તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Many Websites, Including The Guardian, New York Times, CNN And Amazon, Have Been Down Due To The Internet Outage.

સર્વિસ ઠપ:ઈન્ટરનેટ આઉટેજના લીધે ગાર્ડિયન, ન્યુયોર્ક ટાઈમ્સ, CNN, એમેઝોન સહિતની અનેક વેબસાઈટ્સ ડાઉન

નવી દિલ્હી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે ક્લાઉડ સેવા કંપની ‘ફાસ્ટલી’ના નેટવર્કમાં ક્ષતિ સર્જાતા વિશ્વમાં અનેક સ્થળે થોડા સમય માટે ઈન્ટરનેટ ઠપ થયું હતું

ક્લાઉડ સેવા કંપની ‘ફાસ્ટલી’ના નેટવર્કમાં ટેકનીકલ સમસ્યા સર્જાયા પછી મંગળવારે થોડા સમય માટે વિશ્વમાં અનેક સ્થળે ઈન્ટરનેટ ઠપ થઈ ગયું અને લોકોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. ‘ફાસ્ટલી’એ લગભગ એક કલાક પછી નેટવર્કને પુર્વવત્ત કરી દેવાયું પરંતુ ત્યારબાદ પણ ક્યાંકને ક્યાંક ઈન્ટરનેટની સમસ્યાના અહેવાલો મળ્યા હતા. ક્લાઉડ સેવા કંપનીમાં ટેકનીકલ સમસ્યાના કારણે ન્યુયોર્ક ટાઈમ્સ, સીએનએન, ટ્વીચ, રેડિટ, ધ ગાર્ડિયન અને બ્રિટન સરકારના હોમ પેજ સહિત સેંકડો મોટી વેબસાઈટ ઠપ થઈ ગઈ હતી.

ફાસ્ટલીએ પોતાના નેટવર્કમાં સમસ્યા હોવાનું કહ્યું
સાન ફ્રાન્સિસ્કોથી સંચાલિત ફાસ્ટલીએ પોતાના નેટવર્કમાં સમસ્યાની વાત સ્વીકારી હતી અને કહ્યું હતું કે આ ગરબડ આંતરરાષ્ટ્રીય સમયાનુસાર સવારે 10 વાગ્યા (ભારતીય સમયાનુસાર બપોરે 3.30 વાગ્યે)ના થોડા સમય અગાઉ શરૂ થઈ હતી. કંપનીએ સમસ્યાના એક કલાક પછી કહ્યું હતું, ‘ક્ષતિની ઓળખ કરી લેવાઈ છે અને તેને દૂર કરી દેવાઈ છે. વૈશ્વિક સેવાઓ યથાવત્ થયા પછી ઉપયોગકર્તાઓએ વધુ લોડનો સામનો કરવો પડી શકે છે.’

આ દરમિયાન સીએનએન.કોમ સર્ફ કરવાની કોશિશ કરનારા લોકોને એક સંદેશો મળ્યો કે જેમાં લખ્યું હતું, ‘ફાસ્ટલીમાં ક્ષતિ’. ફાઈનાન્સિયલ ટાઈમ્સની વેબસાઈટ પર પણ આ પ્રકારનો સંદેશો લખેલો હતો. જ્યારે ન્યુયોર્ક ટાઈમ્સ અને બ્રિટન સરકારની વેબસાઈટ પર મેસેજ હતો, ‘એરર 503, સેવા ઉપલબ્ધ નથી.’ ઈન્ટરનેટ સંબંધિત ખામીઓ પર નજર રાખનાર ઓનલાઈન મંચ ડાઉન ડિટેક્ટરે કહ્યું હતું, ‘રિપોર્ટથી ખ્યાલ આવે છે કે ફાસ્ટલીમાં વ્યાપક સ્તરે સમસ્યા આવી હોય એ શક્ય છે, જેનાથી તમારી સેવા પ્રભાવિત થઈ શકે છે.’ ફાસ્ટલી દ્વારા ખામીને દૂર કરાયા પછી પણ હજુય ક્યાંકને ક્યાંક ઈન્ટરનેટમાં સમસ્યાના સમાચારો મળી રહ્યા છે.

અનેક ન્યૂઝ વેબસાઈટ્સ ડાઉન થઈ
રૉયટર્સના અનુસાર, એમેઝોન.કોમ ઈન્ક.ની રિટેલ વેબસાઈટને પણ આઉટેજનો સામનો કરવો પડ્યો હતો. રેડિટ, ટ્વીચ, સ્પોટીફાઈ અને પિન્ટરેસ્ટને પણ અસર થઈ હતી. જ્યારે ફાઈનાન્સિયલ ટાઈમ્સ, ધ ગાર્ડિયન, ધ ન્યુયોર્ક ટાઈમ્સ, સીએનએન સહિતની અગ્રણી સમાચાર વેબસાઈટ્સ બંધ હતી. ભારતમાં યુઝર્સ માટે ક્વોરાની સાઈટ ડાઉન હતી. આ ઉપરાંત સ્ટેક ઓવરફ્લો, ગિટહબ, gov.uk, હુલુ, એચબીઓ મેક્સ, ક્વોરા, પેપાલ, વિમિયો અને શોપીફાઈ જેવી વેબસાઈટ્સને પણ અસર થઈ હતી.

ઈન્ટરનેટ આઉટેજ શું છે?
ઈન્ટરનેટ આઉટેજનો અર્થ છે કે ઈન્ટરનેટ સેવા થોડા સમય માટે બંધ થઈ જવી. વાસ્તવમાં મોટી સંખ્યામાં સમાન નેટવર્ક પરથી લોકો ઈન્ટરનેટ એક્સેસ કરે ત્યારે મહદ્અંશે ઈન્ટરનેટ આઉટેજની સમસ્યા સર્જાતી હોય છે. જો કે ઈન્ટરનેટ આઉટેજના અન્ય અનેક ટેકનીકલ કારણો પણ હોય છે. અનેક વેબસાઈટ્સ બંધ થવાની ઘટનામાં ઈન્ટરનેટ આઉટેજની સમસ્યા કારણભૂત રહી હતી. જેના વિશે ફાસ્ટલીએ કહ્યું હતું કે તેના નેટવર્ક કન્ફિગરેશનમાં ફેરફાર કરાયો હતો અને તેના કારણે આ સમસ્યા ઉદભવી હતી.