કેનેડામાં હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સનું ઉદ્દઘાટન:હિન્દુ સમુદાયે કેનેડિયન બિઝનેસ લેન્ડસ્કેપમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે: જસ્ટીન ટ્રુડો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નરેશ ચાવડા - Divya Bhaskar
કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નરેશ ચાવડા
  • પદ્મભૂષણ સન્માનિત પ્રોફેસર વેદ નંદાની મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ

કેનેડામાં હિન્દુઓની પ્રગતિ, સંગઠન ભાવનાના હેતુથી કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના કરવામાં આવી છે. મકરસંક્રાંતિના શુભ દિવસે, કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ (CHCC)ના શાનદાર ઉદ્દઘાટન સમારોહના સાક્ષી બનવા માટે 250 થી વધુ વ્યક્તિઓ ઓનલાઇન જોડાયા હતા. કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ કેનેડામાં પ્રથમ સંસ્થા છે જે હિન્દુ બિઝનેસ એન્ટરપ્રાઈઝ, યુવા વ્યાવસાયિકો અને અન્ય વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરવા માટે સમર્પિત છે જે તેમના પોતપોતાના ક્ષેત્રોમાં ટોચ પર છે. ક્યારેય એકીકૃત પ્રતિનિધિત્વ ન હોવા છતાં હિન્દુઓ લાંબા સમયથી કેનેડિયન અર્થતંત્રની કરોડરજ્જુ રહ્યા છે. CHCC હિન્દુ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા અને તેમને એક થવામાં મદદ કરશે.

કેનેડાના હિન્દુઓ દેશની કરોડરજ્જુ છે : નરેશકુમાર ચાવડા
કેનેડિયન હિંદુ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નરેશકુમાર ચાવડા ટોરોન્ટો, ઓન્ટારિયોમાં વરિષ્ઠ ઇમિગ્રેશન કાયદા વિશેષજ્ઞ છે. તેમણે ઉદ્દઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે સંસ્થા કેનેડામાં હિન્દુ વેપારીઓ માટે અભિવ્યક્તિ, પ્રતિનિધિત્વ અને સુધારણા કરવા તત્પર છે. નરેશકુમાર ચાવડાએ વધુમાં કહ્યું કે, કેનેડિયન હિન્દુઓએ કેનેડાના વિકાસ માટે દરેક ક્ષેત્રે યોગદાન આપ્યું છે. પછી એ મેડીકલનું ક્ષેત્ર હોય, કૃષિનું ક્ષેત્ર હોય. કેનેડાની બેન્કોમાં પણ ક્યાંક ને ક્યાંક હિન્દુ જોવા મળશે. કેનેડાના દરેક નાના-મોટા બિઝનેસમાં હિન્દુઓ છે. કેનેડિયન હિન્દુઓ એ દેશની કરોડરજ્જુ છે. તેમણે કહ્યું કે, બધી રીતે સક્ષમ હિન્દુઓમાં એક જ વાતનો અભાવ હતો કે હિન્દુઓનું સંગઠન નહોતું. કેનેડામાં વર્ષોથી હિન્દુ પરિવારો રહે છે. કેટલાક પરિવારોની તો ચોથી પેઢી અહીં હશે પણ હવે આ તમામ હિન્દુઓ એક છત્ર નીચે આવ્યા છે. મને ખાતરી છે કે કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સના નેજામાં સાથે મળીને કામ કરતા રહીશું. CHCCના પ્રમુખ નરેશકુમાર ચાવડાએ આ પ્રસંગે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો આભાર માન્યો હતો. કારણ કે, સંસ્થાનું સ્લોગન અંગ્રેજીમાં હતું તેનું સ્પષ્ટ સંસ્કૃત ભાષાંતર કરી આપ્યું હતું.

વડાપ્રધાન ટ્રુડોનો સંદેશ
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમના અભિનંદન સંદેશમાં લખ્યું છે કે, હિન્દુ સમુદાયે કેનેડિયન બિઝનેસ લેન્ડસ્કેપમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને મને ખાતરી છે કે ચેમ્બર ઓફ કોમર્સ પ્રતિનિધિત્વ, વિકાસ અને સુધારણા માટે અનિવાર્ય મંચ બનશે. કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સનો આ ઉદ્દઘાટન પ્રસંગ ચોક્કસપણે યાદગાર અનુભવ બની રહેશે.

અતિથિઓની શુભેચ્છા
મુખ્યઅતિથિ તરીકે જાણીતા યુએસએના કાયદાકીય અને શૈક્ષણિક નિષ્ણાત પદ્મભૂષણ સન્માનિત પ્રોફેસર વેદ નંદા હતા. વેદ નંદાજીએ કહ્યું કે ચેમ્બર હિન્દુ મૂલ્યો અને કેનેડામાં હિન્દુ વેપારી સમુદાયને જાળવવા, પ્રોત્સાહન આપવા અને તેનું રક્ષણ કરવામાં મદદ કરશે. જ્યારે અન્ય વિશેષ અતિથિઓમાં એમપી ચંદ્રા આર્ય, એમપી મેલિસા લેન્ટ્સમેન, એમપીપી દીપક આનંદ, મંત્રી નીના ટંગરી, કાઉન્સિલર દીપિકા દીમેર્લા, ટોરોન્ટોના સીજીઆઈ અપૂર્વ શ્રીવાસ્તવ અને જેફરી આર્મસ્ટ્રોંગનો સમાવેશ થાય છે. પ્રીમિયર ડગ ફોર્ડ, કેનેડિયન વિપક્ષી નેતા એરિન ઓ'ટૂલ તરફથી વિશેષ વિડિયો શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ હતી. ભારતીય રાજદૂત અજય બિસરિયા, બ્રેમ્પટન ટ્રેડ બોર્ડના સભ્ય કંવર ધાંજલ અને ફેડરેશન ઓફ કેનેડા નેપાળ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિજય પૌડેલ. આધ્યાત્મિક વડાઓ ડૉ. એચ.આર. નાગેન્દ્રજી, શ્રીશ્રી રવિશંકરજી, સ્વામી ભારત ભૂષણ, ઓપી તિવારીજી અને સાધ્વી ભગવતી સરસ્વતીજી તરફથી વિશેષ અભિનંદન વીડિયો સંદેશાઓ પણ પ્રાપ્ત થયા હતા.

પદ્મભૂષણ સન્માનિત પ્રોફેસર વેદ નંદા
પદ્મભૂષણ સન્માનિત પ્રોફેસર વેદ નંદા
ભારતીય રાજદૂત અજય બિસરિયા
ભારતીય રાજદૂત અજય બિસરિયા

કાર્યક્રમનું આયોજન CHCC ના પ્રમુખ - નરેશકુમાર ચાવડા, ઉપપ્રમુખ અને કાર્યકારી મહાસચિવ - કુશાગ્ર દત્ત શર્મા, ડાયરેક્ટર - કિશોર મહેશ્વરી, મહર્ષિ જાની, રાજ પંડ્યા, કવિતા મેનન દ્વારા CHCC બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, એડવાઈઝરી બોર્ડના સમર્થનથી કરવામાં આવ્યું હતું. કેનેડિયન હિન્દુ સમુદાય આ ઇવેન્ટ માટે ખૂબ જ ઉત્સાહિત હતો અને સંસ્થાના ભાવિ વિકાસ માટે ખૂબ જ ઉત્સાહિત છે. સંસ્થા પાસે પહેલેથી જ 3જી પેઢીના કેનેડિયનોથી લઈને ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, ગુયાના, ત્રિનિદાદ, દક્ષિણ આફ્રિકા, ફિજીના રહેવાસીઓ જોડાયેલા છે.

અતિથિઓ ઉદ્દઘાટનમાં ઓનલાઈન જોડાયા હતા
અતિથિઓ ઉદ્દઘાટનમાં ઓનલાઈન જોડાયા હતા

સ્થાપનાનો હેતુ
કેનેડામાં હિન્દુ સમુદાયને એકબીજાનો સહકાર મળી રહે, વ્યાપાર વધે તેવા હેતુથી કેનેડામાં કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના કરવામાં આવી છે. આ ચેમ્બરનો ઓનલાઈન ઉદ્દઘાટન સમારોહ તા. 14 જાન્યુઆરીએ સાંજે 6થી 8 દરમિયાન યોજાશે. કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ (CHCC) એ કેનેડામાં પ્રથમ ચેમ્બર ઓફ કોમર્સ છે જે કેનેડિયન હિન્દુઓના એકીકરણ અને તેમના આર્થિક હિતોને સમર્પિત છે. અસરકારક સંગઠન કે પ્રતિનિધિત્વ ન હોવા છતાં હિન્દુઓ લાંબા સમયથી કેનેડિયન અર્થતંત્રની કરોડરજ્જુ રહ્યા છે. કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ કેનેડામાં હિન્દુ વેપારી સમુદાય માટે અભિવ્યક્તિ, પ્રતિનિધિત્વ અને સુધારણા કરવા તત્પર સમર્પિત સંસ્થા છે. આ સંસ્થા હિન્દુ-કેનેડિયનોની વ્યવસાય ક્ષમતાને મજબૂત કરવા કાર્યરત રહેશે. સાથેસાથે કેનેડામાં હિન્દુ સમુદાયનો સહકાર વધારવો, સામાજિક-આર્થિક અને રાજકીય પરિપ્રેક્ષ્યમાં હિન્દુ સમુદાયનો હિસ્સો વધારવો એ આ સંસ્થા સ્થાપવાનો ઉદ્દેશ છે.

હિન્દુ મૂલ્યોનું રક્ષણ, જાળવણી અને પ્રોત્સાહન
ચેમ્બર દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમો યોજાશે જે કેનેડામાં હિન્દુ સમુદાયમાં રોજગારની તક વધારશે. ટ્રેડ શો, સેમિનાર, મેળા, વાર્ષિક ઉત્સવ, પેનલ ચર્ચાઓ, બિઝનેસ ટૂર ઉપરાંત અનેકવિધ કાર્યક્રમ પણ થશે. હિન્દુ વેપારી સમુદાય માટે અવારનવાર સામયિકનું વિતરણ અને પ્રકાશન કરાશે. સાથેસાથે સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃતિઓનું આયોજન કરાશે અને સંસ્થાના સભ્યો માટે સામાન્ય રુચિ હોય તેવા અન્ય કાર્યક્રમો પણ યોજાશે. હિન્દુ-કેનેડિયનોના યોગદાન અને સિદ્ધિઓને ઓળખવા માટે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...