તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Future Meals Are Served In This French Restaurant !: These Are Not Pictures Of Art Pieces, But Look Seriously.

વિશ્વભરનું અવનવું તસવીરોમાં:ફ્રાન્સની આ રેસ્ટોરાંમાં પીરસાય છે ભવિષ્યનું ભોજન-જીવડાં!: આ કોઈ આર્ટપીસની તસવીરો નથી છતાં જુઓ ગંભીરતાથી; વિમાન આવી ચઢ્યું બીચની સફરે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સૌથી ઊંચા શિખરને સર કરવાની સીઝન સમાપ્ત. - Divya Bhaskar
સૌથી ઊંચા શિખરને સર કરવાની સીઝન સમાપ્ત.

માઉન્ટ એવરેસ્ટને સર કરવાની સીઝન ગુરુવારે સમાપ્ત થઈ ગઈ. આ વખતે ફક્ત 43 ટીમના 408 લોકોને નેપાળ તરફથી ચઢાણ માટે પરમિટ અપાઈ છે. તેમની મદદ માટે 500થી વધુ શેરપાઓએ ભાગ લીધો. તાજેતરના ઈતિહાસમાં કોઈ સીઝનમાં પર્વતારોહકોની આ સૌથી ઓછી સંખ્યા છે. બેઝ કેમ્પના સંપર્ક અધિકારી જ્ઞાનેન્દ્ર શ્રેષ્ઠે કહ્યું હતું કે આ વર્ષે તાઉ-તે અને યાસ વાવાઝોડાંને લીધે પર્વતારોહકોને ગણતરીના દિવસો જ મળ્યા. કેટલા લોકોએ એવરેસ્ટ સર કર્યું તેના આંકડા પર્વતારોહકોના દાવાનું વેરિફિકેશન કર્યા બાદ જારી કરાશે. એવરેસ્ટ પર અભિયાનનું આયોજન કરનારા શેરપાઓનું કહેવું છે કે અનેક લોકોએ કોરોનાના ડરથી ચઢાણ છોડી દીધું. મનાય છે કે ડઝનેક શેરપા પણ સંક્રમિત થયા હતા. જોકે સરકાર એવરેસ્ટ પર કોરોના વિસ્ફોટના અહેવાલોને નકારતી રહી છે.

આ કોઈ આર્ટપીસની તસવીરો નથી

દુનિયાભરમાં અનેક સ્થળો એવાં છે જ્યાં દુષ્કાળે ભરડો લીધો છે. અહીં સામેલ તસવીરમાં સામેલ ન્યૂ સાઉથ વેલ્સનો 95 ટકા વિસ્તાર દુષ્કાળથી પ્રભાવિત છે. ઓસ્ટ્રેલિયામાં કે જ્યાં ઓગસ્ટમાં ઠંડીનો માહોલ હોવો જોઈએ ત્યારે દુષ્કાળે ભરડો લીધો છે. અહીં જે લાલ ભૂમિ દેખાય છે એ કોઈ રીતે મંગળ ગ્રહની નથી, પરંતુ દુષ્કાળગ્રસ્ત પ્રદેશની છે. અહીંના એક ખેડૂત જિમ્મી મેક્ક્વેનના ખેતરની તસવીર છે. જ્યાં 2010 પછી વરસાદ જ થયો નથી.

આજે ખાવામાં શું છે? ભવિષ્યમાં જવાબ મળશે - જીવડાં!

સામાન્ય રીતે કોઈને પૂછીએ કે આજે ખાવામાં શું છે અને સામે જવાબ મળે કે જીવડાં તો તમારી શી હાલત થાય? પરંતુ વાસ્તવિક રીતે ફ્રાન્સની એક રેસ્ટોરાંમાં માત્ર કિટકો જ ભોજનમાં પીરસાય છે. અલબત્ત, આ રેસ્ટોરાંમાં જમવા જવું હોય તો ખિસ્સામાં પૈસાની સાથે દિલમાં હિંમત હોવી પણ જરૂરી છે, કેમ કે જંતુઓને ભોજનમાં આરોગવા કોઈ કાચાપોચા માણસનું કામ નથી. ચિતરી ચઢે એવા આ સમાચાર પાછળ વાસ્તવિકતા પણ છુપાયેલી છે. જાણીને નવાઈ લાગશે કે યુરોપિયન ખાદ્ય સુરક્ષા એજન્સી (ઈએફએસએ)એ આ વર્ષે જાન્યુઆરીમાં માણસો ખાઈ શકે એવા કિટકોની લગભગ એક ડઝન પ્રજાતિઓના વેચાણને મંજૂરી આપી છે. યુરોપિયન યુનિયનના આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા પ્રવક્તા સ્ટીફન ડી કિર્સમાઈકર કહે છે, “કીડા પૌષ્ટિક હોય છે, જે આપણને ખાદ્ય પ્રણાલીમાં સ્થાયી અને સ્વસ્થ ભોજન પ્રદાન કરી શકે છે.’

વિમાન આવી ચઢ્યું બીચની સફરે

ઓસ્ટ્રેલિયાના સિડની બીચ પર અચાનક એક ટચકડું વિમાન ઊતર્યુ તો ત્યાં હાજર સૌ ભયભીત થઈને અવાચક થઈ ગયા હતા. વાસ્તવમાં આ વિમાનનું એન્જિન કોઈ ખરાબી થતાં બંધ થઈ ગયું હતું, જેના પછી બીચ પર સફળ લેન્ડિંગ થઈ શકતા કોઈ જાનહાનિ થઈ ન હતી. આ વિમાનમાં એક બાળક સહિત ત્રણ લોકો સવાર હતા, પરંતુ કોઈને ઈજા પણ થઈ નથી.

કોન્કોર્ડ યુગ પાછો ફરશે

વર્ષ 1980થી 1990 દરમિયાન સુપરસોનિક પેસેન્જર વિમાન ‘કોન્કોર્ડ’ ઘણું મશહૂર હતું પણ મોંઘી મુસાફરી અને દુર્ઘટનાને કારણે એ જલદી ઇતિહાસ બની ગયું. હવે એક અરસા બાદ સુપરસોનિક યુગ પાછો ફરતો દેખા રહ્યો છે. બધું સમુંસૂતરું પાર પડ્યું તો 5-6 વર્ષમાં પહેલું સુપરસોનિક પેસેન્જર જેટ હવામાં હશે. ડેનવરની એરોસ્પેસ કંપની બૂમ સુપરસોનિકે ‘ઓવરચર’ રજૂ કર્યું છે, જે 60 હજાર ફૂટ (કોન્કોર્ડ જેટલું જ) ઊંચે જઇ શકશે. અંદાજે 1,300 માઇલની ઝડપથી એ ન્યૂયોર્ક અને લંડન વચ્ચેનું અંતર માત્ર 3.5 કલાકમાં કાપી લેશે, જેમાં સામાન્ય રીતે 6.5 કલાક લાગે છે. ‘ઓવરચર’ 100% ઇકો-ફ્રેન્ડલી ફ્યુઅલથી ચાલશે. એનાથી ઝીરો કાર્બન ઉત્સર્જન થશે. 2025 સુધીમાં પહેલું વિમાન તૈયાર કરવાનું અને 2029માં પેસેન્જર ફ્લાઇટ્સ શરૂ કરી દેવાનું કંપનીનું આયોજન છે.