ભાસ્કર ઈન્ટરવ્યૂ:ખેતીની કુલ જમીનના 10% હિસ્સાને કાચથી ઢાંકવો પડશે, ક્લાઇમેટ ચેન્જ રોકવા હવે સૂર્યને અરીસો દેખાડવો જ ઉપાય

ન્યુયોર્કએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રદૂષણને રોકવું એ ઉપાય નથી, તેનાથી તો ધરતી વધુ ગરમ થઇ રહી છે

કાર્બન ઉત્સર્જનને ઓછું કરવા માટે પહેલા ધરતીના એક હિસ્સાને સૂર્યના પ્રકાશથી ગરમ થતા બચાવવો પડશે અને તેનો સૌથી અને સસ્તો ઉપાય સૂર્યને અરીસો બતાવવો હશે. હાર્વર્ડ યુનિવર્સિટીના મુખ્ય સંશોધક અને મિરર્સ ફોર અર્થ એનર્જી રિડિસ્ટ્રિબ્યુશન સંસ્થા (મિયર્સ) ના સંસ્થાપક ડૉ. યે ટાઓનો આ અભિપ્રાય છે. તેમણે ક્લાઇમેટ ચેન્જને રોકવાના ઉપાયો અંગે ભાસ્કરના રિતેશ શુક્લ સાથે વાત કરી.

  • શું પ્રદૂષણ રોકવું એ ઉપાય નથી?

ભારત, ચીન અને આફ્રિકામાં વાયુ પ્રદૂષણને રોકવામાં આવે તો તેનાથી આ વિસ્તારોમાં ગરમી ખૂબ જ વધી જશે. આવી સ્થિતિમાં માત્ર એક દાયકામાં જ ધરતી પરનું તાપમાન 2 ડિગ્રીની લક્ષ્મણરેખાને પણ પાર કરી જશે. કેટલાક વિજ્ઞાનીઓ તો આ રેખા પાર થઇ ચૂકી હોવાનું માને છે. અર્થાત્ પ્રદૂષણ રોકવું એ ઉપાય નથી.

  • સૂર્યને અરીસો બતાવવો એ ઉપાય કેમ છે?

ગ્લોબલ વોર્મિંગના ગણિત અનુસાર, ઉપાય એવો હોવો જોઇએ કે જેને લાગુ કરવામાં જો 1 યુનિટ એનર્જી પણ વપરાય છે, તો 100 યુનિટ ગરમી જળવાયુથી ઘટે. ફોસિલ ફ્યૂઅલ જ આપણી પાસે એકમાત્ર વિશ્વસનીય ઇંધણ સ્ત્રોત છે, જેનો તત્કાળ ઉપયોગ કરી શકાય છે. આ બંધનોની સાથે સૂર્યના પ્રકાશને ફરીથી અંતરિક્ષમાં મોકલવો જ એકમાત્ર ઉપાય સંભવ છે. પહેલા આ કામ ધરતી પર બરફની સફેદ ચાદર કરતી હતી, જે હવે પીગળી રહ્યો છે. તેથી તેના માટે કાચની આર્ટિફિશિયલ ચાદરોથી સસ્તી કોઇ અન્ય ચાદર બની જ ના શકે.

  • પ્રોજેક્ટ પાછળ કેટલો ખર્ચ થશે?

જેટલા કાચ જોઇએ છે, તે 800 રૂપિયા વર્ગ મીટરથી પણ ઓછી કિંમત પર બની શકે છે. તેને લગાવવા માટે મેટલની જગ્યાએ વાંસનો પ્રયોગ કરી શકાય છે. વિશ્વની જીડીપીના 3% આ પ્રોજેક્ટનો ખર્ચ છે. જો સોલર એનર્જીને પણ જોડીએ, તો ખર્ચ 1% સુધી સીમિત રહેશે.

  • આ અરીસા ક્યાં લગાવવા જોઇએ?

ગરીબોની ઘરની છત ઉપર જેથી તેઓને કાળઝાળ ગરમીથી રાહત મળે. ખેતીમાં, જેથી ફળદ્રુપતા યથાવત્ રહે, પાકમાં પાણીનો વપરાશ ઘટે અને ઉપજ વધી શકે. કોઇ વિસ્તારમાં 10% રિફ્લેક્ટિવિટી વધારાય, તો ત્યાં તાપમાન 1 થી 7 ડિગ્રી સુધી ઘટી શકે છે.

  • પ્રોજેક્ટ માટે અમદાવાદની કેમ પસંદગી કરાઇ?

ક્લાઇમેટ ચેન્જ સામેની લડતમાં ભારતનું મુખ્ય યોગદાન અનિવાર્ય છે. અમદાવાદમાં શિક્ષણ સંસ્થાઓ, યુવા સંશોધકો, ખેડૂતો અને શ્રમિકોએ આ પ્રયોગ સાથે જોડાવાની ઉત્સુકતા દેખાડી છે. એટલે જ, પાઈલટ પ્રોજેક્ટની રૂપરેખા અહીંયા ટેસ્ટ કરાઇ રહી છે. પ્રોજેક્ટ ટીમ તૈયાર થઇ ચૂકી છે. ગ્રાઉન્ડ સરવે જારી છે. જલદી જ ત્યાં સૂર્ય તરફ અરીસાઓ દેખાવવા લાગશે.

અન્ય સમાચારો પણ છે...