• Gujarati News
  • International
  • Former President Of Afghanistan Arrives In UAE After Fleeing Kabul; The Host Country Said Welcomed On Humanitarian Grounds

અશરફ ગનીની ભાળ મળી:કાબુલથી ભાગીને UAE પહોંચ્યા અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ; યજમાન દેશે કહ્યું- માનવીય આધારે સ્વાગત કર્યું

અબુધાબી3 મહિનો પહેલા

15 ઓગસ્ટે કાબુલ પર તાલિબાની કબજા પછી અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા હતા તેઓ ક્યાં ગયા છે? આ વાતનું હવે સસ્પેન્સ ખતમ થઈ ગયું છે. બુધવારે સાંજે સંયુક્ત આરબ અમીરાત (UAE)એ એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે- અમારું વિદેશ મંત્રાલય તે વાતની પુષ્ટિ કરે છે કે અમે અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેમના પરિવારને માનવીય આધારે અમારા દેશમાં સ્વાગત કર્યું છે.

તાલિબાને રવિવારે કાબુલ પર કબજો કર્યો હતો. તે પહેલાં ગની પરિવાર અને કેટલાંક અંગત લોકો દેશ છોડીને જતા રહ્યાં હતા. બીજા દિવસે એટલે કે સોમવારે એક ફેસબુક પોસ્ટમાં ગનીએ કહ્યું હતું કે તેને દેશના લોકોને લોહિયાળ જંગથી બચાવવા આ પગલું ઉઠાવ્યું છે. જો કે પોતાના લોકેશન અંગે કોઈ જ જાણકારી આપી ન હતી.

અનેક શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી
ગનીએ અફઘાનિસ્તાનમાંથી ભાગ્યા બાદ અનેક અફવાઓ અને શક્યતાઓએ જોર પકડ્યું હતું. કહેવામાં આવતું હતું કે તેઓ તજાકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન કે પછી ઓમાનમાં છે. ગનીની પત્ની લેબનોન મૂળની છે. તેથી એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવતી હતી કે તેઓ બેરુતમાં પણ હોય શકે છે. જો કે કેટલાંક સમાચારોમાં કહેવામાં આવ્યું અફઘાનના પૂર્વ રાષ્ટ્રપતિ અમેરિકા પણ પહોંચી ગયા હોય શકે છે. જો કે હવે આ તમામ અટકળો પર UAEએ ફુલસ્ટોપ લગાવી દીધું છે. ગનીએ ફેસબુક પોસ્ટમાં સ્પષ્ટ કહ્યું હતું કે તાલિબાન જીતી ગયું છે.

રશિયાએ આપ્યું હતું ચોંકાવનારું નિવેદન
કાબુલમાં રશિયન એમ્બેસી દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં મંગળવારે કહેવામાં આવ્યું હતું કે ગની પોતાની સાથે ચાર કાર અને એક હેલિકોપ્ટર ભરીને કેસ લઈ ગયા છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે કેટલીક રોકડ રકમ જ્યારે કાર અને હેલિકોપ્ટરમાં ન સમાઈ ત્યારે તેઓએ ત્યાં છોડી દીધી હતી. ગનીએ આ મુદ્દે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. ખાસ વાત એ છે કે તાલિબાન પણ આ મુદ્દે હજુ સુધી મૌન છે. તાલિબાની નેતા રાષ્ટ્રપતિ મહેલને પોતાના કબજામાં લઈ ચુક્યા છે.

અમેરિકા ગનીથી દૂર થયું
મંગળવારે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાનને ગની અંગે સવાલ કર્યો તો તેઓએ કહ્યું- અફઘાનિસ્તાન મામલે હવે તેમનો કોઈ જ રોલ નથી. જો કે અમેરિકા હજુ પણ તેઓને 'પ્રેસિડેન્ટ અશરફ ગની' જ કહે છે. અમેરિકાનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં હજુ સુધી સત્તાની વહેંચણી અને કાયદાકીય રીતે હસ્તાંતરણ નથી થયું.

UAEએ પહેલાં પણ કેટલાંક નેતાઓને આશરો આપ્યો હતો
2017માં જ્યારે થાઈલેન્ડમાં સ્થિતિ ખરાબ થઈ તો UAEએ ત્યાંના તત્કાલિન વડાપ્રધાન યિંગલુક શિનવાત્રાને શરણ આપ્યું હતું. શિનવાત્રાને તેમના દેશમાં પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. સ્પેનના રાજા જુઆન કાર્લોસ પણ ગત વર્ષે આ દેશમાં રહેતા હતા. 2007માં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો પણ અહીં રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...