આફ્રિકાના દેશ નાઇજીરિયામાં કોરોનાને લીધે લોકડાઉનમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ખાદ્ય ચીજવસ્તુઓ મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો એક જગ્યાથી બીજી જગ્યા ભટકી રહ્યા છે. નાઇજીરિયાના જોસ શહેરના એક વેરહાઉસમાં સંગ્રહ કરાયેલી ખાદ્ય ચીજવસ્તુઓ મેળવવા સેંકડોની સંખ્યામાં લોકોએ હુમલો કર્યો હતો. દેશમાં વિરોધ પ્રદર્શનકર્તાઓએ સ્થાનિક સરકાર પર સહાય માટેની ખાદ્ય ચીજવસ્તુઓને છુપાવવાનો આરોપ લગાવ્યો હતો. લોકો વેરહાઉસની છત ઉપર ચડી ગયા હતા અને એ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. નાઇજીરિયામાં અત્યારસુધીમાં કોરોનાના કુલ 62,111 કેસ નોંધાયા છે અને 1132 લોકોનાં મૃત્યુ થયાં છે.
સરકારવિરોધી દેખાવકારોએ સેંકડોની સંખ્યામાં ફૂડ એડ વેરહાઉસ પર હુમલો કર્યો હતો અને વેરહાઉસની છત પર ચડી ગયા હતા. વેરહાઉસમાં રખાયેલી ખાદ્ય સામગ્રી લૂંટવા પડાપડી કરી હતી
જોસસ્થિત વેરહાઉસ ઉપરાંત રાજધાની અબુજામાં પણ લૂંટ ચલાવી હતી. સ્થાનિક પ્રશાસને ભીડને શાંત રહેવા અપીલ કરી હતી, જેની કોઈ અસર થઈ ન હતી.
વેરહાઉસમાં ખાદ્ય સામગ્રી ખલાસ થઈ ગયા બાદ પણ લોકો વેરહાઉસની છત તથા દરવાજા તોડીને લઈ ગયા હતા.
લોકો અનાજ તથા ચોખાની 50 કિલોની બેગ વેરહાઉસમાંથી લૂંટીને લઈ જતા હતા. સ્થાનિક પ્રધાનોએ ખાદ્ય સામગ્રી છુપાવ્યાના આરોપને નકાર્યા હતા અને કહ્યું હતું કે આ ખાદ્ય સામગ્રી વિતરણની પ્રક્રિયા હેઠળ હતી. જે લોકો કોરોનાને લીધે લાગુ કરવામાં આવેલા લોકડાઉનની અસરનો સામનો કરી રહ્યા હતા તેમના માટે આ સામગ્રી હતી.
રાજધાની અબુજાના એક વેહાઉસમાં સામૂહિક લૂંટ સમયે લોકો તેમના હાથમાં અને માથા ઉપર ફૂડ બેગ લઈ જઈ રહેલા દેખાય છે.
કેટલાક દિવસ અગાઉ લાગોસમાં અનેક ઈમારતોને આગ ચાંપી દેવામાં આવી હતી, સુપરમાર્કેટ્સમાં પણ લૂંટ ચલાવવામાં આવી હતી તેમ જ અનેક વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યુ હતું. દેશનાં તારાબા અને અડમાવા રાજ્યોમાં પણ મોટા પ્રમાણમાં ખાદ્ય સામગ્રીની લૂંટ ચલાવવામાં આવી હોવાની માહિતી છે.
નાઇજીરિયાના રાષ્ટ્રપતિ મુહામ્માદુ બુહારીએ રવિવારે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. સ્થાનિક પ્રશાસને પણ લૂંટફાટ અટકાવવા માટે અનેક પગલાં ભર્યાં હતાં. અનેક વિસ્તારોમાં કર્ફ્યુ લાદ્યો હતો, પણ લોકો પર એની ખાસ અસર થઈ ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.