અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં ગૃહયુદ્ધની સ્થિતિ બની ગઈ છે. લોકોનું પ્રદર્શન ખૂબ જ ઉગ્ર બન્યું છે. પ્રદર્શનકારીઓએ વડાપ્રધાનના સરકારી આવાસને ઘેરી લીધું હતું અને અનેક પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતો. કાર સળગાવી દીધી હતી. અનેક મંત્રીઓના ઘર સળગાવી દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 200 લોકો ઘાયલ થયા છે અને 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં એક સાંસદ પણ સામેલ છે.
શ્રીલંકાના લોકોને મુશ્કેલીભરી પરિસ્થિતિ વચ્ચે છોડીને પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના પુત્ર યોશિતા રાજપક્ષે પોતાની પત્ની સાથે દેશ છોડીને ભાગી ગયા છે. યોશિતા પિતાની સરકારમાં બીજા નંબરના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ હતા. તેઓ રાજપક્ષે સરકારમાં વડાપ્રધાનના ચીફ ઑફ સ્ટાફ હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યોશિતા અને પત્ની સિંગાપોર એરપોર્ટ પર જોવા મળ્યા હતા. રાજનીતિમાં જોડાતા પહેલા યોશિતા શ્રીલંકન નેવીમાં લેફ્ટનન્ટ કમાન્ડર પણ રહી ચૂક્યા છે.
આ દરમિયાન, શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશને રાજપક્ષે પરિવારના સભ્યોએ ભારતમાં આશરો લીધો હોવાના અહેવાલોને રદિયો આપ્યો છે. ગઈકાલે એવા સમાચાર આવ્યા હતા કે સેનાએ આદેશ જારી કર્યો છે કે બદમાશોને જોતા જ ઠાર મારવામાં આવે.
જો કે, શ્રીલંકાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને આર્મી કમાન્ડર જનરલ શવેન્દ્ર સિલ્વાએ આ દાવાને નકારી કાઢ્યો છે. સિલ્વાએ કહ્યું કે સેના કોઈપણ સંજોગોમાં આવા પગલાં ભરશે નહીં. હિંસક વિરોધને કાબૂમાં લેવા માટે દેશભરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
શ્રીલંકા સંકટ પર મોટા અપડેટ્સ...
ભારતીય દૂતાવાસે અફવાને નકારી
રાજપક્ષે પરિવાર ભારત ભાગી ગયો હોવાની અફવા ફેલાઈ હતી. બાદમાં ભારતીય દૂતાવાસે આ દાવાને નકારી કાઢ્યો હતો. એમ્બેસીએ એક નિવેદન જારી કરીને કહ્યું- હાલમાં મીડિયા અને સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાવવામાં આવી છે કે કેટલાક રાજકીય વ્યક્તિઓ અને તેમના પરિવારો ભારત ભાગી ગયા છે. જે સાચું નથી.
ટૂંક સમયમાં નવી સરકારની નિમણૂક કરવાની માંગ
વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના રાજીનામાથી દેશમાં રાજકીય શૂન્યાવકાશ સર્જાયો છે. આ સંદર્ભે શ્રીલંકાના નિકાસકારોએ ટૂંક સમયમાં નવી સરકારની નિમણૂક કરવાની માંગ કરી છે. સંયુક્ત એપેરલ્સ એસોસિએશન ફોરમે ચાલી રહેલી હિંસાની નિંદા કરતા કહ્યું કે વર્તમાન રાજકીય શૂન્યાવકાશને સમાપ્ત કરવા માટે ટૂંક સમયમાં નવી સરકારની નિમણૂક કરવી મહત્વપૂર્ણ છે. અમે નેતાઓ અને અધિકારીઓને સમગ્ર દેશમાં તરત જ રાજકીય સ્થિરતા પુનઃસ્થાપિત કરવા અપીલ કરીએ છીએ.
પીએમ રાજપક્ષે નેવી બેઝમાં છુપાયેલા છે
મહિન્દા રાજપક્ષેએ સોમવારે વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. આ પછી તે પરિવાર સાથે નેવી બેઝમાં છુપાઈ ગયા છે. બહાર વિરોધીઓ હાજર છે. તેઓ રાજપક્ષેને બહાર કાઢવાની માંગ કરી રહ્યા છે. વિપક્ષી નેતાઓએ મંગળવારે મહિન્દાની ધરપકડની માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.