તાલિબાની શાસનવાળા અફઘાનિસ્તાનમાં ભારતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળની પહેલી યાત્રા અનેક મુદ્દે દક્ષિણ એશિયાના રાજકારણમાં માસ્ટર સ્ટ્રોક સાબિત થશે. ગત 20 વર્ષ દરમિયાન ભારતે અફઘાનમાં 22 હજાર કરોડ રૂ.નું રોકાણ કર્યું હતું. તેમાં અનેક પ્રોજેક્ટ સામેલ હતા. લગભગ 5000થી વધુ ભારતીયો ત્યાં આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા.
ઓગસ્ટ 2021માં અફઘાનમાં તાલિબાની શાસન બાદથી ભારતે કાબુલમાં તેના દૂતાવાસને બંધ કરી દીધું હતું. હવે ભારત સરકારે તાલિબાન સરકાર સાથે સંબંધો વધારવા હાલ માનવીય આધારે અનાજ અને દવાઓ મોકલવાની કૂટનીતિ અપનાવી છે. આ મુલાકાતનો વધુ એક હેતુ અફઘાનમાં પાક.ના પ્રભાવને ઘટાડવાનો છે. ભારતવિરોધી હક્કાની જૂથ તાલિબાની સરકારમાં નબળું થઈ રહ્યું છે. ભારત આ તકનો લાભ લઇ તેના રોકાણની નોંધ લઈ રહ્યું છે અને જિયો પોલિટિક્સથી પાક.ને ઘેરી રહ્યું છે.
અમેરિકા-પશ્ચિમી દેશો સાથે હરીફાઈ વચ્ચે ભારતનો મોટો દાવ
અમેરિકા અને પશ્ચિમી દેશો ભલે તાલિબાની સરકારનો બહિષ્કાર કરવાનો દાવો કરી રહ્યા હોય પણ તે જર્મની અને જાપાનના માધ્યમથી માનવીય આધારે અફઘાન સરકારને મદદ કરી રહ્યા છે. કાબુલ એરપોર્ટનું સંચાલન પણ યુએઈ કરી રહ્યું છે. એવામાં ભારતે પણ મોટો દાવ રમ્યો છે. ભારત માટે સકારાત્મક સંકેત છે કે વર્તમાન તાલિબાની સરકારે કાશ્મીરમાં આતંકવાદને સમર્થન નહીં આપવાની જાહેરાત કરી છે. સાથે જ તહરીક-એ-તાલિબાને પાક. સૈન્ય વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.
મારા પર રાજદ્રોહનો કેસ થશે તો શાહબાઝ સત્તા ગુમાવશે: ઈમરાન
પૂર્વ પીએમ ઈમરાન ખાને ચેતવણી આપી કે જો તેમની અને તેમની પાર્ટીના બે મુખ્યમંત્રીઓ સામે રાજદ્રોહનો કેસ થશે તો શાહબાઝની સરકારને પડી જવાથી કોઈ નહીં બચાવી શકે. ઈમરાને આરોપ મૂક્યો કે નવાઝ અને શાહબાઝ પાસે કાળી કમાણીની વિદેશોમાં અખૂટ મિલકત છે અને તેઓ મને દેશદ્રોહી ગણાવી રહ્યા છે. કહેવાય છે કે 25મેના રોજ પીટીઆઈ વતી ઈસ્લામાબાદમાં આયોજિત કૂચ બાદ શાહબાઝ સરકાર ઈમરાન સામે રાજદ્રોહનો કેસ દાખલ કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.