દુષ્કાળની લપેટમાં અમેરિકા:હોલિવૂડ સ્ટાર્સ પાણીનો વ્યય કરે છે, દંડ કરવા છતાં સુધરતા નથી, પાણીનું કનેક્શન કપાઇ શકે છે

ન્યુયોર્કએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિમ કર્ડાશિયને ચોક્કસ મર્યાદા કરતાં 10.45 લાખ લિટરથી વધુ પાણીનો વપરાશ કર્યો

અમેરિકા અને યુરોપ દુષ્કાળની લપેટમાં છે. 128 વર્ષમાં ચોથા સૌથી મોટા દુષ્કાળને કારણે પાણી માટે હાહાકાર મચી ગયો છે. આ સ્થિતિ વચ્ચે પણ હોલિવૂડ સ્ટાર્સ કિમ કર્ડાશિયન, ડ્વેન વેડ, સિલ્વેસ્ટર સ્ટેલોન, કેવિન હાર્ટ સતત પાણીનો વ્યય કરી રહ્યાં છે. લોસ એન્જલસ કોર્પોરેશને દંડ ફટાકાર્યો છે તેમજ નોટિસ પણ જારી કરી છે.

કિમ કાર્દશિયને નિર્ધારિત મર્યાદાથી 10.45 લાખ લિટરથી વધુ પાણીનો ઉપયોગ કર્યો છે. કર્ટની કર્ડાશિયનના 1.86 એકરના બંગલામાં 4.54 લાખ લિટરથી વધુ પાણીનો વપરાશ થયો છે. કિમ અને કર્ટનીને નોટિસ ફટકારાઇ છે. તેઓએ મસમોટા દંડની રકમ ચૂકવી પરંતુ પાણીનો વ્યય યથાવત્ છે. હવે વહીવટીતંત્ર તેઓનું પાણીનું કનેક્શન કાપવાનું વિચારી રહી છે. દુષ્કાળને કારણે વહીવટીતંત્રે ઘરોના કદના હિસાબે પાણીની મર્યાદા નક્કી કરી, પરંતુ કિમ કર્ડાશિયન, ડ્વેન વેડ, સિલ્વસ્ટર સ્ટેલોન, કેવિન હાર્ટ સહિત ફિલ્મી જગતના કલાકારોએ નિર્ધારિત મર્યાદાથી 1000-1500% સુધી વધુ પાણીનો વપરાશ કર્યો છે.

લોસ વિરજેન્સ મ્યુનિસિપલ વોટર ડિસ્ટ્રિક્ટના પ્રવક્તા માઇક મેકનટ અનુસાર મશહૂર લોકો લાખો ગેલન પાણીનો વેડફાટ બંધ કરી દે તો પાણીની અછતથી રાહત મળશે, પરંતુ તેઓ જવાબદારી સમજી નથી રહ્યા.

અત્યારે, કિમ કર્ડાશિયન અને અભિનેતા સિલ્વેસ્ટર સ્ટેલોનને ચેતવણી અપાઇ છે. તેઓનાં ઘરોમાં વોટર રેગ્યુલેશન ઉપકરણ પણ ઇન્સ્ટોલ કરાયું છે. જો તે પછી પણ વ્યય નહીં અટકે તો કનેક્શન કાપી નખાશે. મેકનટ અનુસાર આ માત્ર દુષ્કાળ નથી પરંતુ ક્લાઇમેટ ચેન્જની તસવીર છે. પાણી આયાત કરવાની નોબત આવી છે. રાજ્યમાં 5 સ્થળે આગ ફાટી નીકળી છે. દરેક આગ બુઝાવવા માટે સરેરાશ 45 લાખ લીટર પાણીનો વપરાશ થાય છે.

લોસ એન્જલસ છેલ્લાં 23 વર્ષથી દુષ્કાળનો સામનો કરી રહ્યું છે
લોસ એન્જલસ સતત 23 વર્ષથી દુષ્કાળનો માર સહન કરી રહ્યું છે. આ વર્ષે જૂનમાં સ્ટેજ-3ના પ્રતિબંધ લાગુ કરાયા હતા. પાણીનો 50% ઓછો વપરાશ કરવાનો નિર્ણય લેવાયો. બગીચામાં સપ્તાહમાં 1 વાર માત્ર 8 મિનિટ સુધી પાણી વાપરી શકાય છે. કોર્પોરેશને નોટિસમાં લખ્યું કે શહેરીજનો પાસે અપેક્ષા છે કે તેઓ પાણીનો ઓછો ઉપયોગ કરીને જળ સંરક્ષણ કરશે.

અન્ય સમાચારો પણ છે...