ફ્રાન્સ 2025 સુધી 20 હજાર ભારતીય વિદ્યાર્થીઓને તેમના દેશની વિવિધ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવકારશે. આ પગલાંથી બંને દેશમાં નવા બિઝનેસ, સ્ટાર્ટઅપ અને ઈનોવેશનને વેગ મળશે. ફ્રાન્સ બે દેશના સંબંધ વધુ મજબૂત બનાવવા વિદ્યાર્થીઓની સાથે વધુને વધુ પ્રોફેશનલ અને સ્કિલ્ડ વર્કર્સને પણ આવકારવાની તૈયારી કરી રહ્યું છે. આમ કરવાથી બંને દેશ વચ્ચે માઈગ્રેશન વધશે. યુરોપના ત્રણ દેશની મુલાકાત અંતર્ગત ફ્રાન્સ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રેંચ પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોને બુધવારે આ સંયુક્ત નિવેદન કર્યું હતું.
વર્ષ 2019માં 10 હજાર ભારતીય વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ માટે ફ્રાન્સ ગયા હતા. 2020 અને 2021માં કોરોના મહામારી વખતે પણ ફ્રાન્સે ભારતીય વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આવકાર્યા હતા. એટલું જ નહીં, આ માટે તેમને ખાસ માર્ગદર્શન પણ આપ્યું હતું. વડાપ્રધાન મોદીના ફ્રાન્સ પ્રવાસમાં બંને દેશે તમામ સ્તરે ભાગીદારી વધારવા પાર્ટનરશિપ એગ્રિમેન્ટ ઓન માઈગ્રેશન એન્ડ મોબિલિટી નામે એક કરાર પણ કર્યો છે,
જે પહેલી ઓક્ટોબર 2021થી અમલી થયો હતો. આ કરાર હેઠળ બંને દેશમાં એકબીજાના વિદ્યાર્થીઓ અને બિઝનેસમેનની ભાગીદારી વધે તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે. આ ઉપરાંત સંયુક્ત સૈન્ય અભ્યાસ જેવા કાર્યક્રમો કરીને બંને દેશ વચ્ચે સુરક્ષા ભાગીદારી વધારવા પણ મોદી અને મેક્રોને સહમતિ દર્શાવી.
બંને દેશના વડાએ યુક્રેન યુદ્ધને લઈને થયેલો ક્રૂડનો ભાવવધારો તેમજ ખાદ્યાન્ન અને ખાતરના સંભવિત સંકટ મુદ્દે પણ વિસ્તૃત ચર્ચા કરી. રશિયા મુદ્દે બંને દેશે પોતપોતાના પક્ષ રજૂ કરીને કોઈ પણ પ્રકારની આક્રમક કાર્યવાહીનો વિરોધ કરવા પણ સંમતિ દર્શાવી. હાલમાં જ ભારત અને ફ્રાન્સના સંબંધના 70 વર્ષ પૂરા થયા છે, જ્યારે વ્યૂહાત્મક ભાગીદારીના 24 વર્ષ પૂરા થયા છે.
ફ્રેન્ચ પ્રમુખ મેક્રોન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ આ વાતનો ઉલ્લેખ કર્યો. બંને દેશના વડાની બેઠક બે કલાકથી પણ વધુ સમય ચાલી. ખાસ વાત એ હતી કે, ફ્રાન્સના પ્રમુખ તરીકે ફરી વાર ચૂંટાયા પછી મેક્રોન પહેલીવાર કોઈ વૈશ્વિક નેતાને મળી રહ્યા હતા. આ અંગે વડાપ્રધાન મોદીએ તેમને શુભેચ્છા પણ આપી.
ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ મુદ્દે ફ્રાન્સનો ટેકો
આ પ્રસંગે ફ્રાન્સે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ મુદ્દે પણ ભારતનું ફરી એકવાર સમર્થન કર્યું. એનએસજીમાં ચીન સહિત 48 દેશ છે, જે ટેક્નોલોજી અને પરમાણુ સામગ્રીના વેપાર અને સ્થાનાંતરણને નિયંત્રિત કરવાની સાથે પરમાણુ હથિયારોનો પ્રસાર ના થાય તેમાં પણ મદદ કરે છે. ચીન એનએસજીમાં ભારતની સામેલગીરીનો સતત વિરોધ કરે છે. તેનો તર્ક છે કે, ભારતે પરમાણુ અપ્રસાર સંધિ એટલે કે ટ્રિટી ઓન ધ નોન-પ્રોલિફરેશન ઓફ ન્યુક્લિયર વેપન્સ પર હસ્તાક્ષર નથી કર્યા. છતાં ફ્રાન્સ સમર્થન આપશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.