આર્થિક સંકટમાં ફસાયું પાકિસ્તાન:IMFએ ઈમરાન સરકારને 6 અબજ ડોલરનું ધિરાણ આપવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો, વાટાઘાટ પણ નિષ્ફળ નિવડી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)

દેવાના સંકટમાં ફસાઈ ચુકેલા પાકિસ્તાન માટે હવે આશાનું અંતિમ કિરણ પણ ડૂબતુ હોય તેમ લાગે છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)એ પાકિસ્તાનને 6 અબજ ડોલરની લોન આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. એટલું જ નહીં આ નાણાં સંસ્થાએ સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાનને 1 અબજ ડોલરનો પહેલો હપ્તો આપવામાં આપવામાં આવશે નહીં. IMF અને પાકિસ્તાનના નાણાં પ્રધાન વચ્ચે વોશિંગ્ટનમાં જે વાટાઘાટ ચાલી રહ્યા હતા તે નિષ્ફળ નિવડ્યા છે. આ અંગેની પુષ્ટિ પાકિસ્તાનના તમામ મીડિયામાં કરવામાં આવી છે. જોકે ઈમરાન સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

ભારે દબાણ હેઠળ છે પાકિસ્તાન
'The Express Tribune'એ રવિવારે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકામાં નાણાં મંત્રી શૌકત તરીકની ટીમ અને IMFવચ્ચે છેલ્લા 11 દિવસથી જે વાતચીત ચાલી રહી હતી તેનું કોઈ જ પરિણામ નિકળ્યું નથી. ત્યારબાદ આ બેઠક ઔપચારિક રીતે પૂરી થઈ ગઈ છે. આ બેઠક 4 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી ચાલી હતી.

અહેવાલમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે શૌકત વોશિંગ્ટનમાં હતા ત્યારે તે સમયે પાકિસ્તાનમાં ફરી એક વખત વીજળી અને પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે.

શું મજબૂરી છે
IMF સતત પાકિસ્તાન સરકાર પર કરવેરાની વસૂલાત વધારવા પર દબાણ કરી રહ્યું છે. જોકે પાકિસ્તાન સરકારની મજબૂરી છે કે તે કોઈ પણ શરત માનવા માટે તૈયાર નથી. અમેરિકામાં રહેતા પાકિસ્તાની મૂળના બિઝનેસમેન સાજિદ તરાડે જણાવ્યું હતું કે ઈમરાન ખાન ટેક્સ કલેક્શન વધારી શકે તેમ નથી. તેની પાછળનું કારણ આ દેશના મોટાભાગના બિઝનેસમેન કરપ્ટ છે અને તેઓ ઈમરાનની હુકુમતનો ભાગ છે. જો ઈમરાન આ માટે પ્રયત્ન કરશે તો ગણતરીની મિનિટોમાં જ સરકાર પડી જશે. માટે વીજળી તથા પેટ્રોલિયમના દર વધારી ગરીબ લોકોને જ ટાર્ગેટ કરી રહ્યા છે.

આગળ પણ ચર્ચા થઈ શકે છે
સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન સરકાર અને IMF વચ્ચે વધુ વાતચીત કરવામાં આવશે. જોકે, આ માટે કોઈ ટાઈમલાઈન અથવા એજન્ડા નક્કી કરવામાં આવ્યો નથી. નાણાં પ્રધાન પાકિસ્તાન પરત ફરશે અને ફરી લાંબી ચર્ચા થશે. તો જ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાય છે.

IMFનું કહેવું છે કે ઇમરાન સરકારની નીતિઓ જ એવી છે જે ટેક્સ ક્લેક્શનમાં વધારો કરી શકતી નથી કે અર્થતંત્રને લાભ પહોંચાડી શકતી નથી. દેશની અર્થવ્યવસ્થા વિનાશના આરે છે. હવે તેને ગેરન્ટર પણ મળી રહ્યો નથી. સાઉદી અરેબિયા બાદ ચીને પણ લોનની ગેરંટી આપવાનો ઇનકાર કર્યો છે.

ચાર મહિનામાં બે નિષ્ફળતા
ચાર મહિનામાં પાકિસ્તાન સરકાર અને IMF વચ્ચે બે વખત વાત-ચીત થઈ ચૂકી છે અને બંને વખત વાચ-ચીત નિષ્ફળ રહી છે. ત્યારે પણ પાકિસ્તાન સરકારે વિજળીના રેટ વધાર્યા હતા, પરંતુ ટેક્સ કલેક્શન પર કોઈ જવાબ નહોતો આપ્યો.

ઈમરાનની સમસ્યા એ છે કે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક ટૂંક સમયમાં થવાની છે. તારીખ હજી નક્કી કરવાની બાકી છે. જો IMF લોન નહીં આપે અને FATF પણ સંકજો કશે તો દેશ નાદાર થવાનો જ છે. આમ પણ પાકિસ્તાન વિશ્વના એવા 10 દેશોમાં સામેલ થઈ ગયું છે કે જ્યાં સૌથી વધુ વિદેશી દેવુ છે.

અન્ય સમાચારો પણ છે...