• Gujarati News
  • International
  • If You Do Service, You Will Get Service. Give Your Time To Someone, It Will Be Saved In Time Bank, It Can Be Used In Future.

ભાસ્કર વિશેષ:સેવા કરશો, તો સેવા મળશે તમારો સમય કોઈને આપો, તે ટાઈમ બેન્કમાં સેવ રહેશે, ભવિષ્યમાં ઉપયોગમાં લઈ શકાશે

બર્ન8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વિત્ઝર્લેન્ડમાં વૃદ્ધો માટે ટાઈમ બેન્ક, યુવાનો વોલન્ટિયર્સ તરીકે જોડાય છે

ક્રિસ્ટિના 67 વર્ષે સ્કૂલમાંથી નિવૃત્ત થયાં પછી એકલવાયું જીવન જીવતાં હતાં. જીવન વિતાવવા તેમને સરકાર પાસેથી પૂરતું પેન્શન પણ મળતું. તેમણે ઘરનો એક હિસ્સો ભાડે પણ આપ્યો છે એટલે તેમને ખાસ કોઈ ચિંતા ન હતી. આમ છતાં, તેઓ 87 વર્ષના એક બીમાર વૃદ્ધની સેવા કરી રહ્યાં છે. એક દિવસ ભાડૂઆતે તેમને પૂછ્યું કે તમે આ બધું પૈસા માટે કરો છો? તો ક્રિસ્ટિનાએ જવાબ આપ્યો કે ના, હું પૈસા માટે નહીં, પરંતુ મારો સમય બેન્કમાં જમા કરાવવા સેવા કરી રહી છું.

હું વૃદ્ધ થઈશ ત્યારે કદાચ ચાલી પણ નહીં શકતી હોઉં. ત્યારે હું આ સેવ કરેલો સમય પાછો માંગી શકીશ. સ્વિત્ઝર્લેન્ડમાં શરૂ થયેલી ટાઈમ બેન્ક આવી યોજના લાવી છે. તે અંતર્ગત ત્યાંના તમામ નાગરિકો કોઈને મદદ કરવા પોતાનો સમય ખર્ચીને સમય કમાઈ શકે છે. આ બધો જ સમય ટાઈમ બેન્કમાં જમા રહે છે. ભવિષ્યમાં તેમને કોઈના સમયની જરૂર પડે, ત્યારે તેઓ બેન્ક પાસે તે સમય માંગી શકે છે.

સ્વિત્ઝર્લેન્ડના આરોગ્ય મંત્રાલયે આ યોજના ખાસ કરીને એકલવાયું જીવન જીવતા વૃદ્ધોને ધ્યાનમાં રાખીને તૈયાર કરી છે. તે અંતર્ગત દેશના લોકો પોતાની ઈચ્છા પ્રમાણે જરૂરિયાતમંદ વૃદ્ધોનું આરોગ્ય ખરાબ થાય ત્યારે તેમનું ધ્યાન રાખીને સમય કમાઈ શકે છે અથવા તો તેમની અને પોતાની એકલતા દૂર કરવા વૃદ્ધો સાથે સમય પણ વિતાવી શકે છે. વૃદ્ધોને આપેલો એ સમય જે તે વોલન્ટિયર્સના સામાજિક સુરક્ષા ખાતામાં ટાઈમ યુનિટ તરીકે જમા થઈ જાય છે. પછી એ વોલન્ટિયર્સ વૃદ્ધ થશે, ત્યારે તેમને પણ કોઈની જરૂર પડશે. એ વખતે ટાઈમ બેન્ક તેમના માટે વૉલેન્ટિયર ફાળવી દેશે.

જોકે, તેમણે જેટલો સમય આપ્યો હશે, તેટલો જ સમય તેમને મળશે. દુનિયાભરમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. સંતાનો નોકરી અને કારકિર્દી માટે તેમની સાથે રહી શકતાં નથી એટલે આ આઈડિયા ઘણો મદદરૂપ થઈ શકે એમ છે. અમેરિકા, બ્રિટન, જાપાન, ન્યૂઝીલેન્ડ, સ્પેન અને ગ્રીસ જેવા દેશો પણ આ સિસ્ટમ અપનાવી ચૂક્યા છે. સિંગાપોર પણ તે ઝડપથી લાગુ કરવાનું છે.

ભારતમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની સમિતિએ 2018માં આ યોજના લાગુ કરવાનું સૂચન કર્યું હતું. સમિતિનાં સૂચનોના આધારે 2019માં મધ્યપ્રદેશ ટાઈમ બેન્ક ખોલનારું દેશનું પહેલું રાજ્ય બન્યું હતું. બાદમાં છત્તીસગઢે પણ આવી બેન્ક શરૂ કરી હતી.

વોલન્ટિયર્સ દ્વારા અપાતો સમય ટાઈમ બેન્ક ટ્રેક કરી લે છે
ટાઈમ બેન્કનો કોન્સેપ્ટ લેવડ-દેવડના મોડલ પર આધારિત છે. તે અંતર્ગત વોલન્ટિયર્સ વૃદ્ધોને આઈટી સેવા, સલાહ આપવી, બાળકોની દેખભાળ, સલૂન સંબંધિત મદદ, ગાર્ડનિંગ, ઘરમાં ફેરફાર કે બીજા સમય માંગી લેતા કામમાં સમય આપી શકે છે. આ કામમાં લાગતો સમય ટાઈમ બેન્ક ટ્રેક કરી લે છે અને તે વોલન્ટિયર્સના ખાતામાં ટાઈમ યુનિટ તરીકે જમા થઈ જાય છે. આ યોજનામાં સ્વિસ યુવાનો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. તેમનું માનવું છે કે ઢળતી ઉંમરે તેમને પણ આવા સહારાની જરૂર પડશે, ત્યારે આ સમય કામમાં આવશે.

અન્ય સમાચારો પણ છે...