અમેરિકા:મહાકાય મગરે તરાપ મારીને 6 ફૂટના મગરને દબોચ્યો, સેકન્ડોમાં જ કોળિયો બનાવ્યો,જૂઓ દિલધડક વીડિયો

13 દિવસ પહેલા

અમેરિકાના સાઉથ કેરોલિના અને ઓસ્ટ્રેલિયામાં મગરે કરેલા હુમલાના બે વીડિયોઝ જોઈને ભલભલાનું હૃદય ધબકારો ચૂકી જાય છે. સાઉથ કેરોલિનાના બિચ પર એક મગરે બીજા 6 ફૂટ લાંબા મગરનો શિકાર કર્યો હતો. તો ઓસ્ટ્રેલિયાના ડાર્વિનની ખાડીમાં ડોક્યૂમેન્ટ્રી બનાવવા માટે ઉડાવેલા ડ્રોન કેમેરા પર મગરે તરાપ મારીને તેના ભૂક્કા બોલાવી દીધા હતા.

સાઉથ કેરોલિનાના મુર્રેલ્સ ઈન્લેટના બિચ પર ભૂખ્યા થયેલા મહાકાય મગરે બીજા મગર પર હુમલો કર્યો હતો. અંદાજે 6 ફૂટ લાંબા મગરને જડબામાં દબોચી મહાકાય મગર તેને ગણતરીની સેકન્ડોમાં જ કોળિયો બનાવી લે છે. એક મગર બીજા મગરને ખાઈ જતો હોય તેવી આ ઘટના ટેલર સોપર નામના શખ્સે કેમેરામાં કેદ કરી છે. મગર પણ તેનો શિકાર કરીને ધીરે રહીને પાણીમાં ગાયબ થઈ જાય છે.

તો બીજો વીડિયો ઓસ્ટ્રેલિયાના ડાર્વિન શહેરનો છે. જ્યાં ખીજાયેલો મગર ઊડતાં ડ્રોનને જોઈ તેના પર અચાનક જ તરાપ મારી દે છે. એક ન્યૂઝ ચેનલનો સ્ટાફ અહીં મગર પર ડોક્યૂમેન્ટ્રી શૂટ કરી રહ્યો હતો. ત્યારે મગરનો ગુસ્સો પણ કેમેરામાં કેદ થયો હતો. પાણી ઉપર ઉડી રહેલા ડ્રોનને જોઈને મહાકાય મગર પણ ગુસ્સે ભરાયો હતો. જેવું ડ્રોન તેની ઉપરથી પસાર થયું કે તરત જ તેણે છલાંગ મારીને જડબામાં દબોચી લેવાનો પ્રયત્ન કર્યો. અને જોતજોતામાં આખું ડ્રોન જ ખાડીના પાણીમાં ગરકાવ થઈ ગયું. બાદમાં ન્યૂઝ ચેનલની ટેકનિકલ ટીમે મહામુસીબતે ડ્રોન બહાર નીકાળીને આ ફૂટેજ રિકવર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...