શ્રીલંકામાં આર્થિક કટોકટીનો અસંતોષ હવે ગૃહયુદ્ધ તરફ દોરી શકે છે. સોમવારે વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ વિપક્ષના દબાણમાં રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામાથી નારાજ સમર્થકોએ રાજધાની કોલંબોમાં હિંસક ઘટનાઓને અંજામ આપ્યો હતો. ત્યાર પછી તેમના વિરોધીઓ પણ ગુસ્સે થયા હતા. આ હિંસામાં અત્યારસુધી 8 લોકોનાં મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. કોલંબો નેશનલ હોસ્પિટલે જણાવ્યું કે અત્યારે સારવાર માટે 217 લોકો અહીં દાખલ છે.
શ્રીલંકાના PMએ નેવલ બેઝમાં શરણ લીધી
મીડિયા રિપોર્ટ્સના આધારે પૂર્વ PM મહિંદા રાજપક્ષે અને તેમના પરિવારે પૂર્વી શ્રીલંકાના ત્રિનકોમાલી નેવલ બેઝમાં શરણ લીધી છે. તેમને એક હેલિકોપ્ટર દ્વારા બેઝ સુધી લઈ જવાયા હતા. વળી આ વાતની જાણકારી મળતા જ પ્રદર્શનકારીઓની ભીડ બેઝની બહાર ઉમટી પડી હતી.
પ્રદર્શનકારીએ નેતાને ગાડી સાથે નાળામાં ફેંક્યા
જ્યારે રાજપક્ષેના સમર્થકોએ કોલંબો છોડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે વિવિધ સ્થળોએ તેમનાં વાહનોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. બીજી બાજુ, વિરોધીઓએ હંબનટોટામાં મહિન્દા રાજપક્ષેના પૈતૃક ઘરને આગ લગાવી દીધી હતી. એ જ સમયે રાજધાની કોલંબોમાં પૂર્વ મંત્રી જોનસન ફર્નાન્ડોને કાર સહિત તળાવમાં ફેંકી દેવામાં આવ્યા હતા.
અત્યારસુધીમાં 12થી વધુ મંત્રીઓનાં ઘર સળગાવી દેવામાં આવ્યાં છે. શ્રીલંકામાં ફસાયેલા ભારતીયો માટે હેલ્પલાઇન નંબર +94-773727832 અને ઇમેઇલ ID cons.colombo@mea.gov.in જાહેર કરવામાં આવ્યો છે.
શ્રીલંકા કટોકટી અંગે મોટું અપડેટ
વડાપ્રધાનના આવાસની અંદર ફાયરિંગ
ન્યૂઝ એજન્સી AFP અનુસાર, સોમવારે હજારો પ્રદર્શનકારીઓએ PMના સત્તાવાર નિવાસસ્થાન 'ટેમ્પલ ટ્રી'નો મુખ્ય દરવાજો તોડી નાખ્યો અને અહીં ઊભેલી એક ટ્રકને આગ ચાંપી દીધી હતી. ત્યાર પછી નિવાસસ્થાનની અંદર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આંદોલનકારી ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા અને હવામાં ગોળીબાર કર્યો હતો.
શ્રીલંકાની 1996 વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન અર્જુન રણતુંગાએ પીએમના નિવાસસ્થાને થયેલી હિંસા માટે શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP) પાર્ટીને જવાબદાર ઠેરવી છે. રણતુંગાએ કહ્યું હતું કે તે SLPP હતી, જેણે લોકોનાં હિંસક ટોળાંને ભેગાં કર્યા હતા.
શ્રીલંકાના સાંસદ અમરકીર્તિ અથુકોર્લાનું નિધન
શ્રીલંકાના સાંસદ અમરકીર્તિ અથુકોર્લાનું નિધનના સમાચાર પણ આગલા દિવસે સામે આવ્યા હતા. રિપોર્ટ્સ પ્રમાણે, અમરકીર્તિએ વિરોધીઓ પર ગોળીબાર કર્યો અને પછી ભીડથી બચવા માટે બિલ્ડિંગમાં છુપાઈ ગયો હતો. જોકે અહીંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે તેમનું મોત ક્યા કારણે થયું એ હજુ સ્પષ્ટ થયું નથી.
1 મહિનામાં 2 વાર ઈમર્જન્સી લાદી
ખરાબ આર્થિક સ્થિતિના કારણે સામાન્ય જનતાએ શુક્રવારે નેશનલ એસેમ્બ્લીમાં હિંસક પ્રદર્શન કર્યા હતા. ત્યાર પછી રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ ફરીથી ઈમર્જન્સી લાદવાની જાહેરાત કરી હતી. શ્રીલંકામાં એક મહિનામાં 2 વાર આવી સ્થિતિ સર્જાઈ હતી. અગાઉ 1 એપ્રિલે પણ ઈમર્જન્સી લાદી દેવાઈ હતી, જેને 6 એપ્રિલે હટાવી દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.