તમામ ઉપાયો છતાં ચીન કોરોના સંક્રમણને કાબૂ કરવામાં નિષ્ફળ રહ્યું. ચીનનાં 26 શહેરોમાં આંશિક કે પછી પૂર્ણ લૉકડાઉન લગાવાયું છે. 21 કરોડની વસતી ઘરોમાં કેદ થઇ ચૂકી છે. 1 મેથી યોજાનાર મજૂર દિવસે જાહેર કાર્યક્રમો ઉપર પણ રોક લગાવાઈ હતી. ચીનનાં છેલ્લાં 73 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર મે દિવસનું આયોજન ટળ્યું હતું. આર્થિક રાજધાની શાંઘાઈમાં કડક લૉકડાઉન અને રાજકીય બેઈજિંગમાં કોરોનાના કેસમાં ઘટાડો ન થવા છતાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ મુદ્દે મૌન સાધી બેઠા છે.
એપ્રિલ દરમિયાન જિનપિંગે અનેક જાહેર કાર્યક્રમોમાં હાજરી આપી પણ કોરોના અથવા લૉકડાઉન વિશે કોઈ નિવેદન આપ્યું નહોતું. એટલું જ નહીં .2.5 કરોડની વસતીવાળા શાંઘાઈના લોકોને ટેલિવિઝન પર પણ સંબોધિત ન કર્યા. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના સમાચારપત્રના સંપાદક રહેલા ડેંગ યુવેને કહ્યું કે જિનપિંગ એવું જાણીજોઈને કરી રહ્યા છે કેમ કે લોકોમાં લૉકડાઉન અને અન્ય પ્રતિબંધોને કારણે રોષ વ્યાપી ગયો છે.
સરકારી કર્મી ઓછા પડ્યા, કમ્યુનિસ્ટ કાર્યકરોને મેદાને ઉતારાયા
ચીનનાં અનેક શહેરોમાં લૉકડાઉનને કારણે લોકોને ખાણી-પીણીની વસ્તુઓની માટે વલખાં મારવા પડે છે. રાષ્ટ્રપતિ જિનપિંગે પહેલાં લગભગ 75 લાખ સરકારી કર્મચારીઓને રાહત સામગ્રી વિતરણ અને અન્ય કામે લગાડ્યા પણ સરકારી કર્મીઓની સંખ્યા ઓછી પડતા હવે કમ્યુનિસ્ટ પાર્ટીના લગભગ 50 લાખ કાર્યકરોને મેદાને ઉતારાયા છે. એવું જિનપિંગે એટલા માટે કરવું પડ છે કે કેમ કે ભલે તે લૉકડાઉન અને અન્ય કડકાઈ વિશે નિવેદન નથી આપી રહ્યા પણ તેમને લોકોના અસંતોષ વિશે ખબર છે. વર્ષાંતે તેમણે પોતાના ત્રીજા કાર્યકાળ માટે પોલિટ બ્યૂરો બોલાવવાની છે.
લૉકડાઉનથી ચીનના જીડીપી પર 22% અસર થઇ રહી
26 શહેરોમાં લૉકડાઉનને કારણે ચીનની 22 ટકા જીડીપીને અસર થઈ રહી છે. એવામાં ચીનની 1,126 લાખ કરોડના કુલ જીડીપીમાંથી 247 લાખ કરોડ રૂપિયાનું અર્થતંત્ર પ્રભાવિત થઇ રહ્યું છે. એપ્રિલના આંકડા મુજબ ચીનનું મેન્યુફેક્ચરિંગ આઉટપુટ પણ ગત બે વર્ષ દરમિયાન સૌથી ઓછું રહ્યું છે.
8 પ્રાંતમાં 2 મહિનાથી સ્કૂલો બંધ, પ્રાઈમરીનાં બાળકોનું ટેસ્ટિંગ
ચીનના ઝિજિંગયાન, જિલિન, શાંઘાઈ, બેઈજિંગ સહિત 8 પ્રાંતોમાં લગભગ 2 મહિનાથી સ્કૂલો બંધ છે. અહીં ઓમિક્રોન વાઈરસને લીધે સંક્રમણના કેસ ઘટી રહ્યા નથી. જિનપિંગ સરકારે આ પ્રાંતની સ્કૂલોમાં ભણતાં પ્રાઈમરીનાં બાળકોના કોરોના ટેસ્ટિંગના આદેશ આપ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.