અમેરિકામાં છેલ્લા ત્રણ મહિનાના ગાળા દરમિયાન લે-ઓફ (છટણી)ના શિકાર થયેલા આશરે 70 હજારથી વધુ એચ1બી વિઝાધારક ભારતીય લોકોને મોટી રાહત મળી છે. આવા લોકો માટે બીજી નોકરી શોધવા માટે 60 દિવસની ગ્રેસ અવધિને વધારીને હવે 180 દિવસ કરવાની ભલામણ કરવામાં આવી છે. ઇમિગ્રેશન પર વ્હાઇટ હાઉસની એડવાઇઝરી કમિટીનાં ચીફ કમિશનર સોનલ શાહ અને સબ કમિટીનાં સહઅધ્યક્ષ અજય ભૂતોરિયાની પહેલ પર આ ભલામણ કરવામાં આવી છે, જેને હવે મંજૂરી મળવાની શક્યતા છે.
કમિટીના આ બંને ભારતવંશી લોકોએ છટણીનો શિકાર થયેલા પ્રોફેશનલ્સ માટે મુસદ્દો તૈયાર કર્યો છે. સાથે સાથે કમિટીના અન્ય સભ્યોને પણ ગ્રેસ અવધિમાં વધારો કરવા માટે અપીલ કરી છે. ગ્રેસ અવધિ વધવાથી અમેરિકામાં એચ1બી પર કામ કરી રહેલા આશરે સવા ચાર લાખ લોકોને રાહત મળશે. કમિટી તરફથી કરવામાં આવેલી ભલામણ હવે પરમિટ કમિશનની પાસે જશે અને અમેરિકન રાષ્ટ્રપતિ સત્તાવાર રીતે મંજૂરી આપશે. 2021 દરમિયાન સૌથી વધારે 74 ટકા એચ1બી વિઝા ભારતીયોને મળ્યા છે. અમેરિકન ઇમિગ્રેશન તરફથી જારી ચાર લાખ એચ1 બી વિઝા પૈકી ત્રણ લાખ ભારતીયોને જ્યારે ચીની નાગરિકોને 50 હજાર વિઝા અપાયા હતા.
100થી વધુ બેઠકો યોજવામાં આવી : સોનલ શાહ
કમિટીના ચીફ કમિશનર સોનલ શાહે ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમય ગાળા દરમિયાન એચ1બી વિઝાની ગ્રેસ અવધિને વધારવા માટે જુદી જુદી એજન્સીઓની સાથે 100થી વધુ બેઠકો થઇ ચૂકી છે. ગ્રેસની મુદ્દત વધારવાની ભલામણ ઐતિહાસિક છે.
હવે ગ્રીનકાર્ડને સરળ બનાવાશે : ભૂતોરિયા
સબકમિટીના સહઅધ્યક્ષ અજય ભૂતોરિયાએ કહ્યું છે કે, વિઝા ગ્રેસ અવધિ વધારી દેવામાં આવ્યા બાદ આગામી એજન્ડા એનઆરઆઇ (બિનપ્રવાસી ભારતીયો) માટે ગ્રીનકાર્ડને સરળ બનાવવા માટે રહેશે. દશકોથી ચાલી રહેલા ગ્રીનકાર્ડ બેકલોગને દૂર કરવામાં આવશે.
અમેરિકાના એચ1બી વિઝા શું છે
અમેરિકન એચ1બી વિઝા બિનપ્રવાસીઓને આપવામાં આવનાર વિઝા છે. અમેરિકન આઇટી, ફાઈનાન્સ અને એન્જિનિયરિંગ કંપનીઓ વિદેશી પ્રોફેશનલોને એચ1બી વિઝાથી કામ પર રાખી શકે છે. આ રીતે એલ1બી વિઝા કંપનીઓની વચ્ચે ટ્રાન્સફર હોવાની સ્થિતિમાં મળે છે. હાલમાં છટણીનો શિકાર થયેલા ભારતીયો માટે એચ1 વિઝા કેટેગરી પણ શરૂ કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.