• Gujarati News
  • International
  • Gwadar: China Crop. The Fishermen Are Being Deprived Of Their Livelihood, The City Has Been Jammed For Six Days

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ગ્વાદર: ચીન પાક. માછીમારોની રોજીરોટી છીનવી રહ્યું છે, છ દિવસથી શહેર જામ

ઈસ્લામાબાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેખાવકારોએ વ્યવસાયિક ગતિવિધિ અને રસ્તા રોક્યા

પાકિસ્તાનના બલુચિસ્તાન સ્થિત તટીય શહેર ગ્વાદરમાં હજારો દેખાવકારોએ સોમવારે છઠ્ઠા દિવસે પણ મુખ્ય વ્યવસાયિક માર્ગો બ્લોક કરી રાખ્યા છે. તેના વિરોધમાં સામેલ મોટા ભાગના સ્થાનિક માછીમારો છે, જે અહીં ચીનની દખલગીરીના શિકાર છે. તેમનું કહેવું છે કે ચીનનાં મોટાં મોટાં જહાજો અહીંથી મોટા ભાગની માછલીઓ કાઢી લે છે. તેના કારણે અમારી રોજીરોટી છીનવાઈ ગઈ છે.

ગ્વાદરમાં ચીનના પ્રોજેક્ટના કારણે અનેક ચેકપોસ્ટ બનાવાઈ છે. અહીં સ્થાનિકોને રોકીને ઓળખપત્ર મંગાય છે. આ દેખાવોનું નેતૃત્વ કરી રહેલા જમાત-એ-ઈસ્લામીના મહાસચિવ મૌલાના હિદાયત ઉર રહેમાન બલોચે ભાસ્કરને કહ્યું કે આ આંદોલન સત્તાના અન્યાય વિરુદ્ધ છે.

અમે સરકારના જવાબની ઘણો સમય રાહ જોઈ, પરંતુ અમારી કોઈ વાત ના સાંભળી. માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે નહીં હટીએ. ચેકપોસ્ટના કારણે સ્થાનિકોને પોતાની જમીન પર આવવા-જવામાં મુશ્કેલી પડી રહી છે. તપાસના નામે અમારી મહિલાઓ સાથે થતું અપમાન અમે સહન નહીં કરીએ.

અમે વિદેશી મહેમાનો માટે વિદેશી પ્રોટોકોલનું સન્માન કરીએ છીએ, પરંતુ અમે એ નિયમો વિરુદ્ધ છીએ, જેમાં અમારા યુવાનોને રમતગમત માટે મેદાનોમાં પણ જવા નથી દેવાતા. અમારા જળક્ષેત્રમાં આવીને ચીને અમારી કરોડરજ્જુ તોડી નાંખી છે.

સમુદ્રમાં ચીનના ટ્રોલરોની હાજરી નરસંહાર સમાન છે. ગ્વાદરની 90% વસતી માછીમારીના વેપારમાં છે. આંદોલનકારીઓનું કહેવું છે કે ચીનના ટ્રોલરો ફક્ત માછલી નથી પકડતા, પરંતુ માછલીની પ્રજનન પ્રજાતિઓને પણ ખતમ કરે છે. જમાત-એ-ઈસ્લામીના બીજા એક નેતા અમીરુલ અજીમ કહે છે કે અમે 28 નવેમ્બર પછી ઈસ્લામાબાદમાં ધરણાં શરૂ કરીશું.

જો સરકાર અમારી માંગ નહીં સ્વીકારે તો પરિણામ ભોગવવા પડશે. ગ્વાદર બંદર પ્રોજેક્ટને ચીન સીપીઈસીના તાજ તરીકે રજૂ કરે છે, પરંતુ ચીનના શ્રમિકોની હાજરીથી આ વિસ્તાર સૈન્ય છાવણીમાં બદલાઈ ગયો છે. તે અરબી સમુદ્ર પર બલુચિસ્તાનમાં પાકિસ્તાનના દક્ષિણ ગ્વાદર બંદરને ચીનના પશ્ચિમી શિનજિયાંગ ક્ષેત્રને જોડશે.

તેમાં ચીન અને મધ્ય પૂર્વ વચ્ચે સંપર્ક સુધારવા રસ્તા, રેલ અને તેલ પાઈપલાઈન બનાવવાની યોજના છે. જોકે, આ પ્રોજેક્ટ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. સરકારનો દાવો છે કે આ પ્રોજેક્ટ પૂરો થયા પછી અહીં રોજગારી વધશે. તેનાથી અહીંની 2.65 લાખ વસતીનું જીવનસ્તર સુધરશે.

કબાઈલી નેતા સહિત 6ની ગોળી મારી હત્યા
બલુચિસ્તાનમાં અજ્ઞાત બંદૂકધારીઓએ જુદી જુદી ઘટનાઓમાં કબાઈલી નેતા સહિત છની હત્યાકરી છે. વલી ખાન બાઈપાસમાં બંદૂકધારીઓએ ફાયરિંગ કરીને કારમાં સવાર કબાઈલી નેતા અને તેમના બે સાથીદારોની હત્યા કરી. બીજી તરફ, હરનાઈ જિલ્લામાં ત્રણ શ્રમિકોની ગોળી મારી હત્યા કરાઈ. નોંધનીય છે કે બલુચિસ્તાનમાં આતંકી સંગઠન તહેરિક-એ-તાલિબાન- પાકિસ્તાન આવી ઘટનાઓને અંજામ આપતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...