ચીનનું લોંગ માર્ચ 5B રૉકેટ ધરતી સાથે ટકરાયું છે. રૉકેટ ધરતીના વાતાવરણમાં પ્રવેશ કરતાની સાથે જ સળગી ગયું હતું. જોકે 30-31 જુલાઈની મધ્યરાત્રીએ રૉકેટનો કેટલોક કાટમાળ ધરતી ઉપર પડ્યો હતો. ચીનના આ રૉકેટનો કાટમાળ મલેશિયા નજીક હિન્દ મહાસાગરમાં પડ્યો છે.
US ડિફેન્સ ડિપાર્ટમેન્ટે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના (PRC) લોંગ માર્ચ5B (CZ-5B)એ ધરતીના વાતાવરણમાં ફરી પ્રવેશ કર્યો છે. તેનો કાટમાળ હિન્દ મહાસાગર નજીક પડ્યો છે.
રોશિયલ મીડિયા ઉપર ચર્ચા થઈ રહી છે
સોશિયલ મીડિયા ઉપર આ અંગે વ્યાપક પ્રમાણમાં ચર્ચા થઈ રહી છે. આ રૉકેટનો કાટમાળ જેવો ધરતીના વાતાવરણમાં આવી પડતો જોવા મળ્યો તે સાથે લોકોએ તેને લગતા વીડિયો બનાવ્યા હતા અને તે શેર કર્યા હતા. યુઝર્સે તેને સંપૂર્ણપણે મીટિયોર શાવર (ઉલ્કાપિંડનો વરસાદ) જેવો ગણાવ્યો હતો. લોકોએ કહ્યું કે આકાશમાંથી તેજસ્વી પ્રકાશ જોવા મળ્યો હતો. સંપૂર્ણપણે લાલ, વાદળી અને પીળા રંગના પ્રકાશ આકાશમાં ફેલાયો હતો. એક યુઝરે કહ્યું કે-એવું લાગતુ હતું કે બ્લેક કેનવાસને કોઈ રંગોથી ભરી રહ્યું છે. અન્ય એક યુઝરે લખ્યું-આ તો મીટિયોર શાવર છે.
ભારતમાં આ વર્ષના એપ્રિલ મહિનામાં ચાઈનીઝ રોકેટનો કાટમાળ પડતો દેખાયેલો
આ અગાઉ આ વર્ષના એપ્રિલ મહિનાના પ્રારંભમાં સમગ્ર ગુજરાતમાં તથા મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આકાશમાં ચમકદાર અવકાશી ગોળા જેવો પદાર્થ જોવા મળ્યો હતો. અત્યંત તેજગતિએ અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ નીચે ધસમસતો આવતો જોઈ લોકોમાં ડર સાથે કુતૂહલ ફેલાયું હતું. પહેલી નજરે આકાશમાંથી ઉલ્કાપિંડ અથવા તો તારો ખર્યો હોવાનો ભાસ થતો હતો.એક અમેરિકી વૈજ્ઞાનિકે તો એ પણ દાવો કર્યો હકો કે આ રોકેટ ચીનનું હતું. તે ચાઈનીઝ ચાંગ ઝેંગ 3B સિરિયલ નંબર Y77નું ત્રીજુ સ્ટેજ હતું. આ રોકેટ ફેબ્રુઆરી,2021માં છોડવામાં આવ્યું હતું.
કાટમાળ પડવાથી કોઈ જોખમ નહીં
ચીનની સ્પેસ એજન્સીએ જણાવ્યું હતું કે લોંગ માર્ચ 5 રૉકેટનો માટાભાગનો હિસ્સો એટમોસ્ફિયર (વાયુમંડળ)માં જ સળગી જાય છે. ચીનની સરકારે કહ્યું હતું કે રૉકેટ ધરતી ઉપર પરત ફરવાથી કોઈ જ જોખમ રહેશે નહીં, કારણ કે તે સમુદ્રમાં પડવાની વધુ સંભાવના રહેતી હોય છે.
રૉકેટનો કાટમાળ કેટલો જોખમી
ધ એરોસ્પેસ કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે જે કાટમાળ ધરતીના વાયુમંડળમાં સળતો નથી તે રહેઠાણવાળા વિસ્તારોમાં પડી શકે છે. જોકે તેનાથી કોઈને નુકસાન થવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે. અમેરિકાના ઓર્બિટલ ડોબરીઝ મિટિગેશન સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસિસના 2019માં પ્રકાશિત અહેવાલમાં જણાવ્યા પ્રમાણે કોઈ રૉકેટ અનિયંત્રિત થઈ ધરતીમાં પરત ફરે છે ત્યારે કોઈ જાનહાનિ થવાની સંભાવના 10,000 ઘટના પૈકી એક જેટલી રહેલી હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.