ખતરો:ચાર વર્ષમાં ચીને દુનિયાભરમાં જાસૂસી સાત ગણી વધારી દીધી

લંડન / ન્યુયોર્ક3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકા-બ્રિટનના ઈન્ટેલિજન્સ ચીફનો ખુલાસો

ચીને ગત ચાર વર્ષમાં દુનિયાભરમાં જાસૂસી લગભગ સાત ગણી વધારી દીધી છે. હવે માનવીય જાસૂસીને ઘટાડી ચીન હેકિંગ કરી ટેક્નોલોજી ચોરી કરી રહ્યું છે. અમેરિકી ગુપ્તચર એજન્સી એફબીઆઈના નિર્દેશક ક્રિસ્ટોફર રે અને બ્રિટનની ઈન્ટેલિજન્સ એજન્સી એમઆઈ-5ના ડીજી કેન મેક્કલમે પહેલીવાર સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી આ સનસનાટી મચાવતો ખુલાસો કર્યો હતો.

અમેરિકામાં ગત ચાર વર્ષમાં ચીનના હેકરોએ 7 હજારથી વધુ સાઈબર અટેક કર્યા. એમઆઈ-5 અનુસાર કોરોનાકાળમાં ચીને તેની ગુપ્તચર એજન્સીઓને વધુ સક્રિય કરી હતી. એક રિપોર્ટ મુજબ બ્રિટનમાં કોરોનાકાળમાં ચીનના હેકરોએ લગભગ 5 હજારથી વધુ પ્રયાસ કર્યા. તેનો સામનો કરવા બ્રિટને તેની સરકારી વેબસાઇટને ફાયરવૉલથી પ્રોટેક્ટ કરવા 2 હજાર કરોડના ખર્ચે અપગ્રેડ કરી. ચીનને આ આર્થિક સાઈબર હેકિંગમાં રશિયા, ઉ.કોરિયા, બેલારુસ અને સીરિયાની પણ મદદ મળે છે.

રશિયાની ગુપ્તચર એજન્સી એફએસબીએ ચીન સાથે ગઠબંધન માટે એક અલગ સાઈબર હેકિંગ નેટવર્ક બનાવ્યું છે. તેને પશ્ચિમી દેશોનું સાઈબર નેટવર્ક પણ ભેદી શકતું નથી. એફબીઆઈ અને એમઆઈ-5ના રિપોર્ટ મુજબ ચીન સાઈબર હુમલા માટે તેના સેટેલાઈટ નેટવર્કનો ઉપયોગ કરે છે. આ સિક્રેટ કમ્યુનિકેશન ચીન સરકાર પાસે છે.

અમેરિકા અને બ્રિટને ચીનના સાઈબર હુમલાને કાઉન્ટર કરવા માટે મિશન-2025 બનાવ્યું છે. તે હેઠળ 25 દેશોનું એક કોર ગ્રૂપ બનાવાશે. જે પરસ્પર માહિતીઓ શેર કરશે. હાલ અમેરિકાના નેતૃત્વમાં ફાઈવ આઈ નામનું ગ્રૂપ સંચાલિત છે. આ ગ્રૂપ ચીન વિરુદ્ધ સાઈબર માહિતી હાલ શેર કરે છે.

કમ્યુનિસ્ટ સરકારનું 10 હજાર હેકર્સનું સાઈબર સેલ
ચીનની કમ્યુનિસ્ટ સરકારે 10 હજાર હેકર્સનું અલગથી સાઈબર સેલ બનાવ્યું છે. અમેરિકી એજન્સી એફબીઆઈના 2020માં જારી એક રિપોર્ટ અનુસાર હેકર્સને ફન્ડિંગ પણ ગુપ્ત રૂપે ચીનની સરકાર તરફથી અપાય છે. તેનો ઉલ્લેખ સત્તાવાર રીતે થતો નથી. આ હેકર્સ આમ તો ચીનમાં આવેલી મલ્ટિનેશનલ કંપનીઓમાં કામ કરે છે પણ તેનો અસલ ઉદ્દેશ્ય ટેક્નોલોજીને હેક કરી ચીન સરકારને આપવાનો હોય છે.

અન્ય સમાચારો પણ છે...