ભાસ્કર ઓરિજિનલ:ઈમરાનની સત્તા સંકટમાં, વિપક્ષ PDM અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં

ઈસ્લામાબાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવાઝની પાર્ટીનો 16 વર્ષ બાદ પીએમએલ-ક્યૂ સાથે ‘મેળાપ’

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી ખતરામાં છે. સૌથી મોટા વિપક્ષી દળ પીડીએમ (પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ)માં સામેલ નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ(પીએમએલ-એન)એ સરકારને ઘેરવા માટે અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારીઓ ઝડપી કરી છે. પીએમએલ-એનના અધ્યક્ષ અને નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફે પાર્ટીથી અલગ થયેલા પીએમએલ-ક્યૂના અધ્યક્ષ શુજાત ચાૈધરી સાથે મુલાકાત કરી હતી.

પાકિસ્તાનના રાજકીય કોરિડોરમાં તેને મેળાપ કહેવાઇ રહ્યું છે. બંને પક્ષો વચ્ચે 16 વર્ષ પછી બેઠક થઇ હતી. પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(પીપીપી)એ પણ ઈમરાન સરકાર વિરુદ્ધ દેખાવો ઝડપી બનાવ્યા છે. જુલૂસ કાઢવામાં આવી રહ્યા છે. પીપીપીના અધ્યક્ષ આસિફ અલી ઝરદારીએ પણ પીએમએલ-ક્યૂના અધ્યક્ષ શુજાત ચૌધરી સાથે મુલાકાત કરી તેમને વિપક્ષ સાથે આવવા આમંત્રણ આપ્યું હતું. હાલ શુજાતે તેને સ્વીકાર્યું નથી પણ તેનાથી રાજકીય માહોલ ગરમાયો છે. દરમિયાન સોમવારે ઈમરાન ખાને દાવો કર્યો કે પીએમએલ-ક્યૂ સરકાર સાથે જળવાઈ રહેશે.

એમક્યૂએમ-પી અને પીએમએલ-ક્યૂ પાસે સત્તાની ચાવી
પાકિસ્તાનના મુખ્ય રાજકીય નિષ્ણાત ઉસ્માન ખાને દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે સરકારમાં સામેલ એમક્યૂએમ-પી અને પીએમએલ-ક્યૂ પાસે સત્તાની ચાવી છે. બંને પાર્ટીઓ હાલના સમયે ઈમરાન સરકારને સમર્થન આપી રહી છે. એમક્યૂએમ-પી પાસે નેશનલ એસેમ્બલીમાં 7 સીટ અને પીએમએલ-ક્યૂ પાસે 5 સીટ છે. જો તે બંને પક્ષો વિપક્ષ સાથે હાથ મિલાવી લે તો ઈમરાન સરકાર પડી ભાંગશે. ઉસ્માન કહે છે કે અગાઉ પણ ઈમરાન સરકાર વિરુદ્ધ વિપક્ષે આવા પ્રયાસો કર્યા હતા પણ એકતાના અભાવે તે સફળ થયા નહોતા.

હવે સૈન્ય ઈમરાન સાથે નથી : પીરજાદા
પાકિસ્તાનની રાજકીય બાબતોના જાણકાર તારિક પીરજાદા કહે છે કે આમ તો રાજકારણમાં મુલાકાતનો દોર ચાલે છે પણ એમક્યૂએમ-પી અને પીએમએલ-ક્યૂ વચ્ચે મુલાકાતથી નક્કી છે કે ઈમરાન સરકારને હવે સૈન્યનું સમર્થન નથી.

સરકારના સહયોગી પક્ષો સાથ નહીં છોડે : કંવલ
અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારીઓ અને સરકારના અમુક સહયોગી પક્ષોની વિપક્ષ સાથે મુલાકાતો પર ઈમરાનની પાર્ટીના સાંસદ કંવલ શોજિબનું કહેવું છે કે સરકાર પાંચ વર્ષ સત્તામાં રહેશે. સરકારના સહયોગી પક્ષો સાથ નહીં છોડે.

અન્ય સમાચારો પણ છે...