ફેસબુક ફરી ફસાઈ:ફેસબુકને ઝટકો, યુરોપિયન યુનિયને કંપનીને ~3,228 કરોડનો દંડ ફટકાર્યો

લંડનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુઝર્સને પર્સનલાઇઝ્ડ જાહેરાત જોવા મજબૂર કરવાનો આરોપ

ફેસબુકની પેરેન્ટ કંપનીને યુરોપિયન યુનિયન (ઇયુ)માં ઝટકો લાગ્યો છે. ઇયુના નિયામકોએ મેટા પર ઇયુના ડેટા પ્રોટેક્શન કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતા તેના પર રૂ.3,228 કરોડનો દંડ ફટકાર્યો છે. મેટા પર આરોપ છે કે કંપનીએ પોતાના યુઝર્સને ગેરકાયદેસર રીતે પર્સનલાઇઝ્ડ જાહેરાત જોવા માટે મજબૂર કર્યા છે. આ દંડ બાદ મેટાએ ઇયુમાં પોતાના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બિઝનેસમાં કેટલાક ફેરફાર કરવા માટે મજબૂર થવું પડશે.

આ બદલાવ કંપની માટે ખર્ચાળ સાબિત થઇ શકે છે. આ સમગ્ર મામલો એ હતો કે કઇ રીતે મેટાએ પોતાના યુઝર્સને પર્સનલાઇઝ્ડ જાહેરાત બતાવવા માટે તેમના ડેટા એકત્ર કરવાની ગેરકાયદેસર અનુમતિ લીધી હતી. કંપનીએ પોતાના લાંબા સર્વિસ એગ્રીમેન્ટમાં એવી ભાષાનો ઉપયોગ કર્યો જેને યુઝર્સે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી સેવાઓ યુઝ કરવા માટે સ્વીકાર કરવું જરૂરી હતું. તે અનુસાર જો યુઝર્સ પર્સનલાઇઝ્ડ જાહેરાતનો ઉપયોગ કરવા માટે પોતાના ડેટાનો ઉપયોગ કરવાની મંજૂરી નહીં આપે તો તેણે મેટાની સોશિયલ મીડિયા સર્વિસના ઉપયોગને સંપૂર્ણપણે બંધ કરવો પડશે. EUના અધિકારીઓએ કહ્યું કે સેવાની શરતોના રૂપમાં પર્સનલાઇઝ્ડ જાહેરાત માટે ગેરકાયદેસર રીતે સહમતિ હાંસલ કરવી એ જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (જીડીપીઆર)નું ઉલ્લંઘન છે.

આ નિર્ણયથી મેટાને મોટું નુકસાનઃ EUમાં મેટા વિરુદ્વ આ નિર્ણયથી દુનિયાભરમાં તેના પડઘા પડશે અને અનેક અન્ય દેશો પણ મેટાને કેટલાક બદલાવ કરવા માટે મજબૂર કરી શકે છે. જો મોટી સંખ્યામાં યુઝર્સ મેટાને પોતાના ડેટાના ઉપયોગની મંજૂરી નહીં આપે તો કંપનીને બિઝનેસમાં નુકસાન સહન કરવાની નોબત આવશે. આ પ્રકારની પ્રેક્ટિસથી મેટાએ 9.8 લાખ કરોડની કમાણી કરી હતી. જેનો મોટો હિસ્સો હવે ગુમાવવો પડશે.

પહેલા ગૂગલ રૂ. 137 કરોડ જમા કરાવે, પછી સુનાવણી કરીશું: NCLATનો આદેશ
નેશનલ કંપની લૉ અેપેલેટ ટ્રિબ્યુનલે(એનસીએલએટી)બુધવારે ગૂગલને નિર્દેશ આપ્યો કે, તે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) દ્વારા ફટકારાયેલા રૂ. 1337.76 કરોડ દંડમાંથી 10% રકમ એટલે કે રૂ. 137 કરોડ તાત્કાલિક જમા કરાવે. એ પછી જ સુનાવણી હાથ ધરાશે. એનસીએલએટીના બે સભ્યોની બેન્ચે સીસીઆઈ દ્વારા ફટકારાયેલા દંડના અમલ પર તાત્કાલિક સ્ટે આપવાનો ઈનકાર કરતા કહ્યું કે, તે અન્ય પક્ષોને સાંભળ્યા પછી જ આદેશ આપશે. આ સાથે એનસીએલએટીએ સીસીઆઈને નોટિસ મોકલી અને વચગાળાના સ્ટે પર સુનાવણી માટે આ મામલો 13 ફેબ્રુઆરીએ લિસ્ટ કરવાનો નિર્દેશ આપ્યો. ગૂગલ પર એન્ડ્રોઈડ બજારમાં મજબૂત સ્થિતિના દુરુપયોગનો આરોપ છે. સીસીઆઈએ અયોગ્ય વેપાર વર્તન અંગે તેની સામે ગત વર્ષે ઓક્ટોબરમાં રૂ. 1337.76 કરોડનોનો દંડ ફટકાર્યો હતો. ગૂગલે આ આદેશને પડકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...