાસ નિયમ છે, જેના અંતર્ગત અહીં પ્રોપર્ટી ખરીદનારનો 10 વર્ષ સુધી વિઝા પણ રહે છે. કોરોનાકાળ પછી 2022માં દુબઈમાં પ્રોપર્ટીની માગમાં તેજી આવી છે. રેસિડેન્શિયલ પ્રોપર્ટીની કિંમત રૂ.30 હજાર ચો.ફૂટ સુધી પહોંચી છે.
દુબઈના મોટા ડેવલપર ડેન્યુબ રિઅલ એસ્ટેટના માલિક રિઝવાન સાજને ભાસ્કરને કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં રશિયા,યુક્રેન અને બ્રિટનના ધનવાનો દુબઈ તરફ વળ્યા છે. જેનું કારણ યુદ્ધ તો હોઈ શકે છે, પરંતુ બીજું કારણે બ્રિટનમાં ઝડપથી વધેલા પ્રોપર્ટીના ભાવ છે.
મહત્ત્વની વાત: લક્ઝરી રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદવામાં ભારતીય ટોપ પર
દુબઈમાં પ્રોપર્ટી ખરીદવા બાબતે ભારતોય આમ તો ટોપ-5માં છેલ્લા 20 વર્ષથી છે, પરંતુ લક્ઝરી પ્રોપર્ટી ખરીદવા બાબતે પ્રથમ સ્થાને પહોંચી ગયા છે. રિઅલ એસ્ટેટના લક્ઝરી સેગમેન્ટની મોટી ડેવલપ કંપની દામેક પ્રોપર્ટીઝની રિલેશનશીપ મેનેજર જાઈના સમાદે ભાસ્કરને કહ્યું કે, ભારતીયો અહી એટલા માટે વસવા માગે છે, કેમકે જરૂર પડે તો કેટલાક કલાકમાં જ ભારત આવન-જાવન કરી શકે. યુરોપ-અમેરિકાના દેસોમાં આવું શક્ય નથી. સમાદના અનુસાર, દુબઈ રિઅલ એસ્ટેટે 2022માં ખરીદ વેલ્યુમાં 76.5% અને સંખ્યામાં 44.7%નો વધારો નોંધ્યો છે. રિઅલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણકારોની સંખ્યા માત્ર એક વર્ષમાં જ 53% વધી છે, જે વિક્રમ છે.
માસ્ટર પ્લાન 2040... દુબઈનું સંપૂર્ણ ફોકસ ‘ભવિષ્યના શહેર’ વસાવવા પર
દુબઈ જમીન વિભાગના ડિરેક્ટર જનરલ સુલ્તાન ભુટ્ટીએ જણાવ્યું કે, ‘અમિરાતના રિઅલ એસ્ટેટ સેક્ટરનું સંપૂર્ણ ફોકસ ભવિષ્ય માટે નવા શહેર તૈયાર કરવા પર છે. 2026 સુધી અમે દુબઈને દુનિયાના સૌથી શ્રેષ્ઠ રેસિડેન્શિયલ હબ તરીકે વિકસિત કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. 2022માં અમિરાતમાં પ્રોપર્ટીના કુલ 1,22,658 સોદા થયા છે, જે 2021થી 44.7% વધુ છે. 2033 સુધી દુબઈના અર્થતંત્રનો આકાર પણ બમણો કરવાનું લક્ષ્ય છે.’ દુબઈના તંત્ર અનુસાર, રિઅલ એસ્ટેટ સેક્ટર માટે 2040નો માસ્ટર પ્લાન બની ચૂક્યો છે. જેના અંતર્ગત યોજનાબદ્ધ રીતે પ્રોપર્ટી વિકસિત કરાઈ રહી છે, જેથી ભવિષ્યમાં રેસિડેન્શિયલ સેક્ટરનો ગ્રોથ ઝડપથી વધતો રહે. પ્રોપર્ટી પર સૌથી ઓછો ટેક્સ અહીંનું મુખ્ય આકર્ષણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.