કરોડો રૂપિયાના પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી ગુરુવારે એન્ટિગુઆ-બાર્બુડા પહોંચ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેનું દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. ચોક્સીએ કહ્યું- 'હું કલ્પના પણ કરી શકતો ન હતો કે મારો વ્યવસાય બંધ થઈ જશે અને સંપત્તિ જપ્ત કરવામાં આવશે. ભારતીય એજન્સીઓ મારું અપહરણ કરવાનું કાવતરું ઘડશે. હું ઘરે પાછો આવ્યો છું, પરંતુ આ ત્રાસે શારીરિક અને માનસિક રીતે મારા પર એક ઊંડી છાપ છોડી છે.
મારી નિર્દોષતા સાબિત કરવા માટે ચોક્કસપણે ભારત આવીશ
ચોક્સીએ કહ્યું, "મેં ભારતીય તપાસ એજન્સીઓને અનેકવાર પૂછપરછ માટે એન્ટિગુઆ આવવા અપીલ કરી છે, પરંતુ તેઓ આવ્યા ન હતા. હું મારી નિર્દોષતા સાબિત કરવા માટે ભારત પરત આવવા બાબતે વિચારી રહ્યો છું. મારા અપહરણ બાદ છેલ્લા 50 દિવસથી મારી તબિયત લથડી છે. મને ભારતમાં મારી સુરક્ષા અંગે આશંકા છે. હું જાણતો નથી કે હું સામાન્ય શારીરિક કે માનસિક સ્થિતિમાં ફરી પરત આવીશ.
ચોક્સી ચાર્ટર વિમાન દ્વારા એન્ટિગુઆ પહોંચ્યો હતો
સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ફરાર હીરા વેપારી ડોમિનિકાની કસ્ટડીમાં લગભગ 51 દિવસ પછી એન્ટિગુઆ પરત ફર્યો છે. એન્ટિગુઆ ન્યૂઝરૂમના અહેવાલ મુજબ, આછા લીલા રંગનો શર્ટ અને ખાખી શોર્ટ્સમાં ચોક્સીએ ચાર્ટર વિમાનમાં એન્ટિગુઆ માટેની ઉડાન ભરી હતી. એન્ટિગુઆ અને બાર્બુડાના વિદેશ મંત્રાલયના અધિકારીઓ તેને એરપોર્ટ પર મળ્યા હતા.
ત્રણ દિવસ પહેલાં સારવાર માટે વચગાળાના જામીન મળ્યા છે
તમને જણાવી દઈએ કે ચોક્સીને ત્રણ દિવસ પહેલાં ડોમિનિકાની કોર્ટ દ્વારા સારવાર માટે એન્ટિગુઆ-બાર્બુડા જવાની મંજૂરી આપવામાં આવી હતી. કોર્ટે ચોક્સીને 10 હજાર ઈસ્ટર્ન કેરેબિયન ડોલર (લગભગ પોણા ત્રણ લાખ રૂપિયા) જામીન માટે આપ્યા બાદ વચગાળાની રાહત આપવામાં આવી હતી.
જામીન મેળવવા ચોક્સીના વકીલોએ કોર્ટમાં સીટી સ્કેન અને મેડિકલ રિપોર્ટ પણ રજૂ કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેના 'હેમાટોમા' (મગજને લગતો રોગ) સંબંધિત હાલત કથળી રહી હોવાની વાત કરી ગયા. કોર્ટે તબીબી રીતે તંદુરસ્ત થયા બાદ કેસનો સામનો કરવા માટે ડોમિનિકા પરત આવવાની શરત મૂકી છે.
ડોમિનિકામાં કોઈ સારવારની સુવિધા નહોતી
ડોકટરોએ 'ન્યુરોલોજિસ્ટ' અને 'ન્યુરોસર્જિકલ' સલાહકાર દ્વારા ચોક્સીની તબીબી સ્થિતિની તાત્કાલિક સમીક્ષા કરવાની સલાહ આપી હતી. 'સીટી સ્કેન' નો રિપોર્ટ 29 જૂનનો હતો, તેના પર ડોમિનિકામાં પ્રિન્સેસ માર્ગારેટ હોસ્પિટલના ચિકિત્સકો યેરેન્ડી ગાલે ગુટિરેઝ અને રેને ગિલ્બર્ટ વેરાનેસ દ્વારા સહી કરવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું, 'સારવારની આ સુવિધાઓ હાલમાં ડોમિનિકામાં ઉપલબ્ધ નથી.
13,500 કરોડના કૌભાંડમાં વોન્ટેડ
પંજાબ નેશનલ બેંક સાથે સંકળાયેલા 13,500 કરોડના કૌભાંડમાં વોન્ટેડ હીરાના વેપારી મેહુલ ચોક્સી 23 મેના રોજ એન્ટિગુઆ-બાર્બુડાથી શંકાસ્પદ સંજોગોમાં ગુમ થયો હતો. બાદમાં તેને પાડોશી દેશ ડોમિનિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના આરોપમાં તેની અટકાયત કરાઈ હતી.
ચોકસીના વકીલોએ આરોપ લગાવ્યા છે કે 23 મેના રોજ એન્ટિગુઆના જોલી હાર્બરથી તેનું કેટલાક પોલીસ અધિકારીઓ દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું હતું. તે પોલીસકર્મી એન્ટિગુઆ તેમજ ભારતના નાગરિક લાગી રહ્યા હતા. જેઓ એક બોટ દ્વારા તેને ડોમિનિકા લઈ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.