ભારતીયોને યુક્રેન છોડવાની એડવાઇઝરી:ભારતીય એમ્બેસીએ વિદ્યાર્થીઓને વતન પરત ફરવા કહ્યું; ફ્લાઈટની ટિકિટનો ભાવ 70 હજારથી વધીને 2 લાખે પહોંચ્યો

7 મહિનો પહેલા
  • રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનું જોખમ તોળાઈ રહ્યું છે

ભારતે પોતાના નાગરિકોને યુક્રેન છોડવાની સલાહ આપી છે. કિવમાં ભારતીય એમ્બેસીએ ભારતીય નાગરિકોને, ખાસ કરીને યુક્રેનમાં રહેતા વિદ્યાર્થીઓને ઘરે પાછા ફરવા કહ્યું છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવ યુદ્ધમાં ફેરવાઈ જવાની સંભાવનાને કારણે આ સલાહ આપવામાં આવી છે. આ તણાવને કારણે અમેરિકા, બ્રિટન, નોર્વે, જાપાન, લાતવિયા અને ડેનમાર્કે પહેલેથી જ પોતાના નાગરિકોને યુક્રેન છોડવા જણાવ્યું છે.

રશિયા બોર્ડરની નજીક આવેલી કોલેજમાં 2 હજાર વિદ્યાર્થીઓ ફસાયા
સ્વદેશ પરત આવવા યૂક્રેનમાં હાજર ભારતીય વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ ડરેલા છે અને સ્વદેશ પરત ફરવા માગે છે. સરકાર તરફથી કોઈ જાણકારી નથી મળી રહી. ફ્લાઈટનું ભાડુ પણ ત્રણ ગણુ વધ્યું છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે 70 હજારની ટિકિટ અચાનકથી 2 લાખની થઈ ગઈ છે. માત્ર ખારકીવ નેશનલ મેડિકલ યૂનિવર્સિટીમાં જ 2 હજાર વિદ્યાર્થીઓ છે.

ખારકીવ નેશનલ મેડિકલ યૂનિવર્સિટી રશિયન બોર્ડરથી માત્ર 35 કિલોમીટરના અંતરે છે. વિદ્યાર્થીઓને ડર છે કે જો તેઓ ખુલીને પોતાની વાત કહેશે તો યૂનિવર્સિટી પ્રશાસન તેમને એક્સપેલ કરી શકે છે. વિદ્યાર્થીઓ ઘણા પૈસા ખર્ચીને ત્યાં એડમિશન લેતા હોય છે.

ભારતીય એમ્બેસીએ એડવાઈઝરી જાહેર કરી છે
ભારતીય એમ્બેસીએ યુક્રેનમાં હાજર ભારતીયોને યુક્રેન છોડવા માટે એડવાઈઝરી પત્ર મોકલ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનમાં વર્તમાન અનિશ્ચિત વાતાવરણને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓને યુક્રેન છોડીને હંગામી ધોરણે ઘરે પરત ફરવાની સલાહ આપવામાં આવી રહી છે. પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકોએ કોઈપણ જરૂરી કામ વગર યુક્રેન ન જવું જોઈએ,અને ત્યાં હાજર નાગરિકોએ પણ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું જોઈએ.

યુક્રેન પર રશિયાના હુમલાના વધતા જોખમની અસર ભારત પર પણ થઈ રહી છે. યુક્રેન ખાતેની ભારતીય એમ્બેસીએ ભારતીયોને અપીલ કરી છે કે તેઓ દેશ છોડીને નીકળી જાય. એમ્બેસી તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યુ છે કે ખાસ કરીને એ વિદ્યાર્થીઓ ભારત પરત જતા રહે, જેમનું યુક્રેનમાં રોકાવું બહુ જરૂરી નથી. આ ઉપરાંત ભારતીય નાગરિકોને યુક્રેનના પ્રવાસે ન જવાની પણ સલાહ આપવામાં આવી છે.

યુક્રેનમાં મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ, પંજાબ અને રાજસ્થાનનાં છે.
યુક્રેનમાં મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ, પંજાબ અને રાજસ્થાનનાં છે.

એમ્બેસીએ યુક્રેનમાં હાજર તમામ ભારતીય નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ તેમની હાજરી વિશે એમ્બેસીને જાણ કરતા રહે, જેથી જરૂર પડ્યે તેમને મદદ કરી શકાય. એમ્બેસી તરફથી વધુમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય એમ્બેસી તેના નાગરિકોની મદદ માટે યુક્રેનમાં તેની સામાન્ય કામગીરી ચાલુ રાખશે.

આ ઉપરાંત ભારતીય નાગરિકોને કહેવામાં આવ્યુ છે કે ભારતીય નાગરિકો કોઈપણ પ્રકારની સ્થિતિમાં મદદ માટે સંપર્ક કરે. એમ્બેસીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે જોકે યુક્રેનમાં તેમનું કામ સામાન્ય રીતે ચાલી રહ્યું છે. ભારત પહેલાં પણ અમેરિકા, બ્રિટન સહિત અનેક દેશોએ પોતાના નાગરિકોને યુક્રેન છોડી દેવાની સલાહ આપી હતી. કેટલાક દેશોએ પોતાની એમ્બેસીના વધારાના સ્ટાફને પરત બોલાવી લેવાનું પણ શરૂ કરી દીધું છે. જોકે યુક્રેનમાં યુદ્ધનું જોખમ તોળાઈ રહ્યું છે અને રશિયાએ એક લાખથી વધુ સૈનિકોને મોટા પ્રમાણમાં હથિયારો સાથે તહેનાત કરી દીધાં છે.

એમ્બેસી અનેક સપ્તાહથી ભારતીયોના સંપર્કમાં
ભારતીય એમ્બેસી તરફથી છેલ્લા ઘણા દિવસોથી યુક્રેનમાં ભારતીયો સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો હતો. એમ્બેસી દ્વારા તે લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે, જેમને કોઈપણ પ્રકારની મદદની જરૂર પડી શકે છે. ભારતીય એમ્બેસીએ સતર્કતા દાખવતા લોકોને અપીલ કરી છે કે જો જરૂર ન હોય તો તેઓ યુક્રેનમાંથી બહાર નીકળી જાય. યુક્રેનના ટેરનોપિલમાં અભ્યાસ કરનારો વિદ્યાર્થી શિવમ દુબેએ જણાવ્યું હતું કે ત્રણ સપ્તાહ પહેલાં ભારતીય એમ્બેસીએ અમને ઈમેલ કરીને સંપર્ક કર્યો હતો અને એક ફોર્મ મોકલ્યું હતું. એ ફોર્મમાં અમને યુક્રેનમાં અમારું લોકેશન અને અન્ય માહિતી માગવામાં આવી હતી, જેથી બચાવ કામગીરીની સ્થિતિમાં તાત્કાલિક સંપર્ક કરી શકાય છે.

યુક્રેનમાં 20 હજાર ભારતીયો હાજર, સુરક્ષાને લઈને ચિંતા
યુક્રેનમાં ભારતના લગભગ 20,000 લોકો છે, જેમાંથી 18,000 જેટલા વિદ્યાર્થીઓ છે. ઘણા વિદ્યાર્થીઓએ ટીવી ચેનલો સાથેની વાતચીતમાં યુક્રેન અંગે ચિંતા વ્યક્ત કરી છે. એક તરફ ભારતે તેના નાગરિકોને યુક્રેન છોડવાની અપીલ કરી છે, જ્યારે બીજી તરફ રશિયા વિશે હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે યુક્રેન વિવાદમાં ભારત કોઈનો પણ પક્ષ લેવાને બદલે તટસ્થ રહેવાનું યોગ્ય સમજી રહ્યું છે.

સેટેલાઇટ તસવીરોમાં દેખાય છે બેલારુસ અને ક્રિમિયામાં તહેનાત રશિયન ફાઇટર પ્લેન
અમેરિકન કંપની દ્વારા લેવામાં આવેલા લેટેસ્ટ સેટેલાઇટ ફોટોમાં જાણવા મળ્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. છેલ્લા 48 કલાકમાં રશિયાએ બેલારુસ, ક્રિમિયા અને એની પશ્ચિમી સરહદ
પર મોટે પાયે ફાઈટર એરક્રાફ્ટને તહેનાત કર્યાં છે.

દક્ષિણ રશિયાના ક્રાસ્નોડારમાં પ્રિમોર્સકો અખ્તરસ્ક એરબેઝ પર રશિયાની સેના તહેનાત કરાઈ છે.
દક્ષિણ રશિયાના ક્રાસ્નોડારમાં પ્રિમોર્સકો અખ્તરસ્ક એરબેઝ પર રશિયાની સેના તહેનાત કરાઈ છે.

યુદ્ધ ટાળવાના ઈરાદા સાથે અમેરિકા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સતત સંપર્કમાં છે. રાષ્ટ્રપતિ બાઈડને પોતે પુતિન સાથે લાંબી ચર્ચા કરી છે. બાઈડન વહીવટીતંત્ર અનુસાર જો પુતિનનું વલણ સકારાત્મક રહે છે તો આ સપ્તાહના અંત સુધીમાં રાજદ્વારી પ્રયાસોની સફળતાના સમાચાર મળી શકે છે. જોકે હજુ પણ સ્થિતિ ચિંતાજનક છે. યુક્રેન સરહદ પર ભારે રશિયન સેનાની તહેનાતીને કારણે રશિયા ગમે ત્યારે હુમલો કરી શકે છે એવો ભય પણ વધી રહ્યો છે. ખુદ યુક્રેનના રાષ્ટ્રપતિએ 16 ફેબ્રુઆરીએ રશિયા દ્વારા હુમલાની શક્યતા વ્યક્ત કરી છે.

Laskમાં 8 F15 ફાઇટર પ્લેન લેન્ડ કરાયાં
નાટો એર પોલીસ મિશનના ભાગ રૂપે, 8 F15 ફાઇટર પ્લેન ગઈકાલે Laskમાં બેઝ પર લેન્ડ કરવામાં આવ્યાં છે. ગયા અઠવાડિયે પોલેન્ડ આવેલા કાફલામાં આ 8 F15નો સમાવેશ કરવામાં આવશે. Lask મધ્ય પોલેન્ડનું એક શહેર છે. તે કાઉન્ટીની રાજધાની છે.

યુક્રેન પર રશિયાના હુમલાની શક્યતા: બ્રિટન
બ્રિટનના વિદેશસચિવ લિઝ ટ્રુસે મંગળવારે જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયાના હુમલાની ખૂબ જ શક્યતા જણાઈ રહી છે. રશિયા અને યુક્રેનની સરહદ પર તણાવ ચાલુ છે. રશિયાએ યુક્રેનની સરહદે મોટી સંખ્યામાં હથિયારો અને સૈનિકો તહેનાત કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...