આર્થિક મોરચે સંકટ:IMFએ 6 અબજ ડોલરની લોન માટે પાકિસ્તાન સમક્ષ 5 શરત રજૂ કરી, આ પૈકી 3 શરત પૂરી કરવી મુશ્કેલ

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં ચાર નાણાં પ્રધાન બદલાઈ ચુક્યા છે, જે પૈકી કોઈ દેશની આર્થિક સ્થિતિને સુધારી શક્યા નથી શક્યા નથી.

દિવાળુ ફૂંકવાના આરે આવીને ઉભેલા પાકિસ્તાનને ધિરાણ મેળવવું મુશ્કેલ બનીર રહ્યું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ ઈમરાન ખાન સરકારને 6 અબજ ડોલરની લોન આપવા માટે 5 શરતોની એક યાદી આપી છે. આ સ્થિતિમાં પણ આશ્ચર્યની વાત એ છે કે જો પાકિસ્તાન આ શરતોનું શબ્દશઃ પાલન પણ કરી લેશે તો પણ તેને ધિરાણ મળી જ જશે તે નક્કી નથી.

વાતચીત અને ફક્ત વાતચીત
વર્ષ 2018માં ઈમરાન ખાન વડાપ્રધાન બન્યા હતા. અત્યાર સુધીમાં ચાર નાણાં પ્રધાન બદલાઈ ચુક્યા છે. આ પૈકી કોઈ નાણાં પ્રધાન દેશની આર્થિક સ્થિતિને સુધારી શક્યા નથી. હવે તો સ્થિતિ એટલી હદ સુધી કથળી છે કે સરકાર પાસે કોઈ જ નાણાં મંત્રી નથી. શૌકત તરીન સંસદ માટે ચૂંટાઈ નહીં શકતા તેમણે ખુરશી છોડવી પડી છે અને હવે તેઓ વડાપ્રધાનના આર્થિક સલાહકાર છે.

પાકિસ્તાન સરકાર અને IMF વચ્ચે એપ્રિલથી સતત વાતચીત ચાલી રહી છે, પણ હજુ સુધી કોઈ જ પ્રકારનું ધિરાણ મેળવી શક્યું નથી. તેની પાછળનું કારણ પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ જવાબદાર છે. IMFએ સ્પષ્ટ કરી દીધુ છે કે જ્યાં સુધી પાકિસ્તાન તેની આર્થિક સુધારાને લગતી શરતોનું પાલન કરશે નહીં ત્યાં સુધી તેને 6 અબજ ડોલરની લોનનો એક પણ હપ્તો મળશે નહીં.

હવે શું મુશ્કેલી છે?
હકીકતમાં શૌકત તરીન તેમના જ નિવેદનને લીધે ફસાઈ ગયા છે. સપ્ટેમ્બરમાં તેમણે 11 દિવસ સુધી વોશિંગ્ટનમાં IMFની ટીમ સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ કહ્યું હતું- એક સપ્તાહમાં લોન મંજૂર થઈ જશે. આશરે બે મહિના પસાર થઈ ગયા, પણ કોઈ જ ધિરાણ પ્રાપ્ત થયું નહીં. મંગળવારે મીડિયાએ જ્યારે શૌકતને આ અંગે પ્રશ્ન કર્યો તો તેઓ અકળાઈ ગયા અને IMFની સંખ્યાબંધ શરતો રજૂ કરી. તેમણે કહ્યું-મને એ ન પૂછશો કે લોન ક્યા સુધી અને કેટલી મળશે. IMFએ પાંચ શરત મુકી છે. અમે પ્રથમ બે શરત પૂરી કરી ચુક્યા છીએ. અન્ય શરતો અંગે સરકારે નિર્ણય કરવાનો છે. ડીલ તો થઈ ચુકી છે.

આ 5 શરતો અને સ્થિતિ અટવાઈ
IMFએ ગયા મહિને જ આ પાંચ શરતો પાકિસ્તાન સરકાર સમક્ષ રજૂ કરી હતી. વીજળી અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અગાઉથી જ મોંઘા થઈ ચુક્યા છે. અન્ય ત્રણ માગ-સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન સુધારા વિધેયક રજૂ કરવું, ટેક્સમાં છૂટ રદ્દ કરવી અને સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાનને સરકારી દરમિયાનગીરીથી મુક્ત કરવાનો સમાવેશ થાય છે.

આ સાથે મુશ્કેલી એવી પણ છે કે ઈમરાન સરકારે આ ત્રણેય શરતો પૂરી કરવા માટે સંસદ પાસે જવું પડશે. વિપક્ષના સહયોગ વગર આ વિધેયક પસાર થઈ શકે તેમ નથી. સરકાર જો વટહુકમ મારફતે મંજૂરીને લગતું પગલું ભરે છે તો તેમા પણ 6 મહિનાનો સમય લાગશે. ત્યા સુધીમાં પૈસા ક્યાંથી આવશે તે એક પ્રશ્ન છે.