રશિયા-યુક્રેન યુદ્ધ લગભગ 11 મહિના પછી પણ યથાવત છે. તેને રોકવાના તમામ પ્રયાસો અત્યાર સુધી નિષ્ફળ સાબિત થયા છે. સોમવારે આ કિસ્સામાં નવો વળાંક આવ્યો. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) માં એક ઠરાવ લાવવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે રશિયાએ યુક્રેનને યુદ્ધથી થયેલા નુકસાનની ભરપાઈ કરવી જોઈએ.
આ પ્રસ્તાવ પર મતદાન પણ થયું હતું. ભારતે તેમાં ભાગ લીધો ન હતો. ઠરાવમાં રશિયન હુમલાને કારણે યુક્રેનને થયેલા નુકસાન માટે વળતરની માગ કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે રશિયાએ આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કર્યો છે.
94 દેશોએ પક્ષમાં મતદાન કર્યું
અમેરિકા અને તેના સહયોગી પશ્ચિમી દેશોએ આ ઠરાવને સમર્થનમાં UNGA રજૂ કરવામાં આવ્યો હતો. આમાં યુક્રેનના પક્ષમાં 94 દેશોએ મતદાન કર્યું હતું. તેના પછી ઠરાવને સ્વીકારવામાં આવ્યો હતો. બેલારૂસ, ચીન, ક્યૂબા, નોર્થ કોરિયા, ઈરાન, રશિયા અને સીરિયાને મળીને 14 દેશો આ પ્રસ્તાવના વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું.
ભારતની સાથે ભૂતાન, બ્રાઝિલ, ઈજિપ્ત, ઈન્ડોનેશિયા, ઈઝરાયેલ, નેપાળ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા અને શ્રીલંકા સહિત 73 દેશે મતદાન ભાગ લીધો ન હતો.
ભારતે મતદાન ન કરવા પાછળનું કારણ આપ્યું
UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોઝે કહ્યું કે- આપણે પહેલા આ વિચારવું પડશે કે શું UNમાં થયેલા મતદાનથી બધું સારું થઈ જશે? તેમજ મહાસભામાં પસાર થયેલા આવા પ્રસ્તાવો પર કાયદેસર કેવી રીતે કાર્યવાહી થશે તે પણ સ્પષ્ટ નથી. રૂચિરાએ PM નરેન્દ્ર મોદીની વાત કહી કે "આ યુદ્ધનો સમય નથી." કહ્યું- ભારત વાતચીત અને કૂટનીતિ દ્વારા યુદ્ધ રોકવા માગે છે.
કંબોઝે આગળ કહ્યું - આંતરરાષ્ટ્રીય કાયદાને ધ્યાનમાં લીધા વગર આવા પ્રસ્તાવો ન લાવવા જોઈએ, જે સંયુક્ત રાષ્ટ્રના ભવિષ્યના એજન્ડાને અસર કરે. વાટાઘાટોને જોખમમાં નાખીને આ સંઘર્ષને વધારી દે તેવા પગલાં ટાળવા જોઈએ.
ભારત યુક્રેનની સ્થિતિને લઈ ચિંતિત છે: કંબોઝ
કંબોઝે કહ્યું કે ભારત યુક્રેનની સ્થિતિને લઈ ચિંતિત છે. આ યુદ્ધમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે અને લાખો મહિલાઓ, બાળકો અને વૃદ્ધો બેઘર બન્યા છે. જેના કારણે તેઓ પડોશી દેશોમાં રહેવા માટે મજબૂર થયા છે. તેમણે વિશ્વમાં આવેલા આર્થિક સંકટને યુદ્ધને જવાબદાર ગણાવ્યું છે.
લગભગ 50 દેશોએ રશિયાને જવાબદાર ઠેરાવ્યા
UNGAમાં લગભગ 50 દેશો સંમત થયા હતા કે યુક્રેન પર હુમલો કરવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ રશિયાને જવાબદાર ઠેરવવું જોઈએ. ઉપરાંત, રશિયાને નુકસાનની ભરપાઈ કરવી જોઈએ.
UNGAમાં અગાઉ પણ પ્રસ્તાવ લાવવામાં આવ્યો
આ પ્રથમ વખત નથી કે જ્યારે UNGAમાં આવી રીતે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હોય. આ પહેલા પશ્ચિમી દેશો અનેક પ્રસ્તાવો લાવ્યા હતા, પરંતુ કોઈ ખાસ પ્રભાવ પડ્યો નહતો. ફેબ્રુઆરીમાં શરૂ થયેલા યુદ્ધમાં બંને દેશોના હજારો સૈનિકો માર્યા ગયા હતા. યુદ્ધના કારણે ગ્લોબલ ફૂડ સિક્યોરિટી અને સપ્લાય ચેન પર અસર થઈ હતી. તેમજ, ક્રૂડ ઓઈલ ખૂબ જ મોંઘું થઈ ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.