તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાબુલથી ભાસ્કર લાઈવ:‘ભયના માર્યા લોકો એરપોર્ટથી ઘરે જઈ રહ્યા છે’

કાબુલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકા અને વિદેશી સરકારો માટે કામ કરનારા લોકો કેવી સ્થિતિમાં જીવી રહ્યા છે

કાબુલ એરપોર્ટની બહાર જોઈને લાગે છે કે જાણે આખું શહેર દેશ છોડવા ઉમટી પડ્યું છે. પોતાને બચાવવા માટે લોકો ગમે તે ભોગે ઊડવા માગે છે પણ ફ્લાઈટની અછત અને પર્યાપ્ત ડૉક્યુમેન્ટ ન હોવાથી બહાર નીકળવું એટલું સરળ નથી. એરપોર્ટની બહાર આશરે 30 હજાર લોકોની ભીડ છે.

કાબુલ પર તાલિબાનના કબજા બાદથી અત્યાર સુધી ઓછામાં ઓછા 87,900 લોકો દેશ છોડી ચૂક્યા છે. બીજી બાજુ મોટી સંખ્યામાં લોકો કાબુલ અને આજુબાજુનાં શહેરોમાં સેફહાઉસમાં છુપાયેલા છે અને વિઝા મંજૂર થવાની રાહ જોઈ રહ્યા છે. ગુપ્તચર વિભાગ અને મોટા હોદ્દે રહી ચૂકેલા લોકોની શોધમાં ઘેર ઘેર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

ફ્લાઈટની રાહ જોનારા એક પત્રકારે કહ્યું કે એરપોર્ટ પર સ્થિતિ બદતર થઈ ચૂકી છે. તે કહે છે કે તાલિબાને અચાનક કબજો કરી લીધો અને તમામ ઓફિસો બંધ થઈ ગઈ. આ જ કારણ છે કે જે લોકો યાત્રા કરવા માગે છે તે અધૂરા દસ્તાવેજો સાથે એરપોર્ટ પહોંચી રહ્યા છે. બધા ડરેલા છે અને થાકી પણ ગયા છે. એક અન્ય પરિવારે કહ્યું કે તેમનું મન અને મગજ બંને રડી રહ્યાં છે.

ડર અને અરાજકતાને લીધે ઘર છોડવું કોઈ નરસંહારથી ઓછું નથી. તે કહે છે કે તાલિબાન સત્તામાં આવ્યા બાદ અફઘાનમાં બધું સામાન્ય લાગે છે પણ એવું નથી. લોકો ભારે તણાવ અને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. લોકો તાલિબાન પર કેવી રીતે ભરોસો કરી શકે? જે વર્ષોથી લોકોનાં માથાં વાઢતા રહ્યા છે, મહિલાઓની હત્યા કરી દે છે. હવે તે ફક્ત શાંતિનો દેખાડો કરી રહ્યા છે. રશિયાથી સૈન્ય વિજ્ઞાનમાં માસ્ટર કરનાર પ્રથમ મહિલા પણ કાબુલમાં ફસાઈ છે.

તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે ઘણા પ્રયાસો બાદ અને એરપોર્ટ પર રાત પસાર કર્યા બાદ પણ કોઈ મદદ ન મળી. દિવ્ય ભાસ્કરે અફઘાનથી જુદા જુદા સેફ હાઉસમાં છુપાયેલા લોકો સાથે વાત કરી. અમેરિકા સાથે કામ કરનાર એક યુવા મહિલા ઈન્ટરપ્રેટરે કહ્યું કે અમેરિકાએ અમારી સાથે દગો કર્યો છે. અમે જીવના જોખમે તેમની મદદ કરી પણ હવે તે અમને શત્રુઓને સોંપી રહ્યા છે.

ફોન પર ડરેલી એક મહિલા પત્રકાર કહે છે કે મેં મારું આઈડી કાર્ડ જ બાળી નાખ્યું છે. મેં ઘર પણ છોડી દીધું છે. હું એક પત્રકાર છું અને પિતા સરકાર માટે કામ કરતા હતા. મને ખબર છે કે તાલિબાન આ બે ક્ષેત્રમાં કામ કરનારા લોકોને શોધવા માટે ઘેર ઘેર તપાસી રહ્યા છે. અમે એક સામાજિક-વિકાસ યોજનાના હિસ્સા તરીકે 3 મહિનાથી એકબીજા સાથે જોડાયેલા હતા. છેવટે તે દાદીના ઘરે પહોંચવામાં સફળ રહી.

એક અન્ય ટ્રેની પત્રકારે મને ભારતીય વિઝા અપાવવામાં મદદ કરવા મેસેજ કર્યો. બાદમાં તેની કાકીએ મને ફોન કર્યો અને ધ્રૂજતા અવાજે કહ્યું કે મારા પતિ સરકાર માટે કામ કરતા હતા અને હું અમેરિકી યુનિવર્સિટી માટે કામ કરું છું. અમારો સાત લોકોનો પરિવાર છે અને ડરને લીધે અમે શ્વાસ પણ લઈ શકતાં નથી. અમે ભારત માટે ટિકિટો ખરીદી અને વિઝા માટે ફાઈલ કરવા જઈ રહ્યા હતા ત્યારે જ દૂતાવાસ બંધ થઈ ગયું. કૃપા કરી અમારી મદદ કરો!

મેદાન પ્રાંતમાં રહેતા એક વ્યથિત પિતાએ કહ્યું કે મારાં બાળકો આખી રાત રડતાં રહ્યાં. મારી માતા ચિંતિત છે. તેમનું બ્લડપ્રેશર વધી રહ્યું છે અને અમે ન તો તેમને ડૉક્ટર પાસે લઈ જઈ શકીએ છીએ અને ન તો દવાઓ ખરીદી શકીએ છીએ.

તાલિબાને પ્રચાર-પ્રસાર માટે સામૂહિક કાર્યક્રમ શરૂ કર્યા
તાલિબાને પ્રચાર-પ્રસાર માટે જાહેરસભા યોજવાની શરૂઆત કરી છે. તેને તાલિબાનના સંસ્કૃતિ અને સૂચના મંત્રી જબીઉલ્લ્લાહ સંબોધી રહ્યા છે. તાલિબાન તેનું પ્રભુત્વ સ્થાપિત કરવા આ પ્રકારના ગતકડાં અપનાવી રહ્યા છે.

કાબુલના માર્ગો પર તાલિબાનના નવા સુરક્ષાદળ ફતેહ વૉક તહેનાત
અફઘાનમાં તાલિબાને કાબુલ શહેરના હાઈ-પ્રોફાઈલ વિસ્તારોમાં નવા સુરક્ષાદળ તહેનાત કરી દીધાં છે. કાબુલના માર્ગો પર હથિયારધારી સૈનિકો તેમનાં સુરક્ષા વાહનો સાથે પેટ્રોલિંગ કરી રહ્યાં છે. આ ફોર્સને ‘ફતેહ વૉક’ એટલે ‘વિજેતા ફોર્સ ’નામ અપાયું છે.

અન્ય સમાચારો પણ છે...