સભ્યતાના વિકાસના યુગમાં અંદાજે 12 હજાર વર્ષ પૂર્વે માનવ શિકાર કરવા પરથી ખેતી કરવા તરફ વળ્યો. અમેરિકાના પેન્સિલ્વેનિયા સ્ટેટની પેન યુનિવર્સિટીના એક ઇન્ટરનેશનલ રિસર્ચ મુજબ, ખેડૂત બનવાને કારણે માનવકદ સરેરાશ દોઢ ઇંચ જેટલું ઘટી ગયું. યુરોપમાં 167 પ્રાચીન માનવ કંકાલના ડીએનએનો અભ્યાસ કર્યા બાદ આ તથ્ય સામે આવ્યું છે. રિસર્ચનું નેતૃત્વ કરનારા પેન યુનિવર્સિટીના પ્રો. સ્ટેફની મર્સીનેકનું કહેવું છે કે મનુષ્યએ ખેતીની શરૂઆત કરી ત્યારે તે ઉપજ ઝાઝી પૌષ્ટિક નહોતી.
આમ, તે ખેતઉપજથી ઓછું પોષણ મળવાને કારણે મનુષ્યો બીમારીઓથી ઘેરાયેલા રહેતા, જેની પ્રતિકૂળ અસર તેમના શારીરિક કદ પર પડી. યુરોપમાં સૌથી પહેલાં અંદાજે 10 હજાર વર્ષ પૂર્વે વ્યવસ્થિત રીતે ખેતી શરૂ થઇ. ત્યાર બાદ ખેતી અન્ય દેશોમાં ફેલાઇ. યુરોપના ઉત્તર ધ્રૂવની આસપાસ રહેતા લોકો બહુ મોડા ખેતી તરફ વળ્યા. તેનું કારણ એ હતું કે બરફીલા ક્ષેત્રોમાં ખેતી કરવાનું શિકાર કરવાથી મુશ્કેલ હતું. બરફ હટાવીને ખેતી કરવી બહુ મુશ્કેલ હતું. સંશોધકોની ટીમે 12 હજાર વર્ષના કંકાલોના અભ્યાસથી જાણ્યું કે શરૂમાં માણસનું કદ જરૂર ઘટ્યું પણ તે પછી ખેતઉપજો દ્વારા પોષણ મળવા લાગતાં પછીનાં વર્ષોમાં કદ વધવા લાગ્યું. નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં પ્રકાશિત આ રિસર્ચ મુજબ માનવકદ સાથે જોડાયેલા આંકડાનો અભ્યાસ હજુ જારી છે. નવાં તથ્યો સામે આવી શકે છે.
માનવકદ 80% જીન્સ અને 20% પર્યાવરણ પર નિર્ભર
રિસર્ચ મુજબ, માનવકદ 80% જીન્સ (જનીનો) પર અને 20% પર્યાવરણ પર નિર્ભર છે. અહીં પર્યાવરણ એટલે કે કોણ કેવા ભૌગોલિક ક્ષેત્રમાં રહે છે? રિસર્ચમાં સામે આવ્યું કે ઠંડા પહાડી ક્ષેત્રોમાં રહેતા લોકોની ઊંચાઇ મેદાની પ્રદેશોમાં રહેતા લોકોથી વધુ હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.