દંડનીય કાર્યવાહી:ફ્રાન્સે ગૂગલને ~1,258 કરોડ અને FBને ~505 કરોડનો દંડ ફટકાર્યો

પેરિસ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુકીઝના ગેરકાયદે ઉપયોગ બદલ કડક કાર્યવાહી

કુકીઝનો ઉપયોગ કરવા બદલ ફ્રાંસે ગૂગલ અને ફેસબુક પર આશરે રૂ. 1,700 કરોડથી વધુ રકમનો દંડ ફટકાર્યો છે. આ બંને ટેક્ કંપનીઓ યુઝર્સના કુકીઝ સહિતના ડેટાનો ગેરકાયદે ઉપયોગ કરતી હતી. ગૂગલ અને ફેસબુક કુકીઝની મદદથી યુઝર્સને ઓનલાઈન ટ્રેક કરતા હતા. ફ્રાન્સના નેશનલ ઈન્ફર્મેશન ટેક્નોલોજી એન્ડ લિબર્ટી કમિશને ગૂગલને અત્યાર સુધીનો સૌથી વધુ રૂ. 1,260 કરોડ અને ફેસબુકને રૂ. 505 કરોડનો દંડ ફટકાર્યો છે.

ડિસેમ્બર 2020માં પણ કમિશને કુકીઝનો ગેરકાયદે ઉપયોગ કરવા બદલ ગૂગલને રૂ. 900 કરોડનો દંડ કર્યો હતો. આ કમિશને કહ્યું છે કે ગૂગલ અને ફેસબુકની માલિકીની કંપની યુ-ટ્યૂબ તો યુઝર્સને કુકીઝનો ઉપયોગ કરવા નહીં દેવાનું સેટિંગ્સ જ નથી આપતી. એટલે કે યુઝર્સે કંપનીને તેમની કુકીઝનો ઉપયોગ કરવા જ દેવો પડે છે. આ કંપનીઓ કુકીઝને જેટલી સરળતાથી ‘એક્સેપ્ટ’ કરવાની સુવિધા આપે છે, એટલી સરળતાથી ‘રિફ્યુઝ’ કરવાની સુવિધા નથી આપતી.

આગામી ત્રણ મહિનામાં આ કંપનીઓ કુકીઝ સેટિંગ્સમાં કોઈ ફેરફાર નહીં કરે તો તેમની પાસેથી રોજ રૂ. 84 લાખનો દંડ પણ વસૂલાશે. આ દરમિયાન ગૂગલે સાઈટ્સમાં ફેરફાર કરવાની ખાતરી આપતા કહ્યું છે કે, ઈન્ટરનેટ યુઝર્સની અપેક્ષા પ્રમાણે અમે નવા ફેરફારો કરવાની સાથે ફ્રાન્સના કમિશન સાથે પણ સક્રિય રીતે કામ કરવા પ્રતિબદ્ધ છીએ.’

નોંધનીય છે કે એપલ અને એમેઝોન સહિત અનેક અમેરિકન ટેક્ કંપનીઓ વિરુદ્ધ સમગ્ર યુરોપમાં વેપારને લઈને દબાણ વધ્યું છે. ગયા વર્ષે પણ આ કંપનીઓ વિરુદ્ધ ડેટાચોરી અને અન્ય આરોપોમાં દંડનીય કાર્યવાહી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...