ચીનમાં દેખાવકારોનો મોટો વિજય થયો છે. દેખાવોને કારણે ચીનની સરકાર તેની ઝીરો કોવિડ નીતિમાં ફેરફાર કરવા મજબૂર થઈ છે. તેણે કોરોના રોકવા માટે લાગુ કરેલા પ્રતિબંધોમાં રાહત આપી છે. તે હેઠળ સંક્રમિત થનારા લોકો હોસ્પિટલ કે સરકાર તરફથી નક્કી કરાયેલી સુવિધામાં દાખલ થવાની જગ્યાએ ઘરે જ ક્વૉરન્ટાઈન રહી શકશે. જે સ્કૂલોમાં કોઈ સંક્રમિત નથી ત્યાં ક્લાસ શરૂ કરી શકાશે.
હવે ચીનમાં ગમે ત્યાં જવા માગતા લોકોએ ફરજિયાત કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવવો નહીં પડે. ચીનના અધિકારીઓએ એમ પણ કહ્યું કે જ્યાં સુધી કોઈ ક્ષેત્રને વધારે જોખમવાળું જાહેર નહીં કરાય ત્યાં સુધી કામ અને પ્રોડક્શન અટકાવી નહીં શકાય. ફક્ત રિટાયરમેન્ટ હોમ્સ, સ્કૂલો અને ક્લિનિક ઉપરાંત અન્ય સ્થળોએ કોરોના નેગેટિવ રિપોર્ટની જરૂર નહીં પડે.
ઝીરો કોવિડ નીતિના ત્રણેય મુદ્દે યુ-ટર્ન, લોકોએ ઉજવણી કરી
ચીનમાં ઝીરો કોવિડ નીતિના 3 મુદ્દા નક્કી કરાયા હતા. પ્રથમ, મોટા પાયે ટેસ્ટિંગ જેથી સંક્રમિતોને ઓળખી શકાય. બીજું, ક્વૉરન્ટાઇનની સેન્ટ્રલાઈઝ વ્યવસ્થા, જે હેઠળ સંક્રમિતોને સરકારી સુવિધાઓ કે હોસ્પિટલમાં રહેવું પડે. ત્રીજું, લૉકડાઉન લગાવી ચેપને સતત ફેલાતો રોકવો. આ ત્રણે મુદ્દાથી ચીને પીછેહઠ કરી છે. આ રાહત ત્યારે અપાઈ છે જ્યારે ચીનમાં દરરોજ સરેરાશ 30 હજાર કેસ મળી રહ્યા છે. રાહતના સમાચાર આવતા જ લોકોએ ઉજવણી કરી હતી.
અસંતોષ વધ્યો, ઉગ્ર દેખાવો થઇ શકે
ભલે ચીનમાં કોરોના પ્રતિબંધોમાં રાહત અપાઈ હોય પણ અસંતોષ હજુ શમ્યો નથી. લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. આ જ કારણે ઉગ્ર દેખાવો થવાની આશંકા છે. એક ટિ્વટર યુઝરે કહ્યું કે કડક ઈન્ટરનેટ પ્રતિબંધો બાદ સોશિયલ મીડિયા પર મેસેજ અમારો અવાજ દુનિયા સુધી પહોંચાડવાનું માધ્યમ બન્યું છે. ઈટાલી મૂળના આર્ટના વિદ્યાર્થી લી(નામ બદલેલ છે) એ રાષ્ટ્રપતિ શી જિનપિંગની ઝીરો કોવિડ નીતિ વિરુદ્ધ દેખાવોમાં મદદ કરી હતી. તેમણે પીડિતોના વીડિયો, ફોટો અને સરકારી નીતિઓ સામે સરકારોની હતાશાને સામે લાવ્યા. તેણે કહ્યું કે હજારો રિપોર્ટ મળ્યા છે જેનાથી તેમને દેશના ડર અને ચિંતાઓની માહિતી મળી છે. લીએ કહ્યું કે હતાશ કરનાર નીતિઓથી લોકો અસલામતી અનુભવી રહ્યા છે. ચીનની સરકારે હજુ સુધી કોઈ મજબૂત ઉપાયો કર્યા જ નથી. તેણે ભલે થોડીક રાહત આપી છે પણ તેની આ ચાલ ઊલટી પડી શકે છે અને લોકો માર્ગો પર ઉતરી શકે છે. લીના 8 લાખથી વધુ ફોલોઅર છે. ચીનમાં દેખાવો અંગે લીની પોસ્ટ મહત્ત્વપૂર્ણ સ્ત્રોત બની રહે છે. તેણે જ 24 નવેમ્બરે ઉરુમકીમાં આગના અહેવાલ આપ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.