પાકિસ્તાનમાં ચુકાદો:હાફીઝ સઈદના ઘરની બહાર વિસ્ફોટ કરવાના કેસમાં ચાર લોકોને મૃત્યુદંડની સજા

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાનના લાહોર નજીક આવેલા જોહર ટાઉન સ્થિત હાફીઝ સઈદના રહેઠાણ પાસે 23 જૂન 2021ના રોજ વિસ્ફોટ થયેલો - Divya Bhaskar
પાકિસ્તાનના લાહોર નજીક આવેલા જોહર ટાઉન સ્થિત હાફીઝ સઈદના રહેઠાણ પાસે 23 જૂન 2021ના રોજ વિસ્ફોટ થયેલો

પાકિસ્તાનની એક કોર્ટે મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ અને જમાત ઉદ દાવા (JuD)ના વડા હાફિઝ સઈદના ઘરની બહાર વિસ્ફોટને લગતા એક કેસમાં બુધવારે ચાર લોકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. આ સજા એન્ટી-ટેરરીઝમ કોર્ટ દ્વારા આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના જૂન મહિનામાં હાફિઝ સઈદના ઘરની બહાર એક વિસ્ફોટ થયો હતો. એન્ટી-ટેરોરીઝમ કોર્ટના ન્યાયમૂર્તિ અરશદ હુસૈન ભુટ્ટાએ ભારે સુરક્ષા વ્યવસ્થા ધરાવતી કોટ લખપત જેલમાં સુનાવણી કરતી વખતે આયશા બીબી નામની એક મહિલાને પાંચ વર્ષની કારાવાસની સજા પણ ફટકારી છે.

સઈદના ઘરની બહાર વિસ્ફોટ થયેલો

23 જૂન,2021ના રોજ લાહોરના જોહર શહેર સ્થિત હાફીઝ સઈદના ઘરની બહાર એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 20 કરતાં વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.આ વિસ્ફોટમાં અનેક મકાનો, દુકાનો અને વાહનોને નુકસાન પહોંચ્યું હતું.

કોર્ટે લાહોરના પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના ઈદ ગુલ, પીટર પોલ ડેવિડ, સજ્જાદ શાહ અને જિયાઉલ્લાહને નવ જેટલા કેસમાં મૃત્યુદંડની સજા કરી છે. જ્યારે અન્ય એક સંદિગ્ધ આયશા બીબીને પાંચ વર્ષની સજા કરી હતી. અહેવાલો પ્રમાણે જ્યારે આ વિસ્ફોટ થયો ત્યારે હાફીઝ સઈદ તેના ઘર પર જ હતો.