અમેરિકામાં ખરાબ હવામાનનો કહેર સતત તબાહી મચાવી રહ્યો છે. લોકો બોમ્બ ચક્રવાત અને ભયંકર તોફાનોમાંથી બહાર નીકળે તે પહેલાં ટોર્નેડોએ પણ એન્ટ્રી કરી છે. અમેરિકાના અલબામા અને જ્યોર્જિયા રાજ્યોમાં છેલ્લા બે દિવસમાં ટોર્નેડોએ વિનાશ વેર્યો હતો. ટોર્નેડોના કારણે 9 લોકોનાં મોત થયાં છે. ઘણા લોકો હજુ પણ ગૂમ છે. બચાવકર્મીઓ કાટમાળના ઢગલા નીચે ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરી રહ્યા છે.
વાવાઝોડાના કારણે ઘણા મકાનો હવામાં ઊડી ગયા હતા. મકાનો હવામાં ઊડવાનું કારણ એક જ છે કે અમેરિકામાં લાકડાંમાંથી બનાવેલા ઘર હોય છે. એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. વૃક્ષો ઉખડી ગયા હતા અને વીજ થાંભલા, વાહનો ઊડીને ઘરો પર પડ્યા હતા. અલબામાના ગવર્નર કે.આઈવેએ કહ્યું- ટોર્નેડો ખૂબ જ ખતરનાક હતો. મેં ટીવી પર પણ આવો વિનાશ ક્યારેય જોયો નથી.
ટોર્નેડો ઝડપ 218 કિમી/કલાક
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ત્રીજું સૌથી ખતરનાક કેટોગરીનું ટોર્નેડો અલબામાના ઓટોગા કાઉન્ટીમાં આવ્યું છે. તેની ઝડપ 218 કિમી પ્રતિ કલાક હતી. ઓટૌગાના ઈમરજન્સી મેનેજમેન્ટ ડિરેક્ટરે જણાવ્યું કે 12 ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લગભગ 40 મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. બચાવકર્મીઓ તેમની નીચે દટાયેલા લોકોને બચાવવા માટે વૃક્ષોને કાપીને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
ટીવી પર પણ આટલી તબાહી જોઈ નથીઃ ગવર્નર
અલબામાના ગવર્નર કે આઈવેએ કહ્યું- ટોર્નેડો ખૂબ જ ખતરનાક હતો. મેં ટીવી પર પણ આવો વિનાશ ક્યારેય જોયો નથી. ઘણા ઘરોની છત ઉડી ગઈ હતી તો લાકડાંના હોવાના કારણે અનેક ઘરો પણ ઊડી ગયાં હતા. વૃક્ષોની હાલત ટૂથપિક્સ જેવી થઈ હતી. તે રાષ્ટ્રપતિ જો બિડેનને નાણાકીય મદદ માટે વિનંતી કરશે.
સેલમામાં વીજળી ન હોવાથી સ્થાનિક કાઉન્સિલને મોબાઈલ ટોર્ચલાઈટ દ્વારા શેરીમાં સભા કરવી પડી હતી. સેલમામાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. સેલમાની 30 ટકા વસ્તી ગરીબી રેખા નીચે આવે છે.
ચાલતા વાહન પર ઝાડ પડતાં બાળકનું મોત
જ્યોર્જિયા કાઉન્ટીમાં ચાલતા વાહન પર ઝાડ પડતાં 5 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે. કાર ચલાવી રહેલા બાળકના માતા-પિતાને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યોર્જિયાના ગવર્નર બ્રાયન કેમ્પે જણાવ્યું કે એક બચાવકર્મીએ પણ જીવ ગુમાવ્યો. જ્યોર્જિયાના સ્પાલ્ડિંગ કાઉન્ટીમાં 2 ટોર્નેડો આવ્યા. જેમાં 100થી વધુ મકાનોને નુકસાન થયું હતું.
ટોર્નેડોએ 28 કાઉન્ટીઓને અસર કરી છે
અમેરિકાની નેશનલ વેધર સર્વિસે જણાવ્યું કે ટોર્નેડોએ જ્યોર્જિયા અને અલબામાના 14-14 કાઉન્ટીમાં નુકસાન કર્યું છે. 30 હજારથી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. રાત્રે તાપમાન માઈનસ થઈ ગયું હતું. લા નીના વેધર સાયકલના કારણે ટોર્નેડો આવ્યું.
નોર્થ ઇલિનોઇસ યુનિવર્સિટીના હવામાનશાસ્ત્રના પ્રોફેસર વિક્ટર ગેન્સિનીએ જણાવ્યું હતું કે લા નીના વેધર સાઇકલ અને મેક્સિકોના અખાતની ગરમ થવાને કારણે આબોહવા પરિવર્તન થયું છે. સાથે ટોર્નેડોની ગતિ પણ પૂર્વ તરફ શિફ્ટ થઈ. આ ત્રણ ફેક્ટરના કારણે ટોર્નેડો આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.