શ્રીલંકામાં કટોકટી લાગુ છે. વડાપ્રધાન મહિન્દા રાજપક્સા આખી કેબિનેટ સાથે રાજીનામું આપી ચૂક્યા છે પણ માર્ગો પર લોકોના વિરોધપ્રદર્શન જારી છે. લોકો રાજપક્સા પરિવારને સત્તા પરથી હટાવવાની એકમાત્ર માગ પર અડગ છે. દરમિયાન, રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્સા રાજીનામું આપવા તૈયાર નથી. તેમણે પોતાની ખુરશી બચાવવા દેશમાં સૈન્યને મોરચો સોંપી દીધો છે. સૈન્ય માર્ગો પર રાજપક્સાના વિરોધીઓ પર બળપ્રયોગ કરી રહ્યું છે.
રાજપક્સાના વિશ્વાસુ શ્રીલંકન આર્મી ચીફ શવેન્દ્ર સિલ્વાએ પોતે કમાન સંભાળી છે. કટોકટી લાગુ થયા બાદથી સૈન્યને ગમે તેની ધરપકડ કરવાની સત્તા મળી ગઇ છે. સૈન્યના જવાનો રસ્તા પર જતા-આવતા લોકોના આઇ-કાર્ડ ચેક કરી રહ્યા છે. દરમિયાન, શ્રીલંકામાં બુધવારે પ્રસ્તાવિત સંસદનું સત્ર સુરક્ષાના કારણોસર સ્થગિત કરી દેવાયું, જેને લઇને લોકોમાં રાષ્ટ્રપતિ સામે વધુ રોષ છે. બુધવારે શ્રીલંકામાં સ્થિત ભારતીય હાઇ કમિશને સ્પષ્ટ કર્યું કે મહિન્દા રાજપક્સાને ભારતમાં શરણ નથી અપાયું. હાઇ કમિશને તેવી કોઇ પણ કાર્યવાહીનો ઇનકાર કર્યો છે.
આશંકા: શ્રીલંકામાં વિરોધપ્રદર્શનો હજુ થોડા દિવસ ચાલુ રહેશે તો સૈન્ય સત્તા પોતાના હાથમાં લઇ શકે છે
શ્રીલંકાના જાણીતા રાજકીય સમીક્ષક કુશાલ પરેરાએ ભાસ્કર સાથે વાતચીતમાં કહ્યું કે અહીં સરકાર જેવું કંઇ છે જ નહીં. લોકો લાંબા સમયથી રસ્તા પર ઉતરીને વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. આવું હજુ થોડા દિવસ ચાલ્યું તો સૈન્ય સત્તા સ્વહસ્તક લઇ લે તેવી આશંકા છે. કેબિનેટની રચના અને સંસદનું સત્ર બોલાવવામાં વિલંબથી સ્થિતિ વણસી રહી છે. રાષ્ટ્રપતિ જલદી સરકાર નહીં રચે તો લશ્કરી શાસનની આશંકા છે.
અછત: લોકો દૂધ, રાંધણ ગેસ, ભોજન માટે તરસે છે
વિદેશી દેવાંના બોજ તળે દબાયેલા શ્રીલંકા પાસે વિદેશી હૂંડિયામણ ખૂટી ગયું છે. સરકારની તિજોરી ખાલી છે. સરકાર દૂધ, રાંધણગેસ, દવાઓની આયાત નથી કરી શકતી. લોકો પાસે એક તો પૈસા નથી અને બીજું, દુકાનો પણ ખાલી છે. વીજસંકટને કારણે રોજ 5-10 કલાક વીજકાપ રહે છે.
રોષ: રાજપક્સાના હાલ ગદ્દાફી જેવા થઇ શકે છે
મહિન્દા રાજપક્સા અને તેમના પરિવારજનોને ભારે સુરક્ષા વચ્ચે ત્રિંકોમાલીમાં ભારતીય ઓઇલ ટેન્ક ફેસિલિટી નજીક રખાયા છે. લોકોનો રોષ જોતાં એવી આશંકા છે કે રાજપક્સાના હાલ લીબિયાના તાનાશાહ ગદ્દાફી જેવા થઇ શકે છે. તેથી તેમને ભારે સુરક્ષા અપાઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.