હોંગકોંગમાં દુનિયાના સૌથી વિશાળ અને પ્રતિષ્ઠિત આર્ટ એક્ઝિબિશન્સમાંના એકનો પ્રારંભ થયો છે. હોંગકોંગમાં આયોજિત આ આર્ટ બેઝલમાં 23 દેશોમાંથી 104 ગેલેરીઝને હોસ્ટ કરવામાં આવે છે. આ મોડર્ન અને કન્ટેમ્પરરી આર્ટ એક્ઝિબિશનનું નવમું સંસ્કરણ હોંગકોંગમાં શરૂ થયું છે.
આ કોના હસ્તક્ષર છે ઓળખો!
આ તસવીર છે મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈનના હસ્તાક્ષરોની. તેમણે આપેલું વિશ્વ વિખ્યાત "E = mc2" તેમના હસ્તાક્ષરમાં લખેલું છે. આ સ્વહસ્તે લખેલા આ સમીકરણ સહિતનો આઈન્સ્ટાઈનના પત્રની હાલમાં જ બોસ્ટન સ્થિત આરઆર ઓક્શન હાઉસ દ્વારા હરાજી થઈ. જેમાં તેનું 12 લાખ ડોલર (લગભગ 8.5 કરોડ રૂપિયાથી વધુ)માં વેચાણ થયું. આ સમીકરણનો અર્થ એવો થાય છે કે સમગ્ર બ્રહ્માંડમાં ઊર્જાનો જથ્થો અચળ છે, ઊર્જા માત્ર સ્વરૂપ બદલે છે જે ઓછી થતી નથી કે વધતી નથી. આઈન્સ્ટાઈને તેમના સમીકરણ પછીના ઘણા સમય બાદ તેના માટે અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. કેમકે આ જ સમીકરણથી પરમાણુ બોમ્બ અસ્તિત્વમાં આવ્યો.
ગંગા કિનારે ભયાનક દૃશ્ય
ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજમાં શ્રૃંગવેરપુર ધામનું આ દૃશ્ય અત્યંત ભયાનક એટલા માટે છે કેમકે અહીં રેતીમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો દાટવામાં આવ્યા છે. અંતિમવિધિ માટે પણ પૈસા ન રહ્યા હોવાથી અનેક લોકો પોતાના પ્રિયજનને કોરોનાથી મોત થયા પછી અહીં ગંગા નદીના કિનારે આ રીતે દફનાવી જાય છે. ગંગા કિનારે રહેલી રેતીમાં જેમ તેમ ખાડા કરીને લાશો દાટવામાં આવી છે અને તેની ઉપર ઢાંકેલા વસ્ત્રો જોઈ શકાય છે.
બોલો, જય કોરોના માત કી!
કોરોના વાઈરસ દેશ-દુનિયામાંથી જતો રહે તે માટે લોકો દવા અને દુઆ બંનેની મદદ લઇ રહ્યા છે. તમિલનાડુના કોઈમ્બતુરમાં કમતચિપુરી મંદિરમાં ‘કોરોનાદેવી’ની સ્થાપના કરાઇ છે. પૂજારીઓ 48 દિવસ સુધી કોરોનાદેવીની પૂજા કરીને કોરોના વાઈરસનો નાશ કરવાની પ્રાર્થના કરશે. મૂર્તિ કાળા પથ્થરમાંથી બનેલી છે. તેની ઊંચાઇ 1.5 ફૂટ છે. મંદિરના મેનેજર આનંદ ભારતીએ જણાવ્યું કે, ‘લોકોને કોરોના વાઈરસથી બચાવવા અમે આ મૂર્તિની સ્થાપના કરી છે. અમારા ગુરુજીએ સપનામાં આવીને અમને આ કામ કરવા કહ્યું. મંગળવારે મૂર્તિની સ્થાપના થઇ અને બુધવારથી અમે પૂજા કરવાનું શરુ કર્યું.’
જીવવા માટે ઉઠાવાય છે જીવનું જોખમ!
મોરોક્કોમાં કોરોના કાળમાં લોકોની સ્થિતિ બદતર થઈ છે. જેના કારણે મોટી સંખ્યામાં હિજરત કરીને સ્પેનની સરહદમાં પ્રવેશવા પ્રયત્નશીલ છે અને એટલું જ નહીં એ માટે મોરોક્કોના લોકો જીવનું જોખમ પણ ઉઠાવી રહ્યા છે. મોટી સંખ્યામાં સમુદ્રમાં તરીને સ્પેન પહોંચવા પ્રયાસ કરે છે. આ માટે તેઓ પોતાના શરીરે પ્લાસ્ટિકની બોટલો બાંધીને તરતા તરતા સ્પેન પહોંચવાની કોશિશ કરે છે. જેમાં અનેક લોકો મૃત્યુ પણ પામ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.