પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ઘોષણા કરી છે કે તેમની પાર્ટી PTIના મેમ્બર્સ તમામ એસેમ્બલીમાંથી રાજીનામું આપશે. તેઓ શનિવારે રાવલપિંડીમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ મામલે પાર્ટીના તમામ સીએમ અને સાંસદો સાથે મુલાકાત કરશે. ઈમરાન ખાને કહ્યું કે 'અમે વર્તમાન સિસ્ટમનો ભાગ નહીં રહીએ. અમે તમામ વિધાનસભાઓને છોડવાનો અને આ ભ્રષ્ટ વ્યવસ્થાથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે'. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને પંજાબમાં PTIની સરકાર છે.
ઇમરાને કહ્યું કે તેઓ ટૂંક સમયમાં જાહેરાત કરશે કે તેમની પાર્ટી ક્યારે વિધાનસભાઓ છોડશે. આ સાથે ઈમરાને તેમની લોંગ માર્ચ સમાપ્ત કરવાની પણ જાહેરાત કરી હતી. ઈમરાને વધુમાં કહ્યું કે પીટીઆઈએ કોઈપણ પ્રકારની અરાજકતાથી બચવા માટે ઈસ્લામાબાદ ન જવાનો નિર્ણય કર્યો છે.
બોમ્બ હુમલાનું જોખમ હતું
પોતાના પર થયેલા હુમલા બાદ ઈમરાન પહેલીવાર રેલીને સંબોધવા આવ્યા હતા. તેમણે કહ્યું કે હું મૃત્યુથી ડરતો નથી.એ અલ્લાહ ઈચ્છે ત્યારે જ આવે છે. તેમણે કહ્યું કે તે લોકો મારા પર ફરીથી હુમલો કરવાની ફિરાકમાં છે. જણાવી દઈએ કે રાવલપિંડીમાં ઈમરાનની રેલીને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. કહેવામાં આવ્યું હતું કે તેમના પર બોમ્બથી હુમલો થઈ શકે છે. જે બાદ સરકાર દ્વારા તેમની સુરક્ષા માટે એલીટ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા.
ઈમરાને કહ્યું- મોતને નજીકથી જોયું છે
પૂર્વ વડાપ્રધાને કહ્યું કે ડર આખા દેશને ગુલામ બનાવી દે છે. તે આગળ વધ્યા કારણ કે તેમણે મોતને નજીકથી જોયું હતું. જીવન જીવવું હોય તો મૃત્યુનો ડર છોડી દો. આપણો દેશ એવા વળાંક પર ઉભો છે, જેની સામે બે જ રસ્તા છે. એક માર્ગ આશીર્વાદ અને મહાનતાનો છે જ્યારે બીજો માર્ગ અપમાન અને વિનાશનો છે. ઇમરાને કહ્યું, હું કહેવા માગુ છું કે જેમણે પોતાની સંપત્તિ વધારી છે અને દેશના અધિકારોને કચડી નાખ્યા છે, ઇતિહાસ પણ તેમની તરફ જોઈ રહ્યો છે અને લખી રહ્યો છે કે તેઓએ દેશ સાથે શું કર્યું.
'ચોર' કહ્યું એટલે સરકાર અપમાન કરે છે
પીટીઆઈના ચીફ ઈમરાન ખાને કહ્યું કે શહબાઝ સરકાર વારંવાર તેમને અપમાનિત કરવાનો પ્રયાસ કરી રહી છે, કારણ કે તેમણે ચોર કહ્યું હતું. તેમણે કહ્યું કે દેશમાં ફરીથી ચૂંટણીની જરૂર છે અને તેમને આની પરવાનગી નથી કે આ નવ મહિના પછી થશે કેમ કે તેમની પાર્ટીની જ જીત થશે.
નવા આર્મી ચીફની નિમણૂકના બે દિવસ બાદ લોંગ માર્ચનો અંત
લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીર પાકિસ્તાની સેનાના નવા વડા બન્યાના બે દિવસ બાદ ઈમરાનની લોંગ માર્ચ અને એસેમ્બલીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરવામાં આવી છે. તે સ્વાભાવિક છે કે ઇમરાને અનિચ્છાએ સ્વીકાર્યું છે કે પાકિસ્તાનમાં ચૂંટણી હવે નવ મહિના પછી એટલે કે તેમના નિર્ધારિત સમયે યોજાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.