પાકિસ્તાન પોલીસ રવિવારે તોશાખાના મામલે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ કરવા તેમના ઘરે પહોંચી. ઇસ્લામાબાદ પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે જ્યારે એસપી તેમના રૂમમાં પહોંચ્યાં ત્યારે ઇમરાન ત્યાં હાજર હતા નહીં. તે પછી પોલીસ નોટિસ આપીને પાછી ફરી ગઈ.
તેના થોડા કલાકો બાદ ઈમરાન ખાને લાહોરમાં પોતાના સમર્થકોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું- પાકિસ્તાનનું ક્યારેય આટલું અપમાન થયું નથી, અમારા ક્રાઈમ મિનિસ્ટર ભીખ માગીને ફરે છે. ઈમરાને તેમના સમર્થકોને કહ્યું- તમે મારા ટાઈગર્સ છો. હું ક્યારેય કોઈની સામે નમ્યો નથી, આપણે માત્ર અલ્લાહ સામે નમનારા લોકો છીએ.
'નવાઝ લંડનથી નિર્ણય લઈ રહ્યા છે'
ઈમરાન ખાને વડાપ્રધાન શાહબાઝ શરીફ વિશે કહ્યું કે તેઓ 16 અબજના કૌભાંડ માટે સજા ભોગવવાના છે. જનરલ બાજવાએ તેમને વડાપ્રધાન બનાવ્યા. ગૃહમંત્રીએ 8 હત્યાઓ કરી છે. ઈમરાન ખાને પાકિસ્તાનના ગૃહમંત્રીને ચોર કહ્યા.
તેમણે કહ્યું- નવાઝ શરીફ લંડનથી નિર્ણય લઈ રહ્યા છે. આ લોકો આપણું ભાગ્ય નક્કી કરે છે. ભારતીય ચેનલો આપણી મજાક ઉડાવી રહી છે. પોતાના ભાષણ દરમિયાન ઈમરાને લોકોને જેહાદ પર જવાની સલાહ પણ આપી હતી. તેમણે કહ્યું કે ISIના કેટલાક અધિકારીઓ શેતાન બની ગયા છે. આ લોકો કહે છે કે તેઓ મારી રક્ષા કરશે, હું કહું છું કે તેઓ મને મારવા માગે છે.
ઈમરાનને 7 માર્ચે ઈસ્લામાબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે
આ પહેલાં ઇસ્લામાબાદ પોલીસે ટ્વિટ કર્યું હતું કે ઇમરાન ધરપકડથી બચવાની કોશિશ કરી રહ્યા છે. ખાને 7 માર્ચે ઇસ્લામાબાદ કોર્ટમાં હાજર થવાનું છે. બીજી બાજુ, પાકિસ્તાન-તહરીક-એ-ઇન્સાફ (PTI)ના વાઇસ ચેરમેન શાહ મહમૂદ કુરેશીએ કહ્યું કે પોલીસની નોટિસમાં ઇમરાનની ધરપકડનો ઉલ્લેખ નથી. ઇમરાન પોતાની લીગલ ટીમ સાથે 2.30 વાગ્યે બેઠક કરશે. ત્યાર બાદ આગળની રણનીતિ અંગે જણાવશે.
આ દરમિયાન PTIના નેતા અને ઇમરાન સરકારમાં જે મંત્રી રહેલાં ફવાદ ચોધરીએ પાર્ટીના કાર્યકર્તાઓને એકઠા થવા માટે કહ્યું. તેમણે કહ્યું કે જો ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવશે તો દેશમાં અરાજકતા ફેલાઇ શકે છે.
પોલીસે ઇમરાનના સમર્થકોને ચેતવણી આપી
ઇસ્લામાબાદ પોલીસે ઇમરાન ખાનની ધરપકડમાં અડચણ ઊભી ન કરવાને લઈને PTIના કાર્યકર્તાઓને ચેતવણી આપી છે. પોલીસે ટ્વિટમાં કહ્યું કે જે લોકો કોર્ટના આદેશમાં વિઘ્ન ઊભું કરશે તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ફવાદે સરકારને ચેતવણી આપી
જમાન પાર્ક બહાર પ્રેસ કોન્ફરન્સ કરી ફવાદ ચોધરીએ કહ્યું- જો ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવશે તો પાકિસ્તાનમાં અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન કરવામાં આવશે. ઇમરાન વિરુદ્ધ 74 કેસ નોંધવામાં આવ્યા છે. એવામાં તેઓ દરેક સુનવણીમાં હાજર રહી શકે નહીં.
આ પહેલાં ફવાદે ટ્વિટ કરીને કહ્યું હતું- ઇમરાનની ધરપકડ કરવાની કોશિશથી પરિસ્થિતિ ગંભીર સ્વરૂપ લઇ શકે છે. હું આ નકારા અને દેશ વિરોધી સરકારને ચેતવણી આપું છું કે તેઓ ગંભીરતાથી કામ કરે અને પાકિસ્તાનને કોઈ અન્ય સંકટમાં ધકેલે નહીં. હું બધા જ પાર્ટી કાર્યકર્તાઓને જમાન પાર્ક પહોંચવાની અપીલ કરું છું
28 ફેબ્રુઆરીએ બિનજામીનપાત્ર વોરન્ટ ઇશ્યુ થયું હતું
28 ફેબ્રુઆરીએ ઇસ્લામાબાદ સેશન કોર્ટે ઇમરાનને રાજ્યની તિજોરી (તોશાખાના)માંથી કરોડો રૂપિયાની ભેટ ખૂબ જ સસ્તા ભાવે વેચવા બદલ દોષી ઠેરવ્યો હતો. આ પછી તેની સામે બિનજામીનપાત્ર વોરન્ટ પણ ઇશ્યુ કરવામાં આવ્યું હતું.
જાણો શું છે તોશાખાનાનો મામલો
સત્તાધારી પાકિસ્તાની ડેમોક્રેટિક મૂવમેન્ટે ચૂંટણીપંચ સમક્ષ તોશાખાના ગિફ્ટનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે ઈમરાને તેમના કાર્યકાળ દરમિયાન અલગ-અલગ દેશોમાંથી મળેલી ભેટનું વેચાણ કર્યું હતું. ઈમરાને ઈલેક્શન કમિશનને કહ્યું હતું કે તેમને આ તોશાખાનામાંથી તમામ ભેટ રૂ. 2.15 કરોડમાં ખરીદવામાં આવી હતી. તેને વેચીને તેને લગભગ 5.8 કરોડ રૂપિયા મળ્યા હતા.
તોશાખાના મામલે આ રીતે પકડાઈ ઇમરાનની ચોરી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.