પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહીમ જિલ્લાના ભોંગ શરીફમાં હુમલાખોરોએ હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો અને તોડફોડ કરી હતી. સુપ્રીમ કોર્ટની સખ્તાઈ બાદ પોલીસે 50 તોફાનીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા છે. પરંતુ અહીં રહેતા હિન્દુઓ હજુ પણ ભયભીત છે. જો કે, મંદિરની મરામતની કામગીરી પણ ઝડપી ગતિએ ચાલી રહી છે. લગભગ 90% કાર્ય પૂર્ણ થયા પછી તેને હિન્દુ સમાજને સોંપવામાં આવ્યું છે.
હિન્દુઓની દુકાનો પર તાળા લટકી રહ્યા
મંદિર અને આ વિસ્તારમાં પોલીસ અને રેન્જર્સની ટુકડી તૈનાત કરવામાં આવી છે. આ હોવા છતાં, અહીં હિન્દુઓની દુકાનો પર તાળા લટકી રહ્યા છે. અહીં રહેતા ઘણા હિન્દુ પરિવારો સિંધ અને પંજાબમાં રહેતા સંબંધીઓના ઘરે જઈ રહ્યા છે. તેમનામાં એટલો ડર છે કે આ મુદ્દે કોઈ વાત કરવા તૈયાર નથી. આ બધાની વચ્ચે સ્થાનિક શ્રીનાથ પણ પરિવાર સાથે લરકાણામાં રહેતા નજીકના સંબંધીના ઘરે પણ જઈ રહ્યો છે.
તેઓ કહે છે, 'અહીં લોકોના દિલમાં હજુ પણ ભય છે. કેટલાક તોફાની લોકોએ માહોલ બગાડી દીધો છે. જ્યારે પરિસ્થિતિ સામાન્ય થશે ત્યારે અમે પાછા આવીશું.' અહીં રહેતા એક હિન્દુ પરિવારે નામ ન આપવાની શરતે કહ્યું કે અમે સમયસર પોલીસને જાણ કરી હતી. જો તેઓ આવ્યા હોત તો ઉપદ્રવીઓને રોકી શકાયા હોત. ભોંગ શરીફ મંદિરના સંરક્ષક દરગાહ દાસ કહે છે કે મંદિરમાં ફરી પૂજા શરૂ થઈ છે. લોકો આરતીમાં ભાગ લઈ રહ્યા છે. મંદિરના નિર્માણમાં સ્થાનિક લોકોએ મદદ કરી હતી. સરકારને વિનંતી છે કે મંદિરની સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવે.
બાળકની ભૂલને કારણે મંદિર તોડી નાખવામાં આવ્યું
કટ્ટરવાદીઓએ આઠ વર્ષનું બાળક ભાવેશ કુમાર પર નિંદા કરવાનો આરોપ લગાવીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપ છે કે ભાવેશે જાણી જોઈને મદરેસા લાઈબ્રેરીના કાર્પેટ પર પેશાબ કર્યો હતો. ત્યારબાદ બાળકને પોલીસને સોંપવામાં આવ્યું હતું. પણ તે નાની વયનો હોવાથી પોલીસે તેને છોડી દીધો હતો.
બાળકના માતા-પિતાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, મદરેસામાં પ્રવેશ્યા બાદ બાળકે ડરથી પેશાબ કર્યો હતો. બીજી બાજુ, હિન્દુ અને મુસ્લિમ સમુદાયની સમરસતા સમિતિની રચના કરવામાં આવી છે, જે વિસ્તારના લોકોના ધાર્મિક વિવાદોનું નિરાકરણ કરશે. મંદિર પર હુમલાના ફૂટેજ વાયરલ થયા બાદ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ગુલઝાર અહેમદે આ બાબતને ધ્યાનમાં લીધી હતી.
પીપીપીના સાંસદે કહ્યું- સરકારે ધાર્મિક સ્થળોને 24 કલાક સુરક્ષા આપવી જોઈએ
વિરોધ પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) અને સંસદમાં હિન્દુ સમુદાયના પ્રતિનિધિ રોમેશ લાલે ભાસ્કરને જણાવ્યું હતું કે આ ઘટનાથી લઘુમતી હિન્દુઓમાં ગભરાટ ફેલાયો છે. આવી ઘટનાઓને રોકવા માટે કડક કાયદાની જરૂર છે. જ્યાં સુધી ઉગ્રવાદી વિચારધારા નાબૂદ ન થાય ત્યાં સુધી આવી ઘટનાઓ બંધ નહીં થાય. સરકારે ધાર્મિક સ્થળોને 24 કલાક સુરક્ષા આપવી જોઈએ.
આ સાથે જ શાસક પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના સાંસદ જય પ્રકાશનું કહેવું છે કે સમગ્ર વિશ્વમાં ઉગ્રવાદ વધ્યો છે. આવી ઘટના પાકિસ્તાનને બદનામ કરવાનું ષડયંત્ર છે. સરકાર હિન્દુ સમુદાયને એકલો છોડી શકે નહીં.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.