ઐતિહાસિક ચૂંટણી:ઈટાલીમાં કટ્ટર રાષ્ટ્રવાદી જ્યોર્જિયા વડાપ્રધાનપદની ચૂંટણીમાં આગળ

રોમ/નવી દિલ્હી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25મીએ ચૂંટણી, ઈમિગ્રન્ટના વિરોધને મજબૂત જનસમર્થન
  • જ્યોર્જિયા જીતશે તો ઈટાલીનાં પહેલા મહિલા પીએમ બનશે ​​​​​​​

ઈટાલીમાં નવા વડાપ્રધાન માટે ઐતિહાસિક ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ વખતે ત્યાં રાષ્ટ્રવાદનો મુદ્દો કેન્દ્રમાં છે. જમણેરી બ્રધર્સ ઓફ ઈટાલી પાર્ટીના જ્યોર્જિયા મેલોની (45) વડાંપ્રધાન પદની દોડમાં સૌથી આગળ છે. ચાર વર્ષ પહેલાં 4.13 ટકા મત મેળવનારા મેલોનીની પાર્ટીને 25 ટકા મતદારોનો ટેકો છે. મેલોનીની લોકપ્રિયતા છેલ્લાં બે વર્ષમાં ઘણી વધી છે. જ્યોર્જિયા મેલોની ઈસ્લામિક આતંક, અપ્રવાસીઓ અને એલજીબીટી અધિકારોના કટ્ટર વિરોધી છે.

કોરોનાકાળ પછી ઈટાલીમાં આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને પશ્ચિમ એશિયાથી ઈમિગ્રન્ટની ગેરકાયદે ઘૂસણખોરીથી ઈટાલીના સામાન્ય નાગરિકો ગુસ્સામાં છે. તેમનું કહેવું છે કે આ લોકોના કારણે મોંઘવારી વધી છે. મેલોની સિવાય અન્ય પક્ષો આ મુદ્દે જનસમર્થન મેળવી શક્યા નથી. ઈટાલીના વર્તમાન વડાપ્રધાન મારિયો ડ્રાગીની સેન્ટર લેફ્ટ ડેમોક્રેટિક પાર્ટીની મતદારો પરની પકડ ઢીલી પડી રહી છે.

જ્યોર્જિયા મુસોલિનીને હીરો માને છે, ટ્રમ્પના પણ સમર્થક
જ્યોર્જિયા મેલોની ઈટાલીના સરમુખત્યાર બેનિટો મુસોલિનીને હીરો માને છે. તેમનું કહેવું છે કે તેઓ ફક્ત લોકશાહીના મુદ્દે મુસોલિની સાથે સંમત નથી. જોકે, મેલોની અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનના સમર્થક છે. ‘આઈએમ જ્યોર્જિયા’ નામનું પુસ્તક લખનારાં જ્યોર્જિયા સિંગલ મધર છે. તેઓ વડાપ્રધાન બર્લુસ્કોની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યાં છે.

ઈટાલીમાં ચૂંટણીમાં મોંઘવારી અને રોજગારી પણ મોટા મુદ્દા

  • અહીં મોંઘવારી દર 8.2% છે, જે છેલ્લાં 36 વર્ષમાં સૌથી વધુ છે. બેરોજગારી દર 9.83% પહોંચ્યો છે. મેલોનીએ પ્રજાને ડાયરેક્ટ મની ટ્રાન્સફરનું વચન આપ્યું છે.
  • ઈટાલીમાં અલ કાયદાનું નેટવર્ક સક્રિય છે. મુસ્લિમ અપ્રવાસીઓના કારણે ઈસ્લામિક આતંકની આશંકાના કારણે લોકોમાં રોષ છે.
  • ઈટાલીમાં આવાસ-મેડિકલ સુવિધા વધારવા દેખાવો થઈ રહ્યા છે.

માફિયાવિરોધી પક્ષોને ઓછું સમર્થન
ઈટાલીના કુખ્યાત માફિયાનો વિરોધ કરનારી ફાઈવ સ્ટાર મૂવમેન્ટ પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે, પરંતુ આ વખતે તેમને ઓછું સમર્થન મળી રહ્યું છે. હાલ આ પાર્ટીને ફક્ત 9% ઈટાલિયન મતદારોનું સમર્થન છે. આ પાર્ટીના ડ્રાગી હાલ ઈટાલીમાં વર્તમાન ગઠબંધન સરકારમાં વડાપ્રધાન છે.

અન્ય સમાચારો પણ છે...