પાકિસ્તાનમાં ચાલી રહેલ રાજકીય ઘમાસાણ વચ્ચે શનિવારે પુર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની હત્યાની અફવાથી વાતાવરણનાં ગરમાવો આવી ગયો છે. આ સમાચાર ફેલાતાની સાથે જ ઈસ્લામાબાદ પોલીસ વિભાગ હાઈ એલર્ટ પર આવી ગયો છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે ઈસ્લામાબાદમાં કલમ 144 પહેલાથી જ લાગુ કરવામાં આવી છે અને જાહેર સભાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઈસ્લામાબાદમાં આવેલ ઈમરાલ ખાનનનું આલીશાન ઘર બની ગાલાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે સુરક્ષા દળો બાની ગાલા ખાતે વિશેષ સુરક્ષા તહેનાત કરવામાં આવી છે. જો કે, અત્યારે અહીં કોણ હાજર છે, આ અંગે પોલીસને જાણ કરવામાં આવી નથી. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ મુજબ આ વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
ઈમરાન ખાનને કશું પણ થશે, તો તેને પાકિસ્તાન પર હુમલો માનવામાં આવશે
ઈસ્લામાબાદ પોલીસનું કહેવું છે કે તેઓ ઈમરાન ખાનને સંપુર્ણ સુરક્ષા ઉપલબ્ધ કરાવશે અને તેમની ટીમ પાસેથી પણ મદદ માટેની આશા રાખીએ છીએ. બીજી તરફ ઈમરાન ખાનના ભત્રીજા હસન નિયાઝીનું કહેવું છે કે પૂર્વ વડાપ્રધાનને કંઈપણ થશે તો તેને પાકિસ્તાન પર હુમલો માનવામાં આવશે. અમે તેનો આક્રમક રીતે જવાબ આપીશું કે તેમની પાછળ છે તે લોકોને પણ પસ્તાવો થશે.
ઈમરાન અને તેના મંત્રીઓએ પણ હત્યાની શક્યતા વ્યક્ત કરી છે
ઈમરાન સરકારમાં મંત્રી રહી ચૂકેલા ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે ખાન રવિવારે ઈસ્લામાબાદ આવી રહ્યા છે. ચૌધરીએ એપ્રિલમાં પણ કહ્યું હતું કે દેશની સુરક્ષા એજન્સીએ ઈમરાન ખાનની હત્યાના કાવતરા વિશે જણાવ્યું હતું. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નેતા ફૈઝલ વાવડાએ પણ આવો જ દાવો કર્યો હતો કે "દેશને વેચવાનો" ઇનકાર કરવા બદલ પાકિસ્તાનનાં પીએમની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
થોડા દિવસો પહેલા ઈમરાન ખાને પોતાની હત્યા થવાની આશંકા વ્યક્ત કરી હતી. ખાને કહ્યું હતુ કે મારા જીવને જોખમ છે. પાકિસ્તાનની અંદર અને બહાર કેટલાક લોકો છે જે મારી હત્યા કરવા માંગે છે. હું એ બધા લોકોને ઓળખું છું. મેં એક વીડિયો રેકોર્ડ કર્યો અને તેને સુરક્ષિત જગ્યાએ મૂક્યો છે. જો મને મારી નાખવામાં આવે તો આ વીડિયો આ તમામ લોકોના નામ જાહેર કરશે.
જીવને જોખમ હોવાનું પહેલેથી જ જણાવ્યું છે
ઈમરાન ખાને ભૂતકાળમાં ઘણી વખત કહ્યું છે કે તેમના જીવને ખતરો છે. સત્તામાંથી હાંકી કાઢવા પહેલા તેમણે કહ્યું હતું કે તેમની પાસે તેમના જીવને જોખમ હોવાના મજબૂત પુરાવા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.