• Gujarati News
  • International
  • After Finding Refuge In The UAE, Guinea Said He Did Not Run Away With The Money; If I Had Not Left The Country, The Taliban Would Have Hanged Me

ગની આવ્યા દુનિયાની સામે:UAEમાં શરણ મળ્યા પછી અફઘાનિસ્તાનના 'ભાગેડુ' રાષ્ટ્રપતિએ કહ્યું, હું માત્ર કપડાં લઈને ભાગ્યો છું, મારે મારા દેશમાં પરત ફરવું છે

કાબુલ3 મહિનો પહેલા
  • ગની 15 ઓગસ્ટે કાબુલ છોડીને ભાગી ગયા હતા
  • UAEએ ત્યાંના તત્કાલીન વડાપ્રધાન યિંગલુક શિનવાત્રાને શરણ આપ્યું હતું

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પરિવાર સહિત સંયુક્ત અરબ અમીરાત(UAE)માં શરણ લીધું છે. દેશ છોડ્યાના ચોથા દિવસની મોડી રાતે લગભગ 10.45 વાગ્યે તેઓ પ્રથમ વિશ્વ સમક્ષ આવ્યા. તેમણે કહ્યું હતું કે મેં કદાચ દેશ છોડ્યો નહોત તો લોહીની નદીઓ વહી હોત. હું મારા દેશમાં આવું થતું જોઈ ન શકત. મને પણ ફાંસીએ લટકાવી દેવાયો હોત.

ગનીએ પૈસા લઈને ભાગવાના આરોપ અંગે પણ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું હતું કે હું દેશના પૈસા લઈને આવ્યો નથી. આ આરોપ પાયાવિહોણા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના નિવેદન પર ગનીએ કહ્યું હતું કે અમે તાલિબાન સાથે વાતચીત કરી રહ્યા હતા, જોકે એ નિષ્ફળ રહી. તેમણે આર્મી અને અધિકારીઓને ધન્યવાદ પણ આપ્યા.

ગનીનું સંપૂર્ણ નિવેદન
તાલિબાન સાથે થયેલા કરારમાં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તે કાબુલ શહેરની અંદર આવશે નહિ. રવિવારે(15 ઓગસ્ટ) બપોરે મને મારા ગાર્ડ્સે જણાવ્યું હતું કે તાલિબાનો રાષ્ટ્રપતિ મહેલની બાઉન્ડરી વોલ સુધી પહોંચી ગયા છે. જો હું અફઘાનિસ્તાનમાં રહ્યો હોત તો દેશના લોકો વધુ એક રાષ્ટ્રપતિને સર-એ-આમ ફાંસીના ફંદા પર લટકતા જોત. હું દેશમાંથી કોઈપણ પ્રકારની કેશ લઈને આવ્યો નથી. મેં યુએઈ પહોંચ્યા પછી આમ નાગરિકની જેમ કસ્ટમ ક્લિયરન્સ લીધું. હું મારાં કપડાં જ સાથે લાવ્યો છું. મારી લાઈબ્રેરી પણ સાથે લાવવા માગતો હતો, જોકે એ શક્ય ન બન્યું. અમારા સુરક્ષાદળ નિષ્ફળ રહ્યા નથી. દેશના મોટા નેતા અને ઈન્ટરનેશનલ કમ્યુનિટી નિષ્ફળ રહ્યાં છે . હું મારા દેશમાં પરત ફરવા માગુ છું અને એના માટે હામિદ કરજઈ અને અબ્દુલ્લા અબ્દુલ્લાના સંપર્કમાં છું. આ જ લોકો તાલિબાન સાથે વાતચીત કરી રહ્યા છે.

ગનીએ કહેલી 3 મુખ્ય વાત
(1) કેશ લઈને આવ્યો નથીઃ કાબુલ સ્થિત રશિયાના દૂતાવાસે મંગળવારે એક નિવેદનમાં આરોપ લગાવ્યો હતો કે ગની ચાર કાર અને એક હેલિકોપ્ટરમાં કેશ લઈને ભાગી ગયા છે. જે કેશ ન સમાઈ શકી એને એરપોર્ટ પર જ છોડી દેવામાં આવી.

(2) વધુ એક રાષ્ટ્રપતિને ફાંસી આપવામાં આવી હોતઃ 1996માં તાલિબાને પ્રથમ વખત કાબુલ અને અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો. ત્યારે મોહમ્મદ નજીબુલ્લાહ રાષ્ટ્રપતિ હતા. તાલિબાને તેમને સુરક્ષાનો ભરોસો અપાવ્યો, જોકે થોડા જ કલાક પછી કાબુલના એક ચાર રસ્તે તેમને જાહેરમાં ફાંસી આપી દીધી. તેમના શબને ઘસડવામાં આવ્યું હતું.

(3) વતન પરત ફરવાની વાત શા માટેઃ ગની અને તેમની સરકાર પાકિસ્તાનની સખત વિરુદ્ધ હતી. હવે પાકિસ્તાન સમર્થક કેટલાક લોકો તેમને ગદ્દાર અને ભાગેડું કહીને સોશિયલ મીડિયા પર પ્રોપગેન્ડા ચલાવી રહ્યા છે. તાલિબાન હામિદ કરઝઈ અને અબ્દુલા અબ્દુલ્લાના સતત સંપર્કમાં છે. આ બંને અશરફ ગનીના નજીકના છે. આ સિવાય ગની તેમની છબિ બગડવાની કોશિશને નિષ્ફળ કરવા માગતા હતા.

15 ઓગસ્ટે કાબુલ છોડીને ચાલ્યા ગયા હતા ગની
15 ઓગસ્ટે કાબુલ પર તાલિબાનોના કબજા પછી અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા હતા, તેઓ ક્યાં ગયા છે? આ વાતનું હવે સસ્પેન્સ સમાપ્ત થઈ ગયું છે. બુધવારે સાંજે સંયુક્ત આરબ અમીરાત (UAE)એ એક નિવેદન જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અમારું વિદેશ મંત્રાલય એ વાતની પુષ્ટિ કરે છે કે અમે અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેમના પરિવારને માનવીય આધારે અમારા દેશમાં સ્વાગત કર્યું છે.

તાલિબાને રવિવારે કાબુલ પર કબજો કર્યો હતો. એ પહેલાં ગની પરિવાર અને કેટલાક અંગત લોકો દેશ છોડીને જતા રહ્યા હતા. બીજા દિવસે એટલે કે સોમવારે એક ફેસબુક પોસ્ટમાં ગનીએ કહ્યું હતું કે તેને દેશના લોકોને લોહિયાળ જંગથી બચાવવા આ પગલું ઉઠાવ્યું છે. જોકે પોતાના લોકેશન અંગે કોઈ જ જાણકારી આપી ન હતી.

અનેક શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી
ગનીએ અફઘાનિસ્તાનમાંથી ભાગ્યા બાદ અનેક અફવાઓ અને શક્યતાઓએ જોર પકડ્યું હતું. કહેવામાં આવતું હતું કે તેઓ તાજિકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન કે પછી ઓમાનમાં છે. ગનીની પત્ની લેબનોન મૂળની છે, તેથી એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવતી હતી કે તેઓ બેરુતમાં પણ હોય શકે છે. જોકે કેટલાક સમાચારોમાં કહેવામાં આવ્યું હતું કે અફઘાનના પૂર્વ રાષ્ટ્રપતિ અમેરિકા પણ પહોંચી ગયા હોય. જોકે હવે આ તમામ અટકળો પર UAEએ ફુલસ્ટોપ લગાવી દીધું છે. ગનીએ ફેસબુક પોસ્ટમાં સ્પષ્ટ કહ્યું હતું કે તાલિબાનો જીતી ગયા છે.

રશિયાએ આપ્યું હતું ચોંકાવનારું નિવેદન
કાબુલમાં રશિયન એમ્બેસી દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં મંગળવારે કહેવામાં આવ્યું હતું કે ગની પોતાની સાથે ચાર કાર અને એક હેલિકોપ્ટર ભરીને કેસ લઈ ગયા છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે કેટલીક રોકડ રકમ જ્યારે કાર અને હેલિકોપ્ટરમાં ન સમાઈ ત્યારે તેમણે ત્યાં છોડી દીધી હતી. ગનીએ આ મુદ્દે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. ખાસ વાત એ છે કે તાલિબાન પણ આ મુદ્દે હજુ સુધી મૌન છે. તાલિબાનના નેતા રાષ્ટ્રપતિ મહેલને પોતાના કબજામાં લઈ ચૂક્યા છે.

અમેરિકા ગનીથી દૂર થયું
મંગળવારે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાનને ગની અંગે સવાલ કર્યો તો તેમણે કહ્યું- અફઘાનિસ્તાન મામલે હવે તેમનો કોઈ જ રોલ નથી. જોકે અમેરિકા હજુ પણ તેમને 'પ્રેસિડેન્ટ અશરફ ગની' જ કહે છે. અમેરિકાનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં હજુ સુધી સત્તાની વહેંચણી અને કાયદાકીય રીતે હસ્તાંતરણ નથી થયું.

UAEએ પહેલાં પણ કેટલાક નેતાઓને આશરો આપ્યો હતો
2017માં જ્યારે થાઈલેન્ડમાં સ્થિતિ ખરાબ થઈ તો UAEએ ત્યાંના તત્કાલીન વડાપ્રધાન યિંગલુક શિનવાત્રાને શરણ આપ્યું હતું. શિનવાત્રાને તેમના દેશમાં પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. સ્પેનના રાજા જુઆન કાર્લોસ પણ ગત વર્ષે આ દેશમાં રહેતા હતા. 2007માં પાકિસ્તાનનાં પૂર્વ વડાંપ્રધાન બેનઝીર ભુટ્ટો પણ અહીં રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...