નિવેદન અંગે હોબાળો:ઈમરાનને પાકિસ્તાનના 3 ટુકડા થતા દેખાઈ રહ્યા છે

ઈસ્લામાબાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા એક ઈન્ટરવ્યૂમાં અપાયેલા સનસનાટી મચાવતાં નિવેદનોથી રાજકીય હોબાળો સર્જાયો છે. ઈમરાને કહ્યું કે પાકિસ્તાન આપઘાત કરી લેવા તરફ આગળ વધી રહ્યું છે. જો સૈન્ય વહેલીતકે દખલ નહીં કરે તો પાક.ના ત્રણ ટુકડા(પંજાબ, સિંધ, બલુચિસ્તાન) થઈ જશે. ઈમરાને કહ્યું કે હું લખીને આપી શકું કે જો જલદી કાર્યવાહી નહીં કરાય તો ખુદ સૈન્ય જ બરબાદ થઇ જશે. જો સૈન્ય નબળું થશે તો તેના પરમાણુ ભંડારની સુરક્ષા નહીં કરી શકે. પાક.નો ખજાનો ખાલી થઈ ગયો છે. તે (ભારત અને અમેરિકી ગઠબંધન) એ જ રાહ જોઈને બેઠા છે કે પાક.ના ટુકડા થઈ જાય.

ઈમરાને ફરી કહ્યું કે જ્યાં સુધી નવેસરથી ચૂંટણીની જાહેરાત નહીં થાય ત્યાં સુધી અમારી પાર્ટી ધરણાં-પ્રદર્શનો ચાલુ રાખશે. આ મામલે વડાપ્રધાન શાહબાઝ શરીફે વળતો પ્રહાર કરતા કહ્યું કે ઈમરાને હદો વટાવી છે. તેમનું નિવેદન સ્પષ્ટ કરે છે કે તેમનામાં દેશ ચલાવવાની તાકાત નથી. ઇમરાન ભલે રાજકારણ કરે પણ દેશ વિરુદ્ધ ચૂપ રહે. પીપીપી પ્રમુખ આસીફ અલી ઝરદારીએ કહ્યું કે દેશની બરબાદી ઈચ્છતા ઇમરાન જાણી લે કે કયામત સુધી પાક. કાયમ રહેશે.

ઈમરાન સરકારને પડકારી શકતા ન હોવાથી હતાશ
સુરક્ષા અને ડિફેન્સ એક્સપર્ટ મહેમૂદ શાહે ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે ઈમરાનનું નિવેદન તેમની હતાશા દર્શાવે છે. ઈમરાન તમામ પ્રયત્નો છતાં શરીફ સરકારને પડકારી શક્યા નથી. ઈમરાન ખુદ સૈન્ય જેને આજે તેઓ શક્તિશાળી સંસ્થા કહી રહ્યા છે તેમની મહેરબાનીથી સત્તામાં આવ્યા હતા. હવે ખુદને એકલા જોઇને તે સૈન્યનું સમર્થન મેળવવા તેને ઉશ્કેરી રહ્યા છે.

શરીફ સરકારે ઈમરાન વિરુદ્ધ મોરચો ખોલ્યો
શરીફ સરકારે ઈમરાન ખાન વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. સરકારના સહયોગી પીડીએમના પ્રવક્તા હાફિઝ હમદુલ્લાએ કહ્યું કે સત્તા મેળવવા ખાતર ઈમરાન એવાં નિવેદન કરી રહ્યા છે. આવું ઠીક નથી. પીએમએલએનના મરિયમ નવાઝે કહ્યું કે સત્તા ગુમાવ્યા બાદથી ઇમરાન ખાન તેમનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. પાક.પ્રજા તેમને જલદી જ પાઠ ભણાવશે. પાક. હંમેશા કાયમ રહેશે.

ઓડિયો : ઈમરાને ઝરદારી સાથે અવિશ્વાસ પ્રસ્તાવ પાછો ખેંચવા વાત કરી હતી
પાક.ના રાજકારણમાં વધુ એક ઓડિયો લીક થતા હોબાળો મચ્યો છે. ઈમરાન સરકાર જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરી રહી હતી ત્યારે પ્રસિદ્ધ બિઝનેસમેન મલિક રિયાઝે ઈમરાન વતી પીપીપી પ્રમુખ આસીફ અલી ઝરદારી સાથે ટેલિફોનિક વાત કરી હતી. તેમાં રિયાઝે ઈમરાન વતી ઝરદારીને કથિતરૂપે સોદાબાજીની ઓફર પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...