ફિલિપાઈન્સમાં વિનાશ:'રાઈ' વાવાઝોડાંનાં પગલે 75 લોકોનાં મોત, 3 લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયાં; 195 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો

ફિલિપાઈન્સએક મહિનો પહેલા
  • અનેક વિસ્તારોમાં વીજ સેવા ખોરવાઈ ગઈ છે
  • વાવાઝોડાંના કારણે ફિલિપાઇન્સમાં ઘણી ફ્લાઇટ્સ રદ કરાઇ

ફિલિપાઈન્સમાં ત્રાટકેલા રાય વાવાઝોડામાં ઓછામાં ઓછા 75 લોકોના મોત નોંધાયા છે. અધિકારીઓનું કહેવું છે કે આ વર્ષે દેશમાં ત્રાટકનાર આ સૌથી ખતરનાક વાવઝોડું છે. 3 લાખથી વધુ લોકો પોતાનું ઘર છોડીને સલામત સ્થળે જતા રહ્યા છે. આ વાવાઝોડાએ ફિલિપાઈન્સના દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં તબાહી મચાવી દીધી છે.

195 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો
વાવાઝોડાને કારણે અનેક મકાનોની છત ઉડી ગઈ છે અને અનેક વિસ્તારોમાં વીજળીના થાંભલા પડી ગયા છે. જેના કારણે વીજળી ડૂલ થઈ ગઈ છે અને અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક ખોરવાયો છે. ફિલિપાઇન્સના બોહોલના ગવર્નર આર્થર યાપે પોતાના ફેસબુક પેજ પર જાણકારી આપી કે હાલમાં 10 લોકો ગુમ છે અને 13 લોકો ઘાયલ છે. ગુરુવારે દેશમાં આવેલ સુપર ટાયફૂન રાઈમાં 195 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

ત્રણ લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
આ વાવાઝોડાને કારણે ત્રણ લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે વાવાઝોડું ત્રાટકે તે પહેલા કરવામાં આવેલી તૈયારીઓને કારણે ઘણા લોકોના જીવ બચી ગયા હતા. ગવર્નરે કહ્યું કે લગભગ 1.80 લાખની વસ્તી ધરાવતો તેમના પ્રાંતમાં ભારે વિનાશ થયો છે. લોકોને વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને ખોરાક, પાણી, કામચલાઉ રહેઠાણ, બળતણ, સ્વચ્છતા કીટ અને દવાઓ પુરી પાડવા માટે બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

ભારે પવનને કારણે રાહત સેવાઓમાં પણ વિલંબ થઈ રહ્યો છે
સરકારે કહ્યું કે આ વાવાઝોડાને કારણે અનેક લોકોના મોત થયા છે. આ વાવાઝોડામાં ઝાડ પડવાથી ઘણા લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો હજુ પણ લાપતા છે. તેમનો ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે. વાવાઝોડામાં ભારે પવનના કારણે વીજળી અને સંદેશાવ્યવહાર સેવાઓ ખોરવાઈ જવાને કારણે રાહત સેવાઓ આપવામાં પણ વિલંબ થઈ રહ્યો છે.

વાવાઝોડાના કારણે ફિલિપાઇન્સમાં ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને બંદરો પણ બંધ કરી સેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...