કોરોના સામે જંગ:ભારતમાં જ્યાં શેરી-ગલીએ મોતનું માતમ, ત્યાં ઇઝરાયેલ, બ્રિટન સહિતના દેશોએ કોરોનાને આપી મ્હાત

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રિટનમાં જાન્યુઆરીમાં જ્યાં 67 હજાર કેસ દરરોજ આવતા હતા ત્યાં આજે 2000થી પણ ઓછા કેસ
  • ઇઝરાયેલે પણ વેક્સિનેશનથી કોરોનાને મ્હાત આપી હવે અન્ય દેશના ટૂરિસ્ટને આવકારવા તૈયાર

ભારતમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે, તો હવે ત્રીજા વેવની પણ ચર્ચાએ લોકોમાં દહેશત ઊભી કરી છે. તો બીજી તરફ કેટલાંક એવા દેશ છે જ્યાં લોકોને માસ્ક પહેરવાની જરૂર નથી. આ ઉપરાંત અહીં બધું જ સામાન્ય બની રહ્યું છે, લોકો પહેલાંની જેમ જ જીવન માણી રહ્યાં છે. આ યાદીમાં એક દેશ એટલે ઇઝરાયેલ. યહુદી દેશમાં એટલી ઝડપથી પોતાના નાગરિકોને વેક્સિન કરાવ્યું છે કે હવે અહીંની સરકારે માસ્ક પહરેવાની અનિવાર્યતાને ખતમ કરી દિધી છે. ઇઝરાયેલમાં સાર્વજનિક વિસ્તારમાં હવે લોકો માસ્ક વગર ફરી શકે છે. જો કે બંધ રૂમમાં કે કોઈ જગ્યા જ્યાં લોકોની ભીડ હોય ત્યાં માસ્ક લગાવવું જરૂરી છે.

ઇઝરાયેલની જેમ બ્રિટન અને અમેરિકામાં પણ કોરોના કહેર ઓછો થઈ ગયો છે. બ્રિટન અને અમેરિકામાં પણ કોરોના સામે કારગત એવી વેક્સિનની પ્રક્રિયા ઝડપથી થઈ રહી છે. અને લગભગ મેના અંત સુધીમાં અમેરિકાની તમામ પ્રજા વેક્સિનેટ થઈ ગઈ હશે, તેવી જ રીતે દરેક બ્રિટનવાસી પણ જુલાઈના અંત સુધીમાં લગભગ વેક્સિનેટ થઈ ગઈ હશે. બ્રિટન અને અમેરિકામાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, તેમ છતાં આ બંને દેશ કોરોનાના સંકટમાંથી પાર ઉતરવામાં સફળ રહ્યાં છે. અમેરિકામાં તો કોરોનાનું સંકટ એટલી હદે ઓછું થયું છે કે તેઓ પણ ટૂંક સમયમાં જ પોતાના નાગરિકોને માસ્ક પહેરવાની પળોજણમાંથી છુટકારો આપવા જઈ રહ્યું છે.

ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ હવે પરદેશથી આવતા ટૂરિસ્ટોને પણ પોતાના દેશમાં આવકારવાનું મન બનાવ્યું છે (ફાઈલ ફોટો)
ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ હવે પરદેશથી આવતા ટૂરિસ્ટોને પણ પોતાના દેશમાં આવકારવાનું મન બનાવ્યું છે (ફાઈલ ફોટો)

ઇઝરાયેલે કઈ રીતે કોરોના પર મેળવ્યો કાબૂ?
ઇઝરાયેલા ઝડપી વેક્સિનેશનની પ્રક્રિયા પર જોર આપ્યું. જેના કારણે ઇઝરાયેલની વસ્તીના મોટા ભાગના લોકો વેક્સિન લગાવી ચુક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ અહીં 93 લાખની વસ્તીમાંથી 53 ટકાથી વધુ લોકોએ ફાઈઝર/બિયોનટેકની વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. આ વેક્સિનની ક્ષમતા 90 ટકાથી વધુ છે. ઇઝરાયેલે ડિસેમ્બર 2020થી વેક્સિનેશનની શરૂઆત કરી હતી.

વેક્સિનેશન ડ્રાઈવની શરૂઆત પછી દેશમાં કોરોના સંક્રમણના ગંભીર કેસ અને તેનાથી થનારા મોતના આંકડામાં ઘટાડો આવ્યો છે. આ જ કારણ છે કે ઇઝરાયેલમાં ફરી ઈકોનોમી પાટા પર આવી રહી છે. આ ઉપરાંત અન્ય દેશના ટૂરિસ્ટને પણ હવે ઇઝરાયેલમાં આવકાર મળી રહ્યો છે. ઇઝરાયેલમાં 8 લાખ 38 હજાર 850 લોકો કોરોનાનો શિકાર બન્યા હતા, તેમાં 8 લાખ 31 હજાર 387 લોકો રિકવર પણ થઈ ગયા છે. હાલ માત્ર 1089 લોકો કોરોનાથી સંક્રમિત છે, જેમાંથી 1004 લોકોને માઈલ્ડ લક્ષણો જ છે. ઇઝરાયેલમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 6,374 લોકો મોતને ભેટ્યા છે.

ઇઝરાયેલમાં ડિસેમ્બર-2020થી વેક્સિનેશનનો પ્રારંભ થયો હતો, હાલ ત્યાં 53 ટકાથી વધુ લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે.
ઇઝરાયેલમાં ડિસેમ્બર-2020થી વેક્સિનેશનનો પ્રારંભ થયો હતો, હાલ ત્યાં 53 ટકાથી વધુ લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે.

બ્રિટનમાં કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી હતી
ભારતમાં હાલ ડબલ મ્યૂટેશનવાળા કોરોના વેરિએન્ટે તબાહી મચાવી છે. બ્રિટનમાં જે વેરિએન્ટને કારણે બીજી લહેર આવી હતી, તે 23 મ્યૂટેશનવાળો કોરોના વાયરસ હતો. જેને B 117 તરીકે ઓળખવામાં આવે છે. આ વાયરસ 70 ટકા જેટલો ઘાતક હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ ડિસેમ્બરમાં જ એકલા લંડનમાં આ વાયરસથી 62% લોકો સંક્રમિત થઈ ગયા. અને જાન્યુઆરીની શરૂઆત થતાં જ બ્રિટનમાં આ બીમારીથી દરરોજ 60થી 67 હજાર કેસ મળતા હતા. 20 જાન્યુઆરીએ સૌથી વધુ 1800 લોકોના મોત નિપજ્યા હતા. જો કે 4 મહિનામાં જ બ્રિટને સેકન્ડ વેવથી પણ છુટકારો મેળવી લીધો છે.

કડક લોકડાઉન અને વેક્સિનના નિયમમાં ફેરફાર
બ્રિટનમાં 2021ની શરૂઆત જ ચિંતા સાથે થઈ, કારણ કે યુકેમાં કોરોનાનો સેકન્ડ વેવ ઘણો જ ગંભીર બની ગયો હતો. ત્યારે આ સેકન્ડ વેવ પર કંટ્રોલ મેળવવા સરકારે વધુ મોડું ન કરતા 4 અઠવાડીયાના કડક લોકડાઉનની જાહેરાત કરી દિધી હતી. જેની સકારાત્મક અસર 3 માસમાં જ જોવા મળી. અહીં પહેલાં 60 હજાર દર્દી દરરોજ નોંધાતા હતા, જે ઘટીને હવે 3 હજારથી પણ ઓછા થઈ ગયા છે.

આ ઉપરાંત બ્રિટન સરકારે વેક્સિનના બીજા ડોઝની અવધિ એક માસથી વધારીને ત્રણ માસ કરી દિધી. જેના પગલે લોકો સહેલાયથી વેક્સિન મુકાવવા અને સરકારને આપૂર્તિ સંકટ હલ કરવાનો સમય મળ્યો. દરેક 100 વ્યક્તિએ 63 લોકોએ વેક્સિન લગાવી છે જેનાથી મોતમાં 95% ઘટાડો આવ્યો છે.

બ્રિટનમાં કડક નિયમોને કારણે પણ કેસ ઘટ્યા
યુકેમાં કોરોનાના વધતા કેસ વચ્ચે પણ દરેક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ન હતા. સરકારે અહીં હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે પણ કડક નિયમો રાખ્ય હતા, જેમકે હોસ્પિટલ મેનેજમેન્ટને સુચના આપવામાં આવી હતી કે માત્ર અતિ ગંભીર દર્દીઓને જ દાખલ કરવામાં આવે. કોઈ પણ વ્યક્તિને બેડ કે વેન્ટિલેટર ન આપવામાં આવે. બ્રિટન સરકારના મત મુજબ 99 ટકા દર્દીઓને કોરોનાના સામાન્ય લક્ષણ જ હોય છે. ચિકિત્સા સંસાધન માત્ર એક ટકા અતિ ગંભીર લોકો માટે જ હોવી જોઈએ.

આ ઉપરાંત બ્રિટનમાં કોવિડ પ્રોટોકોલ નિયમોનું પણ કડકપણે પાલન કરાવવામાં આવ્યું. માસ્ક ન પહેરનારને દંડ, ખુલ્લી જગ્યાએ છથી વધુ લોકોને એક સાથે ઊભા રહેવા પર પ્રતિબંધ, જેમાં બાળકો પણ સામેલ હતા. બાર-રેસ્ટોરાંને માત્ર ટેક-અવે મોડની સુચના. એક વખત પોઝિટિવ આવ્યા બાદ તેઓને બીજી વખત ટેસ્ટ ન કરાવવાની કડક મનાઈ. જેનાથી સંસાધનો અને કોવિડ ટેસ્ટ કિટનો યોગ્ય ઉપયોગ થઈ શકે.

બ્રિટનમાં કોરોના સામેની જંગમાં કડક લોકડાઉન સહિતના નિયમો અમલમાં મુક્યા હતા
બ્રિટનમાં કોરોના સામેની જંગમાં કડક લોકડાઉન સહિતના નિયમો અમલમાં મુક્યા હતા

બ્રિટનમાં ટેસ્ટિંગ પર વિશેષ ધ્યાન
કોરોનાના નવા વેરિએન્ટ મળ્યા બાદ કોન્ટેક્ટ ટ્રેસિંગ, કોવિડ-19ની તપાસ અને જીનોમ સ્કીવસિંગમાં ઝડપ લાવવામાં આવી કે જેથી જેટલી ઝડપથી સંક્રમણ ફેલાઈ રહ્યું હતું તેટલી જ ઝડપથી નિયંત્રણ આવી શકે. બ્રિટનમાં આ કડક નિયંત્રણોની અસર જોવા મળી અને જ્યાં એક સમયે 60થી 67 હજાર કેસ નોંધાતા હતા ત્યાં 6 મેનાં રોજ 2613 સંક્રમિત સામે આવ્યા છે, જ્યારે 13 લોકોનાં જ મોત નિપજ્યા છે. બ્રિટનમાં કોરોનાના નવા કેસ અને મોતનાં આંકડામાં ઘટાડો આવતા PM બોરિસ જોનસને હવે જૂનના અંતમાં સુધીમાં તમામ પ્રતિબંધો હટાવવાની યોજના બનાવી છે. સાથે વાયરસના નવા વેરિએન્ટને લઈને હજુ પુરી સાવધાની રાખવામાં આવી રહી છે.

અમેરિકાએ પણ કોરોના સામે જંગ જીતી લીધી છે
અમેરિકામાં જો બાઈડને શપથ લીધા ત્યાર બાદથી કોરોનાની મહામારી સામે પણ રાહત મળી છે. કોવિડ ટ્રેકિંગ પ્રોજેક્ટના એક રિપોર્ટ મુજબ અમેરિકામાં કોરોનાના નવા કેસ, હોસ્પિટલમાં દાખલ થનારાઓની સંખ્યા મોતના દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રિપોર્ટ મુજબ સતત 16 સપ્તાહ સુધી કેસમાં વધારો નોંધાયા બાદ 4 ટકાનો ઘટાડો નોંધાયો છે જે એક સારા સંકેત છે. ટ્રેકિંગ પ્રોજેક્ટ મજુબ હોસ્પિટમાં દાખલ થનારા ી સંખ્યામાં પણ 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. અમેરિકામાં 2,66,99,417 એક્ટિવ કેસ છે જેમાંથી 2,61,05,411 એટલે કે 98 ટકા લોકો રિકવર થઈ ગયા છે. અમેરિકામાં 6 મેનાં રોજ 47,819 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 860 લોકો મોતને ભેટ્યા હતા. આ પહેલાં અમેરિકામાં લાખોની સંખ્યામાં સંક્રમિત લોકોનો આંકડો આવતો હતો જ્યારે મૃત્યુદર પણ ઘણો જ ઉંચો હતો, જ્યાં હવે કંટ્રોલ જોવા મળી રહ્યો છે.

USમાં માસ્કમાંથી મુક્તિ
અમેરિકાએ પણ કોરોના વિરૂદ્ધની જંગ લગભગ જીતી લીધી છે. તેની પાછળનું કારણ છે અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીનું માસ્કને લઈને બનાવવામાં આવેલા નવા નિયમ. સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે જે લોકો સંપૂર્ણ રીતે વેક્સિનેટ થઈ ગયા છે તેઓને મોટી ભીડ સિવાય કયાંય માસ્ક પહેરવાનું જરૂરી નથી. સ્વાસ્થ્ય અધિકારીએ એમ પણ કહ્યું કે જે લોકોએ વેક્સિન નથી લગાવી તેઓ પણ થોડી ઘણી સ્થિતિઓને બાદ કરતા માસ્ક વગર ઘરમાંથી બહાર નીકળી શકે છે. કોરોનાને કારણે અમેરિકામાં પોણા છ લાખ લોકો મોતને ભેટ્યા છે.

અમેરિકામાં પણ હવે માસ્કમાંથી લોકોને છુટકારો આપવાની બાઈડેન સરકાર તૈયારી કરી રહી છે
અમેરિકામાં પણ હવે માસ્કમાંથી લોકોને છુટકારો આપવાની બાઈડેન સરકાર તૈયારી કરી રહી છે