પ્રસિદ્ધિનો વિવાદ:યુટ્યૂબ સ્ટાર રાયનની પ્રસિદ્ધિ વિવાદમાં, કન્ટેન્ટ પર નિરીક્ષણનો કાયદો બનશે

વોશિંગ્ટન16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 વર્ષીય રાયન ત્રણ વર્ષથી યુટ્યૂબ પર સર્વાધિક કમાણી કરનાર સ્ટાર છે

રાયન કાજી ફક્ત 10 વર્ષનો છે પણ યુટ્યૂબ વ્યૂના હિસાબે જોવામાં આવે તો તેનું આયુષ્ય 48 અબજ 59 કરોડ 78 લાખ અને 44873 વર્ષ છે. ડિજિટલ યુગમાં કોઈ વ્યક્તિના જીવનને તેની ઓનલાઈન હાજરીથી ગણી શકાય છે. રાયન ગત 3 વર્ષથી યુટ્યૂબનો સૌથી વધુ કમાણી કરનાર સ્ટાર છે.

તેની 9 ચેનલ છે. યુટ્યૂબ વીડિયો ઉપરાંત રાયનની નિક જુનિયર અને એમેઝોન કિડ્સ સાથે પણ પોતાની ચેનલ છે. તેનો ઉદય ગત 10 વર્ષમાં મનોરંજન, બિઝનેસ, ટેક્નોલોજી અને પારિવારિક દુનિયામાં આવેલા પરિવર્તનની કહાણી દર્શાવે છે. રાયનની લોકપ્રિયતાએ અમેરિકામાં મોટી સંખ્યામાં પેરેન્ટ્સ, સરકારી અધિકારીઓ અને બાળવિકાસ નિષ્ણાતો વચ્ચે ખળભળાટ મચાવી દીધો છે.

10 અમેરિકી યુટ્યૂબ ચેનલોમાંથી 4 સૌથી વધુ સબ્સ્ક્રાઈબ કરાયેલી ચેનલો બાળકો સાથે સંકળાયેલી છે. એટલા માટે તેમના કન્ટેન્ટ અને બાળકો પર પ્રભાવ મામલે સવાલ ઊઠી રહ્યા છે. અમેરિકી સંસદના એક ગૃહ સેનેટમાં હાલ એક બિલ રજૂ કરાયું છે. તેના લાગુ થયા બાદ રાયન અને અન્ય યુટ્યૂબરોની પ્રવૃત્તિઓમાં કાપ મુકાશે. રાયનના ઉદયમાં સમયની મોટી ભૂમિકા રહી છે.

ટેક્નોલોજી પરિવર્તનને કારણે ઓનલાઈન વીડિયો બાળકોને ઉપલબ્ધ થવા લાગ્યા. 2015માં સાડા ત્રણ વર્ષના થતા રાયને તેની માતાને કહ્યું કે શું તે પણ અન્ય બાળકોની જેમ યુટ્યૂબ પર જઈ શકે છે. તેની સાથે તેના સ્વર્ણિમ સફરની શરૂઆત થઇ હતી.

રાયને જલદી જ ટોયઝના રિવ્યૂ શરૂ કરી દીધા. આ યુટ્યૂબની સૌથી પોપ્યુલર ચેનલ બની ગઈ. ડિઝનીના પૂર્વ અધિકારી ક્રિસ વિલિયમ્સે યુટ્યૂબ સ્ટારની પ્રોડક્ટને લાઈસન્સ પર આપવા પોકેટવૉચ કંપની શરૂ કરી દીધી. યુટ્યૂબ પર બાળકોનાં કન્ટેન્ટની ભરમાર થઈ.

પેરેન્ટ્સ, બાળમનોવિજ્ઞાન નિષ્ણાતો, મીડિયા નિષ્ણાતો અને સાંસદો આ પરિવર્તન પર ધ્યાન આપ્યું. યુટ્યૂબ પર જે કંઇક આવી રહ્યું હતું તે અનેક લોકોને માફક ન આવ્યું. વયસ્કોનાં રમકડાં સાથે અયોગ્ય અને વાંધાજનક રીતે રમવાના વીડિયો આવવા લાગ્યા.યુટ્યૂબને કારણે અમુક પરિવાર વિખેરાઈ ગયા. લોકપ્રિયતા મેળવવા માટે બીજા લોકોએ બાળકોને ખોટી રીતે રજૂ કરવાની શરૂઆત કરી.

આ દરમિયાન અનેક જાહેરાત આપનારાઓએ પીછેહઠ કરી. 2019માં યુટ્યૂબ અને તેની મૂળ કંપની ગૂગલે ફેડરલ ટ્રેડ કમિશનને સમજૂતી તરીકે 1200 કરોડ રૂપિયા ચૂકવ્યા. કંપની પર બાળકોના ઓનલાઇન પ્રાઈવસી પ્રોટેક્શન એક્ટનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો.

ટ્રુથ ઈન એડવર્ટાઈઝિંગ સંસ્થાએ રાયન કાજી અને તેનાં માતા-પિતા વિરુદ્ધ કમિશનમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કહ્યું કે રાયન એ રમકડાંથી રમે છે જે 5 વર્ષ કે તેનાથી નાની વયનાં બાળકોને આકર્ષિત કરે છે. ટીના કહે છે કે આ નિયમો વિરુદ્ધ છે. બીજી બાજુ કાજી દંપતીનું કહેવું છે કે તે દિશા-નિર્દેશોનું પાલન કરે છે.

2020માં યુટ્યૂબે ક્રિએટરોને કહ્યું કે જણાવો કે તેમના વીડિયો બાળકો માટે જ છે. નિષ્ણાતોએ કહ્યું કે બાળકો કલાકો સુધી વીડિયો જુએ તે નુકસાનકારક છે. કોલોરાડો યુનિવર્સિટીના એક રિસર્ચ અનુસાર 78 ટકા પેરેન્ટ્સે જણાવ્યું કે તેમનાં બાળકો નિયમિત રીતે વીડિયો જુએ છે. અભ્યાસમાં જાણ થઇ કે બાળકો જે વીડિયો જુએ છે તેનાં પાત્રો સાથે સંબંધ બનાવી લે છે.

2020માં રાયનની કમાણી

  • 219 કરોડ રૂપિયા રહી ફોર્બ્સ અનુસાર રાયનની કુલ આવક. રાયનની 1600 પ્રોડક્ટ 30 દેશોમાં વેચાય છે.
  • 1857 કરોડ રૂપિયાની આવક થઈ રાયનની પ્રોડક્ટના રિટેલ વેચાણથી.

-પોકેટવૉચ અનુસાર

  • 8થી 12 વર્ષના 29 ટકા બાળકો યુટ્યુબર કે બ્લોગર બનવા માગે છે. આ સરવે એજન્સી હેરિસ પોલે કર્યો છે.
અન્ય સમાચારો પણ છે...