સંકટ:અમેરિકાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત શ્વેતોની વસતી ઘટી

વોશિંગ્ટન2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે વસતીગણતરી બ્યૂરોનો 2020નો રિપોર્ટ જારી કર્યો

અમેરિકાની શ્વેત વસતીમાં પહેલીવાર ઘટાડો થયો છે. અમેરિકી વસતીગણતરી બ્યૂરોના 2020ના રિપોર્ટમાં આ દાવો કરાયો છે. તે ગુરુવારે જારી કરાયો. તે અનુસાર 2010 બાદથી દેશમાં શ્વેતોની વસતીમાં 8.6%નો ઘટાડો થયો છે. હવે શ્વેત(બિનહિસ્પેનિક કે લેટિન) અમેરિકાની વસતીના 58% છે.

આવું પહેલીવાર બન્યું છે જ્યારે બિનહિસ્પેનિક શ્વેત વસતી 60%થી નીચે આવી છે. એક દાયકામાં લઘુમતી સમૂહોમાં ઉલ્લેખનીય વધારો નોંધાયો છે. હિસ્પેનિક કે લેટિની વસતી 23% વધી છે. અન્ય અશ્વેતોની વસતી 5.6% વધી છે. જ્યારે અમેરિકામાં એશિયન લોકોની વસતીમાં પણ 35%નો વધારો થયો છે. વસતીગણતરી બ્યૂરોના અધિકારી નિકોલસ જોન્સે કહ્યું કે અમેરિકાની વસતી પહેલાંની તુલનાએ વધારે બહુજાતીય અને જાતિવાદી થઈ ગઈ છે.

આ મામલે સૌથી વધુ વિવિધતા ધરાવતાં રાજ્યો હવાઈ, કેલિફોર્નિયા, નેવાદા, ટેક્સાસ, મેરિલેન્ડ, વોશિંગ્ટન ડીસી, ન્યુજર્સી અને ન્યુયોર્ક છે. ટેક્સાસમાં શ્વેત અને હિસ્પેનિક વસતી લગભગ બરાબર છે. અહીં શ્વેત 39.7% અને હિસ્પેનિક 39.3% છે. ગત દાયકામાં અમેરિકાની વસતીમાં 7.4%નો વધારો થયો હતો. આ અમેરિકી ઈતિહાસમાં બીજો સૌથી ધીમો વધારો છે. અગાઉ 2000 અને 2010ની વચ્ચે 9.7% વસતી વધી હતી.

ફિનિક્સમાં સૌથી વધુ વધી પણ ન્યુયોર્ક હજુ નંબર 1
વસતી ગણતરી નિષ્ણાત માર્કપેરીએ કહ્યું કે વધતી વસતીમાં મહાનગરીય ક્ષેત્રોની મોટી ભાગીદારી છે. લોકો મધ્ય-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વના લોકો દક્ષિણ અને પશ્ચિમ તરફ હિજરત કરવા લાગ્યા છે. મોટાં શહેરોમાં સૌથી વધુ 11.2% વસતી ફિનિક્સમાં વધી છે. ન્યુયોર્ક સિટીમાં હજુ પણ સૌથી વધુ 88 લાખ લોકો રહે છે જે ગત દાયકાની તુલનાએ 7.7% વધુ છે.

આંકડાથી શ્વેત-અશ્વેતનો રાજકીય નકશો બદલાશે
અમેરિકા વસતીગણતરીના નવા આંકડા દેશમાં રાજકારણનો નવો નકશો તૈયાર કરશે. તેની અસર સંસદની પ્રતિનિધિ સભાના સભ્યોની ચૂંટણી પર થઇ શકે છે. દેશમાં ડેમોક્રેટિક પાર્ટીની સરકાર છે. અશ્વેત આ પાર્ટીની વોટબેન્ક મનાય છે. જોકે રિપબ્લિક પાર્ટી પહેલાંથી શ્વેતોની વસતી ઘટવાની આશંકા વ્યક્ત કરતી રહી છે.