• Gujarati News
  • International
  • Growing Population, Environmental Hazards, Women Are Deciding Not To Have Children, Argues We Can Get Maternal Happiness Even By Adopting A Child

ભાસ્કર ઓરિજિનલ:વધતી વસતી, પર્યાવરણનાં જોખમોને પગલે મહિલાઓ બાળક પેદા ન કરવાનો નિર્ણય લઇ રહી છે, તર્ક આપે છે- બાળક દત્તક લઇને પણ માતૃત્વનું સુખ મેળવી શકીએ છીએ

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકને જન્મ ન આપવાનું નક્કી કર્યું હોય તેવી મહિલાઓની સંખ્યા વિશ્વમાં ઝડપથી વધી રહી છે

‘અમે જીવનસાથી અને સંતાન વિના પણ પરિપૂર્ણ છીએ. મને લોકો એવું દબાણ કરે તે ગમતું જ નથી કે બાળકને જન્મ આપ્યા વિના એક સ્ત્રી તરીકે તમે અધૂરી છો. જરૂરી નથી કે તમારી કૂખે બાળક જન્મે તો જ તમે મા બની શકો. કોઇ ફ્રેન્ડનું કે અનાથ બાળક દત્તક લઇને પણ મા બની શકાય છે.’

આ શબ્દો છે હૉલિવૂડની સૌથી વધુ ફી મેળવતી એક્ટ્રેસ જેનિફર એનિસ્ટનના. તેની આ વાતને આશ્ચર્ય સાથે ન લેવી જોઇએ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં એવી મહિલાઓની સંખ્યા વધી છે કે જેમણે બાળક પેદા ન કરવાનું નક્કી કર્યું હોય. તેઓ આ પરિવર્તનને ‘ચાઇલ્ડલેસ’ નહીં પણ ‘ચાઇલ્ડ ફ્રી’ તરીકે જુએ છે.

કોન્ડોલીઝા રાઇસ જેવી રાજકારણી હોય કે ઓપ્રાહ વિન્ફ્રે કે જેનિફર એનિસ્ટન જેવી મોટી હસ્તીઓએ બાળક પેદા નહીં કરવાનું ઠીક સમજ્યું છે. ઓપ્રાહે કહેલું કે, ‘મારાં બાળકો હોત તો મને નફરત કરતાં હોત. તેઓ મારા વિશે મારા શોમાં જોતા હોત તેટલી જ વાત કરત, મારાથી તેઓ નિરાશ થાત. તેથી મેં આ આકરો નિર્ણય લીધો.’ મેન્ટલ હેલ્થ એક્સપર્ટ પેટ્રિશિયા રેફર્ટી જણાવે છે કે બાળક પેદા કરવું આજીવન કટિબદ્ધતા છે, જેથી તેમાં ગંભીરતા જરૂરી છે પણ તમે બાળક પેદા ન કરો તો સમાજ તમને સ્વાર્થી માને છે.

ઊલટાનું આજનો માહોલ જોતાં આ તો બહુ મોટો ત્યાગ છે. દુનિયા વધુ વસતીના ખરાબ પરિણામ ભોગવી રહી છે. આયર્લેન્ડની ત્રીજી સર્વશ્રેષ્ઠ સિંગર કાઉન્ટેસ ક્રિસ્ટીન સ્વીટમેન જણાવે છે કે તે 9 ભાઇ-બહેનના મોટા આઇરિશ પરિવારમાંથી આવે છે. એવી ધારણા છે કે બાળકો સ્થિર સંબંધોની ઓળખ છે પરંતુ મા ન બનવાના નિર્ણયે તેને સંબંધોથી માંડીને કરિયરમાં પણ સ્થિરતા આપી છે.

સાયન્ટિફિક રિપોર્ટ્સમાં પ્રકાશિત સ્ટડી મુજબ જો જંગલોના છેદન અને વૈશ્વિક સંસાધનોની ખપત હાલના દરે જારી રહી તો 20થી 40 વર્ષમાં દુનિયાએ ‘સભ્યતાના અપરિવર્તનીય પતન’નો સામનો કરવો પડશે. વસતીવૃદ્ધિ જારી હોવાથી પૃથ્વીનાં સંસાધનો પર વિનાશકારી જોખમ સર્જાઇ રહ્યું છે.

ઘણા યુવાનો સવાલ કરી રહ્યા છે કે તેમનું ભવિષ્ય શું હશે? આ સ્થિતિમાં પણ આપણે વધુ એક વ્યક્તિને દુનિયામાં લાવવા ઇચ્છીએ છીએ? જાણીતી સિંગર માઇલી સાઇરસે આ મુદ્દે કહ્યું હતું કે હું બાળક લાવીશ તો તેણે પાણી અને માછલીઓની વચ્ચે રહેવું પડશે. મારે તેવું કરવું જોઇએ?

સેલિબ્રિટી જ નહીં, સામાન્ય લોકો પણ આ વાતે સહમત થઇ રહ્યા છે
આ ટ્રેન્ડ માત્ર સેલેબ્સમાં જ નથી જોવા મળી રહ્યો. સામાન્ય માણસો પણ આ વિચાર સાથે સહમત થઇ રહ્યા છે. લંડનમાં રહેતી ભારતીય મૂળની સોફ્ટવેર એન્જિનિયર રાધિકા શિવરાજને 26 વર્ષની ઉંમરે બાળક પેદા ન કરવાનો નિર્ણય લીધો છે, જેને તેના પતિનું સમર્થન છે.

સામાજિક દબાણ છતાં તેણે નિર્ણય ન બદલ્યો. તેણે પેટ્રિશિયાને જણાવ્યું કે ઘણા લોકોએ તેને એમ કહ્યું કે ઘડપણમાં કોણ તારું ધ્યાન રાખશે? કેવી રીતે જીવીશ? રાધિકા તેમને કહે છે કે લગ્નને 9 વર્ષ થઇ ચૂક્યાં છે. અત્યાર સુધી અમે એકબીજાનું ધ્યાન રાખતા આવ્યાં છીએ. આગળ પણ આ રીતે જ રાખતા રહીશું.

અન્ય સમાચારો પણ છે...