કોરોનાની વાપસી:યુરોપમાં ઓછા રસીકરણથી કેસ વધ્યા, રસી નહીં લેનારા પર આકરા પ્રતિબંધ

વોશિંગ્ટન13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિયાળો શરૂ થતાં જ સમગ્ર યુરોપમાં કોરોના સંક્રમણ વધ્યું

યુરોપમાં તાપમાન ઘટતાં જ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ચોથી લહેરથી બચવા માટે કેટલાક યુરોપિયન દેશોમાં માસ્ક ફરી ફરજિયાત કરાયું છે. બુસ્ટર ડોઝ આપવાની પણ તૈયારી થઈ રહી છે. લૉકડાઉન વિશે પણ ચર્ચાવિમર્શ થઈ રહ્યો છે. એટલું જ નહીં, રસી નહીં લેનારા લોકો વિરુદ્ધ લૉકડાઉન જેવા પ્રતિબંધો મૂકવા બેઠકો યોજાઈ રહી છે.

ઉદાહરણ તરીકે છેલ્લાં બે સપ્તાહમાં ઓસ્ટ્રિયામાં કોરોનાના નવા કેસમાં 134% વધારો થયો છે. ઓસ્ટ્રિયા સરકારે 12 વર્ષથી મોટી ઉંમરના રસી નહીં લેનારા પર સકંજો કસ્યો છે અને તેમના પ્રવાસો-મુલાકાતોને સ્કૂલ, જરૂરી ચીજવસ્તુની ખરીદી અને મેડિકલ સર્વિસ સુધી સીમિત કરી દીધી છે.

ઓસ્ટ્રિયાનું આ પગલું યુરોપના દેશોની સરકારોની પેટર્ન પ્રમાણે છે, જ્યાં લોકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવા પ્રેરિત કરવાના હેતુથી આવા પ્રતિબંધો લદાયા છે. યુરોપિયન દેશોએ લીધેલાં આ પગલાં એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે હાલ અહીં વાઈરસની સ્થિતિ મજબૂત છે. વિયેના મેડિકલ યુનિવર્સિટીમાં પ્રો. ઈવા શ્રેહેમર કહે છે કે ઓસ્ટ્રિયાના નવા નિયમોથી રસી લેનારા અને નહીં લેનારા લોકો વચ્ચેનો સંપર્ક ઘટી જશે.

યુરોપમાં નવેમ્બરના પહેલા સપ્તાહમાં ગયા સપ્તાહની તુલનામાં કોરોનાથી થતાં મોત 10% અને નવા કેસ 7% દરે વધી રહ્યા છે. પૂર્વ યુરોપની સ્થિતિ સૌથી ખરાબ છે, પરંતુ નવી લહેરે સમગ્ર મહાદ્વીપમાં આર્થિક સુધારા અને ક્રિસમસની રજાઓને ખતરામાં નાંખી દીધી છે. ડબ્લ્યુએચઓએ હાલમાં જ ચેતવણી આપી હતી કે યુરોપમાં આગામી દિવસોમાં પાંચ લાખ જેટલાં મોત થઈ શકે છે.

રસીકરણની મદદથી સામાન્ય સ્થિતિની વાપસી માટે રસી નહીં લેનારા લોકોને ખતરા તરીકે જોવાઈ રહ્યા છે. આ જ કારણથી યુરોપની સરકારોએ રસી નહીં લેનારા સામે કડકાઈ દાખવવાનું શરૂ કર્યું છે. જર્મનીમાં આગામી દિવસોમાં સત્તામાં આવનારી નવી સરકારે જાહેરાત કરી છે કે રસી નહીં લેનારા સામે અમે કડક કાયદા લાગુ કરીશું. તે અંતર્ગત બસો, ટ્રેનોમાં ચઢતા પહેલાં તેમણે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે.

ફ્રાન્સમાં હેલ્થ પાસ લેવાની આશા રાખનારા 65 અને તેનાથી વધુ વયના લોકો માટે બુસ્ટર ડોઝ ફરજિયાત કરાયો છે. આશા છે કે, વારંવાર કોરોના ટેસ્ટથી કંટાળીને લોકો રસી લેવા પ્રેરાશે. આમ છતાં, કેટલાક યુરોપિયન દેશો પાછળ છે.

ખાસ કરીને પૂર્વ યુરોપમાં ભ્રામક માહિતી વધારે છે. રોમાનિયામાં રસીકરણનો દર સૌથી ઓછો છે. અહીં કોરોના મૃત્યુદર દુનિયામાં સૌથી વધુ છે. બલ્ગેરિયાની હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ છે. લેટિવિયામાં રસીકરણનો વ્યાપક વિરોધ છે. રશિયા અને યુક્રેનમાં રસીકરણ દર 50%થી ઓછો છે. અહીં અનેક સ્થળે હજુ પણ લૉકડાઉન છે.

20 મહિના પછી ફિલિપાઈન્સમાં સ્કૂલો ખૂલી, 120 સ્કૂલોમાં જ અભ્યાસ ચાલુ
ફિલિપાઈન્સમાં 20 મહિના પછી બાળકો સ્કૂલમાં પરત ફર્યાં છે. એવું કહેવાય છે કે સ્કૂલ શરૂ કરનારો આ છેલ્લો દેશ છે. પહેલાં પાઈલટ પ્રોજેક્ટ હેઠળ દેશની ફક્ત 120 સ્કૂલો ખોલાઈ છે. અહીં માસ્ક, ફેસશિલ્ડ સાથે બાળકોને પ્લાસ્ટિકના ક્યુબિકલમાં બેસાડાય છે.

બ્રિટનમાં 40+ને બુસ્ટર, 16-17 વર્ષના કિશોરોને બીજો ડોઝ અપાશે
બ્રિટનના પીએમ બોરિસ જોનસને કહ્યું છે કે સરકાર અહીં દેખાઈ રહેલાં તોફાની વાદળોથી ચિંતિત છે. નવી લહેરે અહીં આપણા મિત્ર દેશોને નવા પ્રતિબંધો માટે મજબૂર કર્યા છે. બ્રિટનમાં 40+ ઉંમરના લોકોને બુસ્ટર ડોઝ અપાશે, જ્યારે 16-17 વર્ષના કિશોરોને પણ હવે બીજો ડોઝ અપાશે.

અન્ય સમાચારો પણ છે...